બિશ્કેક: ઉઝબેકિસ્તાન બાદ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટમાં યુદ્ધની સ્થિતિમાં સપડાયેલા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન ભારત તરફથી પશ્ચિમ એશિયામાં શાંતિ, સ્થિરતા અને જલમાર્ગ પરિવહનની સ્વતંત્રતા જાળવી રાખવા માટે ભારપૂર્વક અપીલ કરવામાં આવી હતી. આ બેઠક એટલે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે ફેબ્રુઆરીમાં ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી મહત્ત્વની મુલાકાત થઈ હતી.
બંને નેતાઓની આ મુલાકાત અંગે વિદેશ મંત્રાલય (MEA)એ માહિતી આપતા જણાવ્યું હતું કે, બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી હતી. તેમણે પશ્ચિમ એશિયા ક્ષેત્રમાં તાજેતરના વિકાસની સમીક્ષા કરી હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું.
આ મુલાકાત દરમિયાન વડા પ્રધાને તમામ મુદ્દાઓ વાતચીત અને રાજદ્વારી દ્વારા ઉકેલવા અંગેના ભારતના વલણનો પુનઃ ઉચ્ચાર કર્યો હતો. તે ઉપરાંત, વડા પ્રધાન મોદીએ અસરગ્રસ્ત પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા અને જલમાર્ગ પરિવહનની અને વ્યાપારની સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે સતત પ્રયાસો કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
PM @narendramodi had a fruitful meeting with President Masoud Pezeshkian @drpezeshkian of Iran on the sidelines of the SCO Summit in Bishkek.
— Randhir Jaiswal (@MEAIndia) August 31, 2026
The two leaders discussed various aspects of bilateral ties. They reviewed recent developments in the West Asia region. Prime Minister… pic.twitter.com/qusMma7JIU
આ મુલાકાત અંગે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે બિશ્કેકમાં રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે મુલાકાત કરી. અમે વિવિધ ક્ષેત્રોમાં ઈરાન સાથે ભારતની લાંબા સમયથી ચાલતી મિત્રતાને વધુ મજબૂત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી.
અમે ભવિષ્યમાં અમારા વેપારને વિસ્તૃત અને વૈવિધ્યસભર બનાવવા માટે આતુર છીએ. અમે પ્રદેશની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી. ભારત કાયમી શાંતિ સુનિશ્ચિત કરવાના તમામ પ્રયાસોને સમર્થન આપવાનું ચાલુ રાખશે, તેમ પીએમ મોદીએ ટ્વીટમાં જણાવ્યું હતું.
ભારતમાં ઈરાની દૂતાવાસે તેની સત્તાવાર પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ અને શાંઘાઈ પ્લસ સમિટમાં હાજરી આપવા અને સંબોધન કરવા માટે કિર્ગિસ્તાનની તેમની મુલાકાતના પ્રથમ તબક્કા દરમિયાન ભારતીય પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અને વાતચીત કરી હતી.
જો કે આ મુલાકાત અંગે નિષ્ણાતોનું શું માનવું છે તે તરફ દ્રષ્ટિ કરી તો, આ બેઠકનું ભૂરાજકીય મહત્વ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હોર્મુઝ સ્ટ્રેટને અસરગ્રસ્ત કરી નાખી છે. આ સમય વચ્ચે આ બેઠક પીએમ મોદી અને પેઝેશ્કિયાન વચ્ચેની પહેલી સામ-સામે મુલાકાત છે.
ભારત