Edible Oil Price Cut, Customs Duty Reduction, Sunflower Oil, Soybean Oil, Palm Oil, IVPA, Retail Oil Prices Indiaગઈકાલે મોડી સાંજે સરકારે ક્રૂડ સનફ્લાવર તેલ પરની બેઝિક કસ્ટમ ડ્યૂટી જે 10 ટકા હતી તે ઘટાડીને શૂન્ય ટકા કરી હતી, જ્યારે રિફાઈન્ડ સનફ્લાવર તેલ પરની બેઝિક કસ્ટમ ડ્યૂટી જે 32.5 ટકા હતી તે ઘટાડીને 22.5 ટકા કરી હતી. આ ઉપરાંત ક્રૂડ સોયાબીન તેલ અને પામતેલ પરની બેઝિક કસ્ટમ ડ્યૂટી પણ જે 10 ટકા હતી તે ઘટાડીને પાંચ ટકા તથા રિફાઈન્ડ સોયાબીન તેલ અને પામતેલની બેઝિક કસ્ટમ ડ્યૂટી જે 27.5 ટકા હતી તે ઘટાડીને 27.5 ટકા કરી હતી અને ડ્યૂટી ઘટાડાનો અમલ આજથી અથવા તો 24મી સપ્ટેમ્બરથી અમલી બનાવવામાં આવ્યો છે.
સોયાબીન, સનફ્લાવર અને પામતેલની બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં સરકાર દ્વારા કરવામાં આવેલા ઘટાડાને પગલે રિટેલ સ્તરે ભાવમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા ખાદ્યતેલ ઉદ્યોગના સંગઠન ઈન્ડિયન વેજિટેબલ ઑઈલ પ્રોડ્યુસર્સ એસોસિયેશન (આઈવીપીએ)એ વ્યક્ત કરી છે. એસોસિયેશનના પ્રમુખ સુધાકર દેસાઈએ જણાવ્યું હતું કે આગામી ટૂંક સમયગાળામાં તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે ત્યારે સરકાર દ્વરા ચોક્કસ ખાદ્યતેલ પરની આયાત જકાતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઓછી આયાત જકાતને કારણે આયાત પડતરમાં ઘટાડો થવાથી રિટેલ સ્તરે અમુક અંશે ઘટાડાતરફી વલણ જોવા મળી શકે છે.
જોકે, ખાદ્યતેલ ઉદ્યોગ માટે આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં લેતા પર્યાપ્ત પુરવઠો ઉપલબ્ધ રાખવો એ અગ્રતાક્રમ છે. સામાન્યપણે તહેવારોની મોસમમાં ઘરગથ્થુ ધોરણે લોકો મીઠાઈઓ અને નાસ્તા માટેની અને ફૂડ સર્વિસીસ તથા ફૂડ સર્વિસીસ અને હોરેકા (હૉટૅલ, રૅસ્ટૉરન્ટ અને કેફેટેરિયા) સેગ્મેન્ટની માગમાં વધારો થતો હોય છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે માગમાં થતાં ફેરફારની દૃષ્ટિએ પણ ડ્યૂટી માળખામાં કરવામાં આવેલો સુધારો મહત્ત્વપૂર્ણ છે. સનફ્લાવર તેલની ડ્યૂટીમાં વધુ ઘટાડો કરવામાં આવતા તે વધુ સસ્તું બન્યું છે. ખાસ કરીને તેનો વપરાશ દક્ષિણ ભારતમાં વધુ છે.
સનફ્લાવર અને સોયાબીન તેલની આયાત માટે વધુ છૂટછાટ મળવાથી પામતેલની માગમાં ઘટાડો થશે કારણ કે બાયોફ્યુઅલના ફરજિયાત નિયમનોના અમલીકરણ અને વાવેતર વિસ્તારમાં ઘટાડો થવાથી પામતેલ પ્રમાણમાં મોંઘું રહેવાની શક્યતા તેમણે વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગ્રાહક સ્તરે ડ્યૂટી ઘટાડાની અસર ડ્યૂટી ઉપરાંતનાં અન્ય પરિબળો પર પણ નિર્ભર રહેશે, જેમાં મુખ્યત્વે વૈશ્વિક ભાવ, પરિવહન ખર્ચ, વિનિમય દરમાં ફેરફાર અને સ્થાનિકમાં ઉપલબ્ધતા અથવા તો સ્ટોકની સ્થિતિનો સમાવેશ થાય છે. .
દેશનાં અન્ય અગ્રણી સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશનનાં જણાવ્યાનુસાર આગામી ઑક્ટોબરના અંતે પૂરી થતી વર્તમાન તેલ મોસમમાં ખાસ કરીને આયાતમાં વધારા ઉપરાંત ડૉલર સામે રૂપિયામાં થયેલા ધોવાણને ધ્યાનમાં લેતા દેશનું ખાદ્યતેલનું આયાતનું બિલ નવ ટકા વધીને રૂ. 1.75 લાખ કરોડની સપાટી સુધી પહોંચવાનો અંદાજ છે. વર્તમાન વર્ષ 2025-26ની તેલ મોસમમાં ગત નવેમ્બરથી ઑગસ્ટ સુધીમાં દેશમાં કુલ વનસ્પતિ તેલની આયાત ગત સાલના સમાનગાળાના 133.37 લાખ ટન સામે ચાર ટકા વધીને 138.8 લાખ ટનની સપાટીએ પહોંચી છે.
નોંધનીય બાબત એ છે કે દેશમાં પામતેલની આયાત મલયેશિયા અને ઈન્ડોનેશિયાથી થાય છે, જ્યારે સોયાબીન તેલની આયાત આર્જેન્ટિના અને બ્રાઝિલથી થાય છે.