Tue Oct 06 2026

Logo

અમદાવાદમાં ગણેશ વિસર્જનના કારણે ક્યા રસ્તા બપોરે 1 પછી બંધ ?

2026-09-25 15:03:00
Author: Vimal Prajapati
અમદાવાદમાં ગણેશ વિસર્જનના કારણે ક્યા રસ્તા બપોરે 1 પછી બંધ ?

અમદાવાદઃ આજે ગણેશ વિસર્જન નિમિત્તે ભીની આંખે બાપ્પાને વિદાય આપવામાં આવશે. અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં આજે ગણેશ વિસર્જન થવાનું છે, જેથી અનેક રસ્તાઓ પર આજે ટ્રાફિક રહેશે, જેથી લોકોને કયાં રસ્તેથી આજે પસાર ના થવું તેનું ધ્યાન રાખવું પડશે. ગણેશ વિસર્જન નિમિત્તે અમદાવાદમાં આજે બપોરે 1 વાગ્યાથી સરદાર બ્રિજ, એલિસબ્રિજ સહિતના કેટલાક રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ રહેશે.

જાહેરનામું બહાર પાડી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા

વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી વૈકલ્પિક રૂટ પણ જાહેર કર્યા છે. ખાસ કરીને જે લોકો એરપોર્ટ અને રેલવે સ્ટેશન જવા માંગતા હોય તેવા મુસાફરોને 1થી 2 કલાક વહેલા નીકળવું પડશે. કારણ કે, આ દરમિયાન અહીં ટ્રાફિક નડી શકે છે. ચાલો આ રૂટની વિગતે કરીએ...

બપોરે 1 બાદ શહેરના આ રસ્તાઓ બંધ રહેશે

એસ ટી ગીતામંદિરથી જમાલપુર બ્રિજ થઈને સરદાર બ્રિજ થઈ પાલડી જવા આવવાનો માર્ગ આજે 1 વાગ્યા બંધ રહેશે. આના માટે વૈકલ્પિક રૂટની વાત કરવામાં આવે તો,  એસ ટી ગીતામંદિરથી જમાલપુર બ્રિજ નીચેથી બહેરામપુરા દાણીલીમડા ચાર રસ્તાથી જમણી બાજુ આંબેડકર બ્રિજથી અંજલી ચાર રસ્તાથી પાલડી ચાર રસ્તા અને આશ્રમ રોડ પર જઈ શકાશે.

આજે એક વાગ્યા પછી એસ ટી ગીતામંદિરથી રાયપુર ચાર રસ્તા થઈને સારંગપુર સર્કલથી રેલવે સ્ટેશન ઈનગેટ જવાના રસ્તો બંધ રહેશે. તેના માટે વૈકલ્પિક રૂટમાં નરોડા તરફ જવા માટે એસ ટી સ્ટેશનથી ભુલાભાઈ ચાર રસ્તાથી કાંકરિયા ચોકી થઈ અપ્સરા સિનેમા ચાર રસ્તાથી અનુપમ સિનેમા થઈ ગોમતીપુર રેલવે કોલોની થઈ કાળીદાસ ચાર રસ્તા થઈ સરસપુર આંબેડકર હોલ થઈ કાલુપુર બ્રિજ થઈને નરોડા તરફ જઈ શકાશે.

કાલુપુર સ્ટેશનથી રાયપુર અને એએમસી કચેરી થઈ ટાઉન હોલ સર્કલ જતો રોડ બંધ રહેશે. તેના વિકલ્પે કાલુપુરથી ગોમતીપુર રેલવે કોલોની થઈ ઝઘડિયા બ્રિજ, દાણીલીમડા, આંબેડકર બ્રિજ અને અંજલિ થઈ ટાઉનહોલ જઈ શકાશે. આ સાથે રખિયાલ ચાર રસ્તાથી ચારતોળા કબ્રસ્તાન થઈ સરસપુર ITI અને ગુરુદ્વારા સુધીનો માર્ગ પણ બંધ રહેશે. અહીંના મુસાફરો માટે રખિયાલ, ગરીબનગર, મેમકો, નરોડા ફ્રૂટ માર્કેટ થઈ કાલુપુર તરફના વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. 

તે પછી વાત કરવામાં આવે તો, દિલ્હી દરવાજાથી નમસ્તે સર્કલ, ટ્રાફિક ભવનથી દધીચિ બ્રિજ તેમજ લીમડા ચોકથી દધીચિ બ્રિજનો રોડ પણ આજે 1 વાગ્યા બાદ બંધ રહેશે. આ રૂટને બદલે આજે અસારવા બ્રિજ, બળિયા લીમડી થઈ શાહીબાગ અંડરપાસ અથવા શાહપુર-શંકરભુવનથી ઇન્કમટેક્સ તરફ જઈ શકાશે. રિવરફ્રન્ટ પશ્ચિમનો વાડજ સ્મશાનગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો અને પૂર્વનો પિકનિક હાઉસથી આંબેડકર બ્રિજ સુધીનો રસ્તો પણ મુસાફરો માટે બંધ રહેશે.