સુરતઃ ગુજરાતમાં વ્યાજખોરી ઘટી રહી છે તેના પર અનેક સવાલો થઈ શકે તેવી ઘટનાઓ છાશવારે પ્રકાશમાં રહી છે. પહેલા રૂપિયા આપીને પછી વ્યાજના નામે પઠાણી ઉઘરાણી કરવાની માર મારવાનો આ બધુ સામાન્ય બની રહ્યું હોવાના અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. આવી એક ઘટના ફરી સુરતમાં બની છે. તંત્ર દ્વારા પહેલા દાવો કરવામાં આવ્યો હતો કે, સુરત હવે વ્યાજખોરોથી મુક્ત થઈ રહ્યું છે, પરંતુ અત્યારે વાયરલ થઈ રહેલા વીડિયોએ તે દાવાનો પોકળ સાબિત કરી દીધો છે.
ઉઘરાણીના નામે કથિત ત્રાસ ગુજારાર્યો
વિગતે વાત કરવામાં આવે તો, સુરતના વરાછા વિસ્તારમાં વ્યાજખોર દ્વારા ઉઘરાણીના નામે કથિત ત્રાસ ગુજારાયાનો સનસનીખેજ મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટના એવી છે કે, વ્યાજે આપેલા રૂપિયા વસૂલવા યુવકને ઓફિસમાં બોલાવી નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. એટલું જ નહીં પરંતુ માર મારવાની સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.
સુરતમાંથી વ્યાજખોરોની દાદાગીરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વ્યાજની ઉઘરાણી માટે યુવકને ઓફિસમાં બોલાવીને માર મારવામાં આવ્યો હતો, જેનો વીડિયો વાયરલ થતા પોલીસ તપાસ શરૂ થઈ છે. વિગતવાર માહિતી માટે વીડિયો જુઓ. Surat Vyajkhor, Surat Loan Shark, Surat News, Gujarat Police… pic.twitter.com/BLr0a1EVgG
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 25, 2026
માત્ર 26 સેકન્ડની વીડિયોમાં યુવકને 6 લાફા માર્યા
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ યુવકને લાફા મારી રહ્યો છે. માત્ર 26 સેકન્ડની વીડિયોમાં યુવકને 6 લાફા મારવામાં આવ્યાં હતા. એટલું જ નહીં પરંતુ બાજુમાં દેખાઈ રહેલા અન્ય યુવકો પણ રૂપિયાની માંગણી સાથે ગાળો બોલી રહ્યાં હતાં. જાહેરમાં દાદાગીરી કરતા વ્યાજખોરોના વીડિયોથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આ વીડિયોને જોતા ઘટનાને પગલે પોલીસની કામગીરી સામે સ્થાનિકોમાં અનેક સવાલો ઊભા થયા છે.
આ તત્વોને પોલીસ કે કાયદાનો કેમ કોઈ ડર નથી?
આખરે રૂપિયા માટે આવી રીતે માર મારનારી પઠાણી ઉઘરાણી કરતા તત્વોને પોલીસ કે કાયદાનો કેમ કોઈ ડર નથી? શું આ લોકો પોતાને સર્વસ્વ કે દાદા સમજે છે? આવા તત્વો સામે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે. રૂપિયા માટે યુવકને માર મારનારા લોકો કોણ છે? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.