ઉમેશ ત્રિવેદી
મુહમ્મદ કુટ્ટી પાનપરાંબિલ ઇસ્માઇલનો જન્મ કેરળના ત્રાવણકોર જિલ્લાના ચાંદીરુર ગામમાં સાત સપ્ટેમ્બર 1951નાં થયો હતો. આટલું લાંબું નામ વાંચીને કદાચ તમને ખ્યાલ નહીં આવે કે એ કોણ છે, પણ એ છે મલયાલમ ફિલ્મોનો સુપરસ્ટાર મામૂટી.
75 વર્ષના આ અભિનેતાએ પોતાની 55 વર્ષની કારકિર્દીમાં કુલ 440 ફિલ્મોમાં અભિનય કર્યો છે અને એકાદ-બે અપવાદને છોડીને તેણે બધી જ ફિલ્મોમાં કેન્દ્રિય ભૂમિકા ભજવી છે.
મલયાલમ ઉપરાંત તમિળ, તેલુગુ, ક્ધનડ, હિન્દી અને અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં તેણે અભિનય કર્યો છે. 1971માં આવેલી એક મલયાલમ ફિલ્મમાં તેણે એકસ્ટ્રા તરીકે કામ કર્યું હતું. પણ ત્યાર પછી તરત જ એને હીરોની ભૂમિકા મળવા લાગી. તણે 400 જેટલી મલયાલમ , 17 તમિળ ઉપરાંત , ક્ધનડ , તેલુગુ, હિન્દી અને અંગ્રેજી એમ કુલ 13 ફિલ્મો અને કોઇ ફિલ્મમાં નેરેટર કે વોઇસ ઓવર કલાકાર તરીકે 10 ફિલ્મો સાથે કુલ 440 ફિલ્મો કરી છે.
આ વર્ષે તેને ‘બ્રહ્માયુગમ’ નામની ફિલ્મ માટે ‘સર્વોત્કૃષ્ટ અભિનેતા’નો અવોર્ડ મળ્યો છે. આ વખતે શ્રેષ્ઠ અભિનેતા તરીકે કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન) સાથે તેની પસંદગી થઇ છે. કાર્તિક આર્યનનો આ પહેલો જ નેશનલ અવોર્ડ છે, જયારે મામૂટીનો આ ચોથો નેશનલ અવોર્ડ છે.!
મામૂટીને પહેલો નેશનલ અવોર્ડ 1990માં મળ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે 1990માં તેને બે ફિલ્મના અભિનય માટે સર્વોત્કૃષ્ટ અભિનેતાનો નેશનલ અવોર્ડ મળ્યો હતો.1994માં પણ તેને બે ફિલ્મના અભિનય માટે બીજો નેશનલ અવોર્ડ મળ્યો હતો અને ત્રીજો નેશનલ અવોર્ડ તેને ‘ડો. બાબા સાહેબ આંબેડકર’ નામની અંગ્રેજી ફિલ્મ માટે મળ્યો હતો. એમાં તેણે ડો. બાબાસાહેબ આંબેડકરની ભૂમિકા ભજવી હતી.
આ બધા ઉપરાંત 1981થી 2024 સુધીમાં મામૂટીને 10 વાર કેરળ રાજ્ય તરફથી ફિલ્મ અવોર્ડસ મળ્યા છે. 1982થી 2020 સુધીમાં કેરળ ફિલ્મ ક્રિટીક્સ એસોસિયેશન દ્વારા તેને 11 વાર અવોર્ડસ મળ્યા છે. દક્ષિણમાં તેને 1984થી 2024 સુધીમાં 15 વાર ફિલ્મફેર અવોર્ડસથી નવાજવામાં આવ્યો છે.
આજ સુધીની કારકિર્દી દરમિયાન મામૂટીને 1998માં ‘પદ્મશ્રી’ અને 2026માં ‘પદ્મભૂષણ’થી પણ નવાજવામાં આવ્યો છે. આ સિવાય કેરળ યુનિવર્સિટી, કાલીકટ યુનિવર્સિટી દ્વારા તેને ડોકટરેટની ડિગ્રી, કેરળ રાજ્યના સર્વોચ્ચ સન્માન ‘કેરળ પ્રભા’થી તેને 2022માં સન્માનિત કરવામાં આવ્યો છે.
