Thu Oct 15 2026

Logo

લગ્નના ચાર દિવસ પહેલા દીકરીનું મોત થતાં પિતાને એરટિકિટનું ફૂલ રિફંડ આપવાનો કન્ઝ્યુમર ફોરમે કર્યો આદેશ

2026-09-28 18:39:35
Author: Pooja Shah
લગ્નના ચાર દિવસ પહેલા દીકરીનું મોત થતાં પિતાને એરટિકિટનું ફૂલ રિફંડ આપવાનો કન્ઝ્યુમર ફોરમે કર્યો આદેશ

AI (પ્રતીકાત્મક તસવીર)


અમદાવાદઃ વડોદરામાં રહેતા એક પરિવારની દીકરીનું રિસેપ્શન વારાણસીમાં રાખવામાં આવ્યું હતું, પરંતુ લગ્નના ચાર દિવસ પહેલા જ પુત્રીનું મોત થતા શોકમાં સરી પડેલા પરિવારે ટિકિટ રદ કરવાની ફરજ પડી હતી. આ મામલો વર્ષ 2022માં કન્ઝ્યુમર ફોરમમાં ગયો હતો, જેમાં ફોરમે એરલાયન્સને પૂરેપુરું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. એક અહેવાલ અનુસાર વડોદરાના પરિવારે દીકરીનાં રિસેપ્શનમાં હાજરી આપવા અમદાવાદથી વારાણસીની ચાર ટિકિટ રૂ. 30,358 આપી બુક કરી હતી. જોકે દીકરીનું મોત થઈ જતા પિતાએ એરલાયન્સ પાસે રિફંડ માગ્યું હતું. એરલાયન્સે રિફંડ પૂરતું ન આપતા માત્ર રૂ. 9,344 પરત કર્યા હતા. 

ત્યારબાદ પિતાએ ઓગસ્ટ 2022 માં એનજીઓની મદદથી વડોદરા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ સમક્ષ એરલાયન્સ અને ટ્રાવેલ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
એરલાઇન્સે દલીલ કરી હતી કે રિફંડની રકમ ટિકિટ રદ થવાના નિયમો અનુસાર આપવામાં આવી છે. પરિવાર પ્રત્યે માનવતાવાદી વ્યવહાર તરીકે તેમણે ટ્રાવેલ વાઉચર્સ ઓફર કર્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે લાગુ રદ કરવાના ચાર્જ બાદ કરીને રિફંડ કરેલી રકમ ચૂકવવામાં આવી હતી. 

જોકે, કમિશને નોંધ્યું હતું કે ટિકિટની રકમમાંથી રૂ. 21,014 કાપવામાં આવ્યા હતા, જેમાં એરલાઇન્સે ક્યા કલમ હેઠળ કપાત કરવામાં આવી હતી તેનો ઉલ્લેખ કર્યો ન હતો અથવા તેના માટે વાજબી સ્પષ્ટતા કરી ન હતી. ફોરમે એરલાયન્સને કાપવામાં આવેલા રૂ. 21,014,  8% વ્યાજ સાથે ફરિયાદીને પરત કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે એરલાઇનને માનસિક યાતના પેટે રૂ. 2,000 અને કેસના ખર્ચ પેટે રૂ. 1,000 ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો. ટ્રાવેલ એજન્ટ સામેની ફરિયાદ ફગાવી દેવામાં આવી હતી.