Sat Oct 03 2026

Logo

વિસર્જન માટે પાલિકાની જડબેસલાક તૈયારીઃ 228 કન્ટ્રોલ રૂમમાંથી સમગ્ર વિસર્જન પર રહેશે નજર

2026-09-24 21:20:13
Author: Yogesh C. Patel
વિસર્જન માટે પાલિકાની જડબેસલાક તૈયારીઃ 228 કન્ટ્રોલ રૂમમાંથી સમગ્ર વિસર્જન પર રહેશે નજર

દુર્ઘટના ટાળવા રસ્તા પરના 2,479 ખાડા પૂરી દેવાયા અને ચેમ્બરનાં ઢાંકણાં લગાવાયાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
અનંતચતુર્દશીએ શુક્રવારે ગણેશ વિસર્જન માટે મુંબઈ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાની વ્યવસ્થા કરી તેની સાથે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પણ જડબેસલાક તૈયારી કરવામાં આવી છે. શહેરમાં 67 નૈસર્ગિક અને 383 કૃત્રિમ જળાશયોમાં થનારા વિસર્જન પર બારીક નજર રાખવા માટે પાલિકાએ 228 કન્ટ્રોલ રૂમ ઊભા કર્યા છે તો વિસર્જનના માર્ગ પર કોઈ વિઘ્ન ઊભું ન થાય તે માટે રસ્તા પનાર ખાડા પૂરવાની સાથે ચૅમ્બરનાં ઢાકણાંનું પણ સમારકાર કરાયું હતું.

મુંબઈ મહાપાલિકાના જણાવ્યા મુજબ શુક્રવારે શહેરના 67 નૈસર્ગિક જળાશયો અને 278 સ્થળે તૈયાર કરાયેલાં કૃત્રિમ તળાવોમાં ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. હાઈ કોર્ટના નિર્દેશ અનુસાર છ ફૂટ ઊંચાઈ સુધીની ગણેશ મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવોમાં કરવું બંધનકારક હોવાથી તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

ગણેશ વિસર્જન નિર્વિઘ્ન અને સુરક્ષિત રીતે પાર પડે તે માટે વિસર્જન સ્થળોએ 1,194 સ્ટીલ પ્લૅટ ગોઠવી દેવાઈ છે તો 23 જર્મન તરાપા, 34 ક્રેન, 85 એમ્બ્યુલન્સ અને 10 મોટરબોટ સજ્જ રાખવામાં આવી છે. આ દિવસે મહાપાલિકાના પચીસ હજારથી વધુ અધિકારી-કર્મચારી તહેનાત રહેશે.

દરિયાકિનારે અને તળાવો ફરતે ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખી 1,132 લાઈફગાર્ડ તહેનાત રહેશે. છ હજારથી વધુ ફ્લડલાઈટ/સર્ચલાઈટની વ્યવસ્થા પણ કરાઈ છે. વિસર્જનના સ્થળે 498 નિર્માલ્ય કળશ અને 326 નિર્માલ્ય ડમ્પર ઉપલબ્ધ કરવામાં આવ્યાં છે. ભક્તોની ભીડ પર નજર રાખવા માટે 261 સ્વાગત રૂમ, 228 કન્ટ્રોલ રૂમ અને નિરીક્ષણ માટે 77 ટાવર ઊભા કરાયા છે. વધુમાં વિસર્જન વખતે ચોપાટી પર આવનારા લોકો માટે કામચલાઉ પ્રસાધનગૃહોની સગવડ કરવામાં આવી હોવાનું પાલિકાએ જણાવ્યું હતું.

આ વર્ષે ગણેશ આગમન વખતે ઊંચી મૂર્તિઓ ઊંધી વળી જવાની તેમ જ ખંડિત થવાની ઘણી ઘટના બની હતી. આમાં સ્પીડબ્રેકરથી માંડીને રસ્તા પરના ખાડાને પણ જવાબદાર ગણવામાં આવ્યા હતા. હવે બાપ્પાના વિસર્જન વખતે કોઈ વિઘ્ન ઊભું ન થાય તે માટે 506 રસ્તા પરના 4,279 ખાડા પૂરી દેવામાં આવ્યા છે તો 171 ડ્રેનેજ ચેમ્પરનાં ઢાંકણાં બદલી નાખવામાં આવ્યાં છે. તેમ જ વિઘ્નરૂપ બનનારા કૅબલ્સ 281 સ્થળેથી દૂર કરાયા છે અને 515 વૃક્ષની છટણી કરવામાં આવી છે.

ગિરગામ ચોપાટી પર વિશેષ વ્યવસ્થા

દુંદાળા દેવની મોટા ભાગની ઊંચી મૂર્તિઓને વિસર્જન માટે દક્ષિણ મુંબઈની ગિરગામ ચોપાટી પર લાવવામાં આવે છે, જેને પગલે આ પરિસરમાં લોકોની ભીડ પણ વધુ હોય છે. સૌથી વધુ મૂર્તિઓનું વિસર્જન પણ અહીં જ થતું હોવાથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પાલિકાનું કહેવું છે.

માત્ર ગિરગામ ચોપાટી ખાતે જ 12 કૃત્રિણ તળાવનું નિર્માણ કરાયું છે. વિસર્જન અને શ્રદ્ધાળુઓની ભીડ પર નજર રાખવા 20 ટાવર ઊભા કરાયા છે અને બાવીસ તરાપા તૈયાર રખાયા છે. બે હજારથી વધુ માનવબળ અને 90 પ્રસાધનગૃહની વ્યવસ્થા કરાઈ છે. એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ત્રણ એમ્બ્યુલન્સ, 548 ફ્લડલાઈટ અને 11 સર્ચલાઈટની સગવડ સાથે ક્ધટ્રોલ રૂમ અને પાર્કિંગની વ્યવસ્થા પણ કરાઈ છે. ચોપાટી પર તૈયાર કરાયેલા કન્ટ્રોલ રૂમમાં ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારીઓ, બેસ્ટ (વીજપુરવઠો), પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, એનડીઆરએફની ટુકડી હાજર રહેશે.

જૅલીફિશથી સાવધાન!

મુંબઈ મહાનગરપાલિકાનું કહેવું છે કે વિસર્જન સમયે નાગરિકોએ દરિયામાં ઊતરતી વખતે બ્લ્યુ બટન જૅલીફિશ અને સ્ટિંગ રે પર ખાસ ધ્યાન આપવું. જૂહુ ચોપાટીને કિનારે જૅલીફિશ તણાઈ આવી હોવાનું અનેક વાર જોવા મળતું હોય છે. પરિણામે પાલિકા અને પોલીસની સૂચનાનું પાલન કરીને ભક્તોએ દરિયાકિનારે ખાસ તકેદારી રાખવી.