મામૂટી ફિલ્મ અભિનેતા ઉપરાંત ફિલ્મ નિર્માતા પણ છે. ‘કેસિનો ફિલ્મ્સ’ નામની તેની નિર્માણ સંસ્થા છે. આ ઉપરાંત તેણે ટેલિવિઝન માટે નિર્માણ સંસ્થાની રચના કરી છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં પચાસ વર્ષ કરતાં વધુ કારકિર્દી ધરાવનારા અભિનેતાઓમાં તેનો સમાવેશ થાય છે.
અભિનેતા-નિર્માતા ઉપરાંત મામૂટીને માનદ ડોકટરેટની ડિગ્રી બે વાર મળી છે. તેણે એર્નાકુલમની ગવર્ન્મેન્ટ લો કોલેજમાંથી એલ.એલ. બી. ડિગ્રી પણ મેળવી છે અને બે વર્ષ તેણે વકીલાત પણ કરી છે.
1979માં તેણે સુલ્સત કુટ્ટી સાથે અરેન્જડ મેરેજ કર્યા છે. 1982માં તેમને ત્યાં પ્રથમ પુત્રી સુરુમીનો જન્મ થયો હતો અને 1983માં પુત્ર દુલકર સલમાનનો જન્મ થયો હતો. દુલકર સલમાન દક્ષિણની ફિલ્મોમાં અને હિન્દી ફિલ્મોમાં જાણીતું નામ છે. મામૂટી પોતાના કુટુંબ સાથે કોચ્ચીમાં રહે છે. તેને નાનો ભાઇ ઇબ્રાહીમ કુટ્ટી પણ મલયાલમ ફિલ્મોનો જાણીતો અભિનેતા છે.
આટલી બધી ફિલ્મો કરનારા મામૂટીએ હિન્દીમાં ગણીગાંઠી જ ફિલ્મો કરી છે. તેમાં 1990માં આવેલી ‘ત્રિયાત્રી’, 1993માં આવેલી ‘ધરતીપુત્ર’, 1998માં આવેલી ‘સ્વામી વિવેકાનંદ’, 2000માં આવેલી ‘ડો. બાબાસાહેબ આંબેડકર’, 2005માં આવેલી ‘સૌ જૂઠ એક સચ’ અને 2008માં આવેલી ‘હલ્લા બોલ’નો સમાવેશ થાય છે.
આવા આ ઉત્કૃષ્ટ અભિનેતાએ એક એકસ્ટ્રા તરીકે મલયાલમ ફિલ્મોમાં 1971માં શરૂઆત કરી હતી અને લગભગ 10 વર્ષ સુધી તેને એવી જ ભૂમિકાઓ મળ્યા કરતી હતી. 1980માં પહેલી જ વાર તેને સારી કહી શકાય એવી ભૂમિકા મળી એ ફિલ્મ એમ. ટી. વાસુદેવન નાયરની ફિલ્મ ‘વિકકાનંદુ સ્વનાંગલ’ હતી. ત્યાર પછી 1981માં તેને દક્ષિણના ખૂબ જ જાણીતા દિગ્દર્શક આઇ. વી. શશીની રોમાન્ટિક ફિલ્મ ‘તૃષ્ણા’માં હીરોની ભૂમિકા મળી. આ ફિલ્મમાં રાજ્યલક્ષ્મી અને સ્વપ્નાની પણ મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મ પછી મામૂટીને પાછળ ફરીને જોવાની ન તો તક મળી છે અને ન તો સમય!
1980નાં દાયકાના મધ્યભાગમાં એટલે કે 1984 અને 1985માં તેણે પોતાના બળે અનેક સુપરડુપર હીટ ફિલ્મો આપી અને ત્યારથી જ તેની ગણના એક સફળ કલાકાર તરીકે થવા લાગી. એટલું જ નહીં, તેની ફિલ્મો સફળતાની ગેરન્ટી પણ ગણાવા લાગી.
કલાકાર તરીકેની મામૂટીની જિંદગીમાં 1982, 1983, 1984, 1985 અને 1986 એ પાંચ વર્ષ ખૂબ જ મહત્ત્વના સાબિત થયા છે. 1982ના વર્ષમાં તેની 23 ફિલ્મો રજૂ થઇ હતી. 1983માં તેની 36 ફિલ્મો રિલીઝ થઇ હતી. 1984માં 35, 1985માં 34 અને 1986માં ફરી 35 ફિલ્મો રિલીઝ થઇ હતી. આમાંની મોટાભાગની ફિલ્મો મલયાલમ હતી અને લગભગ બધી જ ફિલ્મ્સ સુપરડુપર હીટ ફિલ્મો હતી.
બોલિવૂડમાં રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનનો સિતારો બુલંદ હતો ત્યારે પણ તેણે વર્ષમાં 15થી 20 ફિલ્મો આપી છે. જયારે આ એક પ્રાદેશિક ભાષાની ફિલ્મનાં અભિનેતાએ વર્ષમાં 35-36 ફિલ્મો આપી છે. એ જ તેને મુઠ્ઠી ઊંચેરો કલાકાર સાબિત કરે છે.
1990 પછી મામૂટીની કારકિર્દીમાં થોડો ઠહરાવ આવ્યો હતો. ત્યારપછી પણ દર વર્ષે તેની 12થી 15 ફિલ્મ્સ રિલીઝ થઇ જ છે. મામૂટીએ ભલે મલયાલમ ફિલ્મો વધારે કરી હોય. પણ એક અભિનેતા તરીકે, એક કલાકાર તરીકે તેણે ફિલ્મ દુનિયામાં આગવું સ્થાન મેળવ્યું છે.
OTTનું હોટસ્પોટ
26 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી શું જોશો?
જાપાનમાં અત્યારે એશિયન ગેમ્સ ચાલી રહી છે. એશિયન ગેમ્સમાં પહેલી જ વાર ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે અને વિજેતા ટીમને ગોલ્ડ મેડલથી નવાજવામાં આવશે. ભારતની મહિલાઓએ તો ટી-20માં સારું પ્રદર્શન કરીને પ્રથમ ગોલ્ડ મેડલ તો મેળવી લીધો છે અને હવે વારો છે ભારતની પુરુષ ટીમનો. આગામી શનિ-રવિના એશિયન ગેમ્સમાં ટી-20ની સેમિ-ફાઈનલ અને ફાઈનલ જોવા મળશે. તો આવો હવે આપણે આવતા અઠવાડિયે ઓટીટી પર રજૂ થનારી સિરીઝ પર એક નજર નાખીએ.
નેટફ્લિક્સ: ખૂબ જ જાણીતી આ ઓટીટી ચેનલ પર 26 સપ્ટેમ્બરથી કપિલ શર્માના ‘નાઇટ્સ વિથ કપિલ’ના કોમેડી શોની પાંચમી સિઝન શરૂ થઈ રહી છે. નવજોત સિંહ સિદ્ધુ અને અર્ચના પુરનસિંહ સહિત કપિલની ટીમ અને બોલિવૂડના કલાકારો ફરી એક વખત હસાવવા માટે તૈયાર છે. અહીં બીજી ઓક્ટોબરે ‘ધ ગેમ: યુ નેવર પ્લે અલોન’ નામની મિસ્ટ્રી થ્રીલર માણી શકાશે અને બીજી ઓક્ટોબરથી જ ‘સ્ટીવ’નું પ્રસારણ પણ શરૂ થશે.
એમેઝોન પ્રાઈમ વીડિયો: આ ચેનલ પર પહેલી ઓક્ટોબરે બે ફિલ્મ અને એક સિરીઝનું પ્રસારણ શરૂ થઈ રહ્યું છે. ‘મધરાસી’ નામની દક્ષિણ ભારતીય ફિલ્મના લેખક- દિગ્દર્શક એ.આર. મુરુગાદોસ છે અને શિવકાર્તિકેયન, રૂક્ષ્મણી વસંત અને વિદ્યુત જામવાલ જેવાં કલાકારો છે. પહેલી ઓક્ટોબરે જ અંગ્રેજી ફિલ્મ ‘પ્લે ડર્ટિ’ રજૂ થશે . આ એક સસ્પેન્સ ડ્રામા છે. અહીં પહેલી ઓક્ટોબરે ‘દુપહિયા’ની બીજી સિઝન શરૂ થઈ રહી છે. ગજરાજ સિંહ, રેણુકા શહાણે, સ્પર્શ શ્રીવાસ્તવ, ભુવન અરોરા, નિરહુઆ અને યશપાલ શર્મા અભિનિત આ સિરીઝ છે.
ઝી ફાઇવ: અહીં બીજી ઓક્ટોબરે પંજાબી ક્રાઈમ ડ્રામા ‘ડાકુઓંકા મુંડા’ જોઈ શકાશે.
જિયો હોટસ્ટાર: અહીં દર શનિ-રવિએ ‘જંગલ ટેલ્સ વીથ મોગલી’ના નવા એપિસોડ્સ રજૂ થાય છે, જે આ વખતે 26-27 ઓક્ટોબરે જોઈ શકાશે.