Mon Oct 05 2026

Logo

UNમાં ભારતીય પત્રકારોના સવાલથી ભાગ્યાં પાક PM શહબાઝ, આતંકવાદ અને હાફિઝ સઈદ પર મૌન સેવ્યું

New York   2026-09-25 10:37:00
Author: Vimal Prajapati
UNમાં ભારતીય પત્રકારોના સવાલથી ભાગ્યાં પાક PM શહબાઝ, આતંકવાદ અને હાફિઝ સઈદ પર મૌન સેવ્યું

ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 81મા સત્રમાં ભાગ લેવા ન્યૂયોર્ક પહોંચેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફને વૈશ્વિક મંચ પર ભારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. યુએન મુખ્યાલયના પરિસરમાં ભારતીય પત્રકારોએ સીમાપાર આતંકવાદ અને લશ્કર-એ-તૈયબાના આકા હાફિઝ સઈદ મુદ્દે સીધા તીખા પ્રશ્નો પૂછતાં જ પાકિસ્તાની વડાપ્રધાનની બોલતી બંધ થઈ ગઈ હતી અને તેઓ કોઈ પણ જવાબ આપ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા હતા.

આતંકવાદીઓને શરણ આપવાનું ક્યારે બંધ કરશો?

મીડિયો રિપોર્ટ્સ પ્રમાણે, શહબાઝ શરીફ જ્યારે સંયુક્ત રાષ્ટ્રના વડા મથકમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે જ ભારતીય પત્રકારે તેમને સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે, ‘વડાપ્રધાન, તમે આતંકવાદીઓને આશ્રય આપવાનું ક્યારે બંધ કરશો?’ આ સવાલ સાંભળતા જ શહબાઝ શરીફ ચોંકી ગયા અને માત્ર હાથ ઊંચો કરીને કશું જ બોલ્યા વિના ઝડપથી અંદર જતા રહ્યા હતા. ત્યારબાદ જ્યારે તેઓ બેઠક પૂર્ણ કરીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે ફરી એકવાર પત્રકારે તેમને ઘેરતા પ્રશ્ન કર્યો કે, ‘તમે લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદ સામે ક્યારે કાનૂની કાર્યવાહી કરશો?’. આ સવાલ પર પણ પાકિસ્તાની વડાપ્રધાને મૌન ધારણ કરી લીધું હતું અને નીચું જોઈને ત્યાંથી નીકળી જવામાં જ ભલાઈ માની હતી.   

ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી છે હાફિઝ સઈદ

હાફિઝ મોહમ્મદ સઈદ એ ભારતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ્રતિબંધિત કાયદા (UAPA) હેઠળ ઘોષિત કરાયેલો આતંકવાદી છે. તે 26/11ના મુંબઈ આતંકી હુમલાનો મુખ્ય સૂત્રધાર છે. પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈ (ISI) દ્વારા તેને સરકારી સુરક્ષા હેઠળ ખુલ્લામાં રખાઈ રહ્યો હોવાના આક્ષેપો વારંવાર થતા રહ્યા છે. તાજેતરમાં પહેલગામ આતંકી હુમલા અંગે NIA એ દાખલ કરેલી ચાર્જશીટમાં પણ હાફિઝ સઈદને આરોપી નામાંકિત કરવામાં આવ્યો છે. 

યુએનએચઆરસીમાં ભારતે પાકિસ્તાનને ખરીખોટી સંભળાવી

શહબાઝ શરીફ સાથે બનેલી આ ઘટના પહેલા જ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં ભારતીય રાજદ્વારી ક્ષિતિજ ત્યાગીએ પાકિસ્તાનને બરાબરનું આડે હાથ લીધું હતું. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કડક ચેતવણી આપતા કહ્યું હતું કે, બીજા દેશોની જમીન હડપવાની દાનત રાખવા કે સીમાપાર આતંકવાદ ફેલાવવાને બદલે પાકિસ્તાને તેના દેવા હેઠળ ડૂબેલા અર્થતંત્ર અને નાગરિકોના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ. આ સાથે PoK માં નિર્દોષ નાગરિકો પર થઈ રહેલા અત્યાચાર અને અનાજ-દવાઓ જેવી આવશ્યક વસ્તુઓની અછત મુદ્દે પણ ભારતે વૈશ્વિક મંચ પર પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું હતું.  ભારતે સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાને બીજા દેશો તરફ આંગળી ચિંધતા પહેલા પોતાના ઘરના આંતરિક માનવાધિકારના ભયાનક રેકોર્ડ પર નજર નાખવી જોઈએ.