નિશીન: જાપાનની એશિયન ગેમ્સમાં શ્રેયસ ઐયરના સુકાનમાં ભારતીય ક્રિકેટરોએ ટી-20 ટૂર્નામેન્ટની રોમાંચક ફાઈનલમાં પાકિસ્તાનને 19 રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
પાકિસ્તાનને સિલ્વર મેડલ મળ્યો હતો, જ્યારે સવારે બાંગ્લાદેશને 63 રનથી હરાવનાર શ્રીલંકાને બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો હતો.
ભારત સામે પાકિસ્તાને 212 રનના તોતિંગ લક્ષ્યાંકના જવાબમાં 20 ઓવરમાં છ વિકેટે 192 રન બનાવ્યા હતા.

એક તબક્કે પાકિસ્તાને માનસિક દબાણને વશ થઈને માત્ર 39 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ‘બાપુ' અક્ષર પટેલે એ ત્રણમાંથી બે વિકેટ લીધી હતી. તેની ચાર ઓવરમાં માત્ર 29 રન બન્યા હતા.
મિડલ-ઓર્ડર બૅટ્સમૅન હસન નવાઝ (96 રન, 51 બૉલ, પાંચ છગ્ગા, 7 ચોગ્ગા)
પાકિસ્તાની ટીમનો મુખ્ય બૅટ્સમૅન સાબિત થયો હતો. જોકે તે પાકિસ્તાનને જિતાડી નહોતો શક્યો.
બે વિકેટ વોશિંગ્ટન સુંદરને અને બે વિકેટ શિવમ દુબેને મળી હતી. કેપ્ટન સાહિબઝાદા ફરહાન (10 રન), ઓપનર માઝ સદાકત (23 રન) અને વિકેટકીપર ઉસમાન ખાન (ત્રણ રન) વહેલાં પૅવિલિયન ભેગા થઈ ચૂક્યા હતા. તેમના ચોથા બૅટ્સમેન હસન નવાઝની વિકેટ ભારતને વહેલી મળી હોત, પરંતુ વૈભવ સૂર્યવંશીએ રવિ બિશ્ર્નોઈ સાથેની ગેરસમજમાં હસન નવાઝ (જે ત્યારે ચાર રન પર હતો)નો કૅચ છોડ્યો હતો અને વૈભવના હાથમાં ઈજા થઈ હતી. 10મી ઓવરને અંતે પાકિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટે 76 રન હતો.
એ પહેલાં, ભારતીય બૅટ્સમેનોએ પાકિસ્તાનના છોતરા કાઢી નાખ્યા. તેમને 212 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો હતો.
ભારતે પાકિસ્તાનના બોલર્સની ખબર લઈ નાખી હતી. ભારતે પ્રથમ બૅટિંગ લીધા પછી 20 ઓવરમાં છ વિકેટે 211 રન બનાવ્યા હતા.
ઓપનર અભિષેક શર્મા (61 રન, 28 બૉલ, સાત છગ્ગા, ત્રણ ચોગ્ગા) અને તિલક વર્મા (51 અણનમ, 22 બૉલ, ચાર છગ્ગા, ત્રણ ચોગ્ગા) આ ઇનિંગ્સના બે મોટા હીરો હતા. શિવમ દુબે (27 રન, 15 બૉલ, બે છગ્ગા, બે ચોગ્ગા) શરૂઆતમાં ધીમી બૅટિંગ કર્યા પછી થોડું ઝડપી રમ્યો હતો. કેપ્ટન શ્રેયસ ઐયર ( 21 રન, 24 બૉલ, બે ચોગ્ગા) અને ઈશાન કિશન (20 રન, 18 બૉલ, ત્રણ ચોગ્ગા)નું ભારતના 211 રનમાં સાધારણ યોગદાન હતું.
એ પહેલાં, ભારતે પાકિસ્તાન સામે ધમાકેદાર શરૂઆત કરી હતી. આ હાઈ-વૉલ્ટેજ જંગમાં ભારતે પ્રથમ બૅટિંગ લીધા પછી વૈભવ સૂર્યવંશી (15 રન, નવ બૉલ, બે છગ્ગા) અને અભિષેક શર્માએ એક પછી એક ધમાકા સાથે ટીમને રોમાંચક આરંભ અપાવ્યો હતો.
ઑફ સ્પિનર સઇમ અયુબની પહેલી ઓવરમાં ફક્ત ચાર રન બન્યા હતા. જોકે કેપ્ટન સાહિબઝાદા ફરહાને બીજી ઓવર 21 વર્ષના નવા લેગ સ્પિનર સાદ મસૂદને આપવાની ભૂલ કરી હતી. મસૂદનો પહેલો બૉલ ડૉટ-બૉલ હતો, પરંતુ બીજા અને ત્રીજા બૉલમાં આઈપીએલ-2026ના સર્વોત્તમ સિક્સર સ્પેશિયાલિસ્ટ વૈભવે ઉપરાઉપરી બે છગ્ગા ફટકારીને પાકિસ્તાનીઓનો જુસ્સો તોડી નાખ્યો હતો. મસૂદ એ ઓવરમાં દિશા જ ભૂલી ગયો હતો. તેનો એક બૉલ સીધો પિચની જ બહાર પડ્યો હતો. પરિણામે, અમ્પાયરે એ બૉલને વાઇડને બદલે નો-બૉલ જાહેર કર્યો હતો. અભિષેકે એ જ ઓવરમાં એક છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 10 રન બનાવ્યા હતા.
જોકે સઈમ અયુબની પછીની ઓવરના પહેલા જ બૉલમાં વૈભવ રિવર્સ સ્વીપના પ્રયાસમાં વિકેટ ગુમાવી બેઠો હતો.
સઇમ અને બાકીના પાકિસ્તાનીઓએ જાણે જૅકપૉટ લાગી ગયો એવી રીતે સેલિબ્રેશન કર્યું હતું, પરંતુ અભિષેકે એ જ ઓવરના છેલ્લા ત્રણ બૉલમાં 14 રન બનાવીને પાકિસ્તાનને તાબડતોબ વળતો જવાબ આપી દીધો હતો.
વૈભવ (Vaibhav)ની વિકેટ ત્રીજી ઓવરમાં પડી ત્યાર પછી સંજુ સૅમસન (બે રન) ચોથી ઓવરમાં આઉટ થયો હતો અને અભિષેક આઠમી ઓવરમાં લેફ્ટ આર્મ સ્પિનર અરાફત મિન્હાસના નીચા બાઉન્સમાં બિગ શૉટ મારવા જતાં વિકેટકીપર ઉસમાન ખાનને કૅચ આપી બેઠો હતો.