(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ફેડરલ રિઝર્વના અધિકારીઓ દ્વારા વ્યાજદરમાં વધુ વધારો કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી હોવાના નિર્દેશો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈને નરમાઈતરફી રહ્યા હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 120ની અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 156ની નરમાઈ રહી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે ખાસ કરીને ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગ રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 156ના સાધારણ ઘટાડા સાથે રૂ. 2,32,766ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં પણ રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 120ના ઘટાડા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,51,407 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,52,016ના મથાળે રહ્યા હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.9 ટકા ઘટીને આૈંસદીઠ 4316.59 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા ઘટીને 4353.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 2.7 ટકાના કડાકા સાથે આૈંસદીઠ 65.28 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધીને બે મહિનાની ઊંચી સપાટી આસપાસ રહ્યો હોવાથી આયાત પડતરોમાં વધારો થતાં સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગનાં હેડ ઓલે હાસને જણાવતાં ઉમેર્યું હતું કે ફેડના અધિકારીઓની તંગ નાણાનીતિની ટિપ્પણીની અને ક્રૂડ તેલ, ડૉલર તથા અમેરિકી બૉન્ડ પર પડતી અસરોને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 4300થી 4400 ડૉલરની સાંકડી રેન્જમાં અથડાતા રહે તેમ જણાય છે.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રિચમોન્ડ ફેડના પ્રમુખ ટોમ બાર્કિને જણાવ્યું હતું કે વ્યાજદરમાં વધારો કરવાથી આર્થિક ગતિવિધીઓને ધીમી કર્યા વિના ફુગાવો દબાણ હેઠળ આવી શકે તેમ હોવાથી વ્યાજદરમાં વધુ વધારો કરવામાં આવે તેવી શક્યતા નકારી ન શકાય. અગાઉ 15-16 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કર્યો હતો.
વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ આગામી ઑક્ટોબર મહિનામાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી 53 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા હતા. આજે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન યુદ્ધનો અંત કરવા માટેની ડીલ નહીં કરે તો તેનો સફાયો કરી નાખવામાં આવશે. જોકે સાથે સાથે તેમણે બહુ વહેલી તકે કરાર થઈ જવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી.