સુરત: શહેરના અમરોલી વિસ્તારમાં ગત રાત્રે મિલકત અને જૂની અદાવતના મુદ્દે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. જૂના કોસાડ રોડ પર આવેલી એક સોસાયટીમાં કેટલાક માથાભારે તત્વોએ ખુલ્લેઆમ હથિયારો સાથે આતંક મચાવતા સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી. પથ્થરમારો અને ઘાતક હથિયારો વડે થયેલા આ સામસામા હુમલાને કાબૂમાં લેવા માટે અમરોલી પોલીસને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જવું પડ્યું હતું, જ્યારે વીડિયો પણ વાયરલ થયા પછી લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે હળવો લાઠીચાર્જ કરી મામલો શાંત પાડ્યો હતો. આ હિંસક ઘટનામાં બંને પક્ષે મળીને દસથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના પગલે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, જૂના કોસાડ રોડની મનીષા સોસાયટીમાં રહેતા સંજય વરિયા અને તેમના પરિવાર પર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રાત્રિના દસ વાગ્યાની આસપાસ ધીરુ રબારી અને આર્યન રબારી સહિત આશરે બારથી ચૌદ શખ્સોનું ટોળું પાવડા અને લાકડાના ફટકા જેવા ઘાતક હથિયારો લઈને સોસાયટીમાં ધસી આવ્યું હતું.
હુમલાખોરોએ આડેધડ માર મારતા સંજયભાઈના પરિવારની મહિલાઓ સહિત સાત જેટલા સભ્યો લોહીલુહાણ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્મીમેર અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સામા પક્ષના કેટલાક લોકો પણ આ બબાલમાં ઈજાગ્રસ્ત થતા તેમને પણ સારવાર અપાઈ રહી છે.
અમરોલીમાં અસમાજીક તત્ત્વોએ સોસાયટીમાં ઘૂસીને કરી મારામારી | Surat News | Amroli Stone Pelting
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) September 28, 2026
સુરતના અમરોલી વિસ્તારમાં સોસાયટીમાં ઘૂસીને અસામાજિક તત્વોએ સ્થાનિકો પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. લાકડીઓ, લોખંડની પાઇપો અને પથ્થરો સાથે આવેલા ટોળાએ લોકો અને મકાનો પર… pic.twitter.com/i8Ie70Q76z
આ લોહિયાળ અથડામણ પાછળ મકાન પચાવી પાડવાનું ષડયંત્ર હોવાનો ગંભીર આક્ષેપ પીડિત પરિવારે કર્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ, અગાઉ ભાડુઆત રાખવા બાબતે થયેલી બબાલની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
આરોપીઓ હવે પૈસાની લાલચ આપીને સમાધાન માટે દબાણ કરી રહ્યા છે, પરંતુ પીડિત પરિવારે ઇનકારકરી રહી હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
આ ઘટનાના સીસીટીવી અને મોબાઈલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ, સંજયભાઈએ સુરત પોલીસ કમિશનર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ આ કુખ્યાત તત્વો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમરોલી પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી છે. એક પક્ષે સંજય વરિયાની ફરિયાદના આધારે 14 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે સામા પક્ષે આર્યન રબારીની ફરિયાદ મુજબ 6 લોકો વિરુદ્ધ કેસ દાખલ થયો છે. પોલીસે રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.