અમદાવાદઃ ભારતીય રેલવે દ્વારા ભુજથી બિહારના બરૌની સુધી અમૃત ભારત એક્સપ્રેસની જાહેરાત કરવામાં આવી હતી. આ બંને શહેરો વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ ટ્રેન દોડશે. આ નવી ટ્રેન 2532 કિલોમીટરનું અંતર કાપશે. તેમજ ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના મહત્વના સ્થળોને જોડશે.
ટ્રેન નંબર 19427 ભુજ-બરૌની અમૃત ભારત એક્સપ્રેસ ભુજથી સાંજે 5:30 વાગ્યે ઉપડશે અને સવારે 4:05 વાગ્યે બરૌની પહોંચશે. રિટર્નમાં ટ્રેન નંબર 19428 બરૌની-ભુજ અમૃત ભારત એક્સપ્રેસ બરૌનીથી રાત્રે 11:55 વાગ્યે ઉપડશે અને બપોરે 1:15 વાગ્યે ભુજ પહોંચશે.
આ ત્રણ દિવસ દોડશે ટ્રેન
ભુજ-બરૌની સેવા સોમવાર, બુધવાર અને શનિવારે દોડશે, જ્યારે બરૌની-ભુજ સેવા મંગળવાર, ગુરુવાર અને શનિવારે ચાલશે.
આ સ્ટેશનો પર થોભશે ટ્રેન
આ નવી ટ્રેન રસ્તામાં ઘણા મહત્વપૂર્ણ સ્ટેશનો પર સ્ટોપેજ કરશે. જેમાં સામખિયાળી, અમદાવાદ, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, મથુરા, હાથરસ, બરેલી, ઇજ્જતનગર, પીલીભીત, લખીમપુર, ગોંડા, ગોરખપુર, સિવાન, છપરા, હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે.
આ નવી ટ્રેન સેવા દેશના પશ્ચિમ અને પૂર્વીય ભાગો વચ્ચે મુસાફરીનો વધારાનો વિકલ્પ પૂરો પાડશે અને ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તેમજ બિહાર વચ્ચે મુસાફરી કરતા મુસાફરો માટે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે.