Mon Oct 05 2026

Logo

આયાતી તેલમાં પીછેહઠ, મથકો પાછળ સરસવ તેલમાં રૂ. 20નો ઉછાળો

2026-09-23 20:05:09
Author: Ramesh Gohil
આયાતી તેલમાં પીછેહઠ, મથકો પાછળ સરસવ તેલમાં રૂ. 20નો ઉછાળો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 95 સેન્ટનો ઘટાડો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ અને આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 42 રિંગિટ ઘટી આવ્યા હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહેતાં સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં આજે આયાતી તેલમાં પીછેહઠ જોવા મળી હતી. જેમાં 10 કિલોદીઠ આરબીડી પામોલિનમાં રૂ. 20નો, સન રિફાઈન્ડમાં રૂ. 10નો અને સોયા રિફાઈન્ડમાં રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો. જોકે, દેશી તેલમાં મથકો પાછળ મિશ્ર વલણ રહેતાં સરસવમાં 10 કિલોદીઠ રૂ. 20 વધી આવ્યા હતા અને કપાસિયા રિફાઈન્ડમાં રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો, જ્યારે સિંગતેલમાં ટકેલું વલણ રહ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ રિલાયન્સ રિટેલના ઑક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1470, નવેમ્બર અને ડિસેમ્બર ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1430 અને સન રિફાઈન્ડના રૂ. 1650, પતંજલિ ફૂડ્સના ઑક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1480, સોયા રિફાઈન્ડના રૂ. 1455 અને સન રિફાઈન્ડના રૂ. 1695, ગોકુલ એગ્રોના સન રિફાઈન્ડના રૂ. 1680 અને ઑક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1520 અને સોયા રિફાઈન્ડના રૂ. 1490 તથા જી-વનના ઑક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1465 અને સોયા રિફાઈન્ડના રૂ. 1431 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપાર નહોતા. 

આજે ગુજરાતમાં ગોંડલ મથકે મગફળીની 6000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1200થી 1780માં અને રાજકોટ મથકે 2000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1200થી 1650માં ટકેલા ધોરણે થયા હતા. તેમ જ મધ્ય પ્રદેશનાં મથકો પર આજે સોયાસીડની 80,000 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 4500થી 5600માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 5400થી 5800માં થયા હતા. તેમ જ આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 10 ઘટીને રૂ. 2750માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 00 ઘટીને રૂ. 1730ના મથાળે થયા હતા. 

આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1460, સોયા રિફાઈન્ડના રૂ. 1450, સન રિફાઈન્ડના રૂ. 1710, સિંગતેલના રૂ. 1790, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1625 અને સરસવના રૂ. 1750ના મથાળે રહ્યા હતા.