Tue Oct 06 2026

Logo

ચૂંટણી પંચનો વિવાદ હવે સુપ્રિમ કોર્ટ પહોંચ્યો, CEC જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસ લાવશે મહાભિયોગ પ્રસ્તાવ

2026-09-25 15:10:00
Author: Vimal Prajapati
ચૂંટણી પંચનો વિવાદ હવે સુપ્રિમ કોર્ટ પહોંચ્યો, CEC જ્ઞાનેશ કુમાર સામે કોંગ્રેસ લાવશે મહાભિયોગ પ્રસ્તાવ

નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચ (ECI) માં મતદાતા યાદી સુધારણા (SIR) ના નિર્ણયોને લઈને શરૂ થયેલ રાજકીય વિવાદ હવે સુપ્રિમ કોર્ટના દરવાજે પહોંચી ગયો છે. બે ચૂંટણી કમિશનરોની કથિત સંમતિ વિના SIR અંગે નિર્ણયો લેવાયા હોવાના આરોપો સામે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. બીજી તરફ, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે વિપક્ષી દળોએ આક્રમક વલણ અપનાવીને મોરચાબંધી તેજ કરી દીધી છે.

સંસદના બંને ગૃહોમાં મહાભિયોગ પ્રસ્તાવ લાવશે કોંગ્રેસ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા માટે કોંગ્રેસે મોટી વ્યૂહરચના બનાવી છે. કોંગ્રેસ પક્ષ સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ આપવાની તૈયારી કરી રહ્યો છે. હાલમાં આ પ્રસ્તાવનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસે આ મુદ્દે ઈન્ડિયા ગઠબંધનના અન્ય ઘટક પક્ષો સાથે પણ ચર્ચા શરૂ કરી દીધી હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી બે અઠવાડિયાની અંદર સંસદમાં આ મોશનની નોટિસ આપી દેવામાં આવશે.

ચૂંટણી પંચની ભૂમિકા સામે વિપક્ષી દળો આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે. દિલ્હી સ્થિત મુખ્ય ચૂંટણી પંચ કાર્યાલય બહાર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પ્રદર્શન કરી રહ્યા છે. આ સાથે તમામ રાજ્યોમાં ચૂંટણી પંચની પ્રાદેશિક કચેરીઓ સામે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD) જિલ્લા મથકો પર પ્રદર્શન કરી રહ્યું છે, જ્યારે દિલ્હીના જંતર-મંતર ખાતે આઈસાના કાર્યકરો વિરોધ પર ઉતર્યા છે.

રાહુલ ગાંધીએ માંગ્યું હતું CEC નું રાજીનામું

અગાઉ સોમવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, ‘ભાજપ સામે એન્ટિ-ઈન્કમ્બન્સી (વિરોધી લહેર) ની અસર કેમ નથી થતી અને ભાજપ સતત કેવી રીતે ચૂંટણીઓ જીતી રહ્યું છે, તેનો જવાબ હવે દેશની જનતાને મળી ગયો છે’. ચૂંટણી પંચમાં સર્જાયેલા આ આંતરિક મતભેદો અને સુપ્રિમ કોર્ટમાં થયેલી અરજી બાદ દેશનું રાજકારણ વધુ ગરમાયું છે.