Mon Oct 12 2026

Logo

રાખી સાવંતની લપેટમાં આવ્યો ગોવિંદા, પત્ની સુનીતાને છોડી કોમલ સાથે ફરવા પર ઉઠાવ્યા સવાલ

2026-09-24 21:28:17
Author: Mumbai Samachar Team
રાખી સાવંતની લપેટમાં આવ્યો ગોવિંદા, પત્ની સુનીતાને છોડી કોમલ સાથે ફરવા પર ઉઠાવ્યા સવાલ

મુંબઈ: બોલીવુડના ડાન્સર કમ અભિનેતા ગોવિંદા ફરી પોતાની પર્સનલ લાઇફને લઈને વિવાદની એરણ પર ચઢ્યો છે. ગણેશોત્સવ દરમિયાન ગોવિંદા મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો હતો. જોકે, આ દરમિયાન તેમની સાથે પત્ની સુનીતા આહુજા નહીં, પરંતુ તેમની આગામી ફિલ્મની કો-સ્ટાર કોમલ રાની સ્વર્ણકાર જોવા મળી હતી. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અભિનેત્રી રાખી સાવંતે ગોવિંદા પર સવાલ ઉઠાવ્યા છે.

રાખી સાવંતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને ગોવિંદાને સંબોધ્યો હતો. તેણે કહ્યું કે ગોવિંદા તેના સારા મિત્ર છે અને તે હંમેશાં તેમનું સમર્થન કરતી આવી છે, પરંતુ લાલબાગચા રાજાના દર્શન જેવા પ્રસંગે તેમને પોતાની પત્ની સુનીતા સાથે જવું જોઈએ. રાખીએ ગોવિંદાને સવાલ કર્યો કે તેઓ કોમલ રાની સાથે કેમ ફરતા જોવા મળી રહ્યા છે.

રાખીએ ગોવિંદા અને સુનીતા આહુજાના લાંબા લગ્નજીવનનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે બંનેએ સાથે લગભગ 40 વર્ષ સાથે પસાર કર્યા છે અને હવે તેમણે પોતાના મતભેદો ભૂલીને ફરી સાથે રહેવું જોઈએ. રાખીએ ગોવિંદાને અપીલ કરી કે અન્ય મહિલાઓ અને બાકીની બાબતોને બાજુ પર રાખીને તેમણે પોતાની પત્નીનો સાથ આપવો જોઈએ. 

આ દરમિયાન ગોવિંદા અને કોમલ રાનીના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા વધુ ગરમાઈ છે. જોકે, બંનેએ પોતાના સંબંધ અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. કોમલ રાની ગોવિંદાની આગામી ફિલ્મ ‘રૂપા’માં તેમની સાથે કામ કરી રહી છે. ફિલ્મના શૂટિંગ અને અન્ય પ્રસંગોએ બંને સાથે જોવા મળ્યા બાદ તેમના સંબંધોને લઈને અટકળો વધી રહી છે.

ખાસ વાત એ છે કે ગોવિંદા અને કોમલ રાની લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા તેના થોડા કલાકો પહેલાં સુનીતા આહુજા પણ ત્યાં દર્શન કરવા પહોંચી હતી. સુનીતા એકલી જોવા મળી હતી ત્યાર બાદ ગોવિંદા અને કોમલ રાનીનો વીડિયો સામે આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. આ દરમિયાન સુનીતાનો એક વીડિયો પણ વાયરલ થયો, જેમાં તેણે માણસો કરતાં પ્રાણીઓ પ્રત્યે પ્રેમ વ્યક્ત કર્યો હતો. જોકે, તેણે ગોવિંદા કે કોમલ રાનીનું નામ લીધું નહોતું.

હવે રાખી સાવંતની ટિપ્પણી બાદ ગોવિંદા અને સુનીતા આહુજાના સંબંધોને લઈને ચર્ચા વધી છે. રાખીએ ખુલ્લેઆમ ગોવિંદાને પોતાની પત્ની સાથે રહેવાની અપીલ કરી છે, જ્યારે ગોવિંદા અને કોમલ રાની તરફથી આ સમગ્ર મુદ્દે કોઈ સ્પષ્ટ નિવેદન સામે આવ્યું નથી. સોશિયલ મીડિયા પર પણ આ મામલે અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.