Tue Oct 06 2026

Logo

જામનગરમાં સ્પિરિટ અને કેમિકલથી ઝેરી દારૂ બનાવવાના કેસમાં ફરાર બે આરોપીઓ ક્યાંથી ઝડપાયા ?

2026-09-25 14:25:47
Author: Mayur Patel
જામનગરમાં સ્પિરિટ અને કેમિકલથી ઝેરી દારૂ બનાવવાના કેસમાં ફરાર બે આરોપીઓ ક્યાંથી ઝડપાયા ?

જામનગર: જામનગર જિલ્લામાં નકલી વિદેશી શરાબ બનાવતી ગેરકાયદે ફેક્ટરીઓના પર્દાફાશ બાદ નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓ સામે સ્થાનિક ગુના શોધક શાખાએ કડક સકંજો કસ્યો હતો. આ કેસોમાં લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા બે આરોપીઓને જામનગર LCB અને સિટી-બી ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રાજસ્થાન અને હરિયાણામાંથી દબોચી લેવામાં મોટી સફળતા મેળવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગર ગ્રામ્ય પંથકના નેવીમોડા ગામની વાડી વિસ્તારમાં અગાઉ પોલીસે દરોડો પાડી ડુપ્લિકેટ દારૂ બનાવવાનું કારખાનું પકડ્યું હતું. આ કેસમાં સંડોવાયેલો મુખ્ય આરોપી રોહતાસ સાગવાન પોલીસથી બચીને નાસતો ફરતો હતો, જેને પોલીસે હરિયાણાથી ઝડપી લીધો છે. જ્યારે અન્ય એક કેસમાં કનસુમરા-સાઢીયા પુલ નજીક ચાલતી નકલી દારૂની ફેક્ટરીના ગુનામાં વોન્ટેડ મુખ્ય આરોપી કિશનસિંહ શેખાવતને રાજસ્થાન ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો.

 ઉલ્લેખનીય છે કે, અગાઉ પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે ફેક્ટરીઓમાંથી મોટા પાયે આલ્કોહોલ સ્પિરિટ, ઝેરી કેમિકલ, ફ્લેવર-કલર, બ્રાન્ડેડ કંપનીઓના બોટલના ઢાંકણાં, નકલી સ્ટીકરો, બોટલો અને દારૂ બનાવવાની અન્ય હાનિકારક સામગ્રી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ આ કેમિકલના મિશ્રણથી બ્રાન્ડેડ બ્રાન્ડના નામે નકલી શરાબ તૈયાર કરી બજારમાં વેચવાનું મોટું ષડયંત્ર ચલાવી રહ્યા હતા.

ઘટના બાદ બંને આરોપીઓ રાજ્ય બહાર ભાગી છૂટ્યા હોવાથી LCBની ટીમે ટેકનિકલ સેલ અને હ્યુમન સોર્સિસની મદદથી દિવસો સુધી સતત વર્કઆઉટ કર્યું હતું. ચોક્કસ બાતમી અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસને માહિતી મળી હતી કે આરોપીઓ પોતાના વતન હરિયાણા અને રાજસ્થાનમાં સંતાયા છે. જેના પગલે પોલીસ ટીમો રવાના થઈ હતી અને સ્થાનિક પોલીસના સહયોગથી બંનેને ઝડપી પાડી જામનગર લાવવામાં આવ્યા હતા.

હાલ જામનગર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ નકલી દારૂના કાળા કારોબારમાં અન્ય કોણ-કોણ સ્થાનિક કે બહારના શખ્સો સામેલ હતા તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરી છે.