મુંબઈઃ મૃણાલ ઠાકુર અને હુમા કુરેશી સ્ટારર ફિલ્મ ‘પૂજા મેરી જાન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મેડૉક ફિલ્મના બેનર હેઠળ દિનેશ વિજન અને અમર કૌશિક દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં એકતરફી પ્રેમ, દિલ તૂટવા અને ત્યાર બાદ સર્જાતી ખૌફનાક પરિસ્થિતિઓની સ્ટોરી દર્શાવવામાં આવી છે.
ફિલ્મમાં એક એવી અજાણતા થયેલી ભૂલની સજા બતાવવામાં આવી છે, જેના વિશે વિચારીને પણ રૂંવાડાં ઊભાં થઈ જાય. મૃણાલ ઠાકુર અને હુમા કુરેશીની આ ફિલ્મ 'પૂજા મેરી જાન' ઓક્ટોબરમાં ઓટીટી પર રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જે દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યું છે.
પ્રેમમાં અસ્વીકાર પછી પરિણામોની ઝલક જોવા મળી
2 મિનિટ 18 સેકન્ડના ટ્રેલરમાં પૂજા એટલે કે મૃણાલ ઠાકુરના પાત્રની જિંદગીમાં ત્યારે તોફાન આવે છે, જ્યારે અનિકેત શ્રીવાસ્તવ તેના પ્રેમમાં પડે છે. અનિકેત પૂજા સામે પોતાના પ્રેમનો એકરાર કરે છે, પરંતુ પૂજા તેના રોમેન્ટિક પ્રપોઝલને ઠુકરાવી દે છે. ત્યાર બાદ અનિકેત એવું પગલું ભરે છે, જેનાથી પૂજાની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ટ્રેલરમાં એકતરફી પ્રેમ, અસ્વીકાર બાદ જન્મેલા ગુસ્સા અને તેના ગંભીર પરિણામોની ઝલક જોવા મળે છે.
પૂજા પર લાગે છે ગંભીર આરોપો
આ ઘટના બાદ પૂજા પર અનેક પ્રકારના આરોપો લગાવવામાં આવે છે અને તેની આસપાસ શંકાનું એવું જાળું બિછાવે છે, જેમાંથી બહાર નીકળવું તેના માટે મુશ્કેલ બની જાય છે. હવે પૂજાએ પોતાને નિર્દોષ સાબિત કરવાનું છે. આ મુશ્કેલ સમયમાં વકીલ સના તેનો સાથ આપે છે. સનાનું પાત્ર હુમા કુરેશીએ ભજવ્યું છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે પૂજા માટે પોતાના પર લાગેલા આરોપોમાંથી બહાર નીકળવું સરળ નહીં હોય.
લગભગ 4 વર્ષ બાદ રિલીઝ થશે ફિલ્મ
ટ્રેલરમાં પૂજાના પાત્ર સાથે જોડાયેલા કેટલાક એવા સસ્પેન્સ પણ જોવા મળે છે, જે કહાનીને એક અલગ જ વળાંક આપે છે. આખરે પૂજા સાથે ખરેખર શું થયું અને તેની પાછળનું સત્ય શું છે, તેનો ખુલાસો ફિલ્મ જોયા બાદ જ થશે.
‘પૂજા મેરી જાન’ની જાહેરાત વર્ષ 2022માં કરવામાં આવી હતી અને હવે લગભગ ચાર વર્ષના લાંબા ઇંતજાર બાદ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મ બીજી ઓક્ટોબર 2026થી ઓટીટી પર સ્ટ્રીમ થશે. ફિલ્મનું દિગ્દર્શન નવજોત ગુલાટીએ કર્યું છે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર, હુમા કુરેશી અને વિક્રમ સિંહ ચૌહાણ ઉપરાંત વિજય રાજ, ચૈતન્ય વ્યાસ સહિતના અન્ય કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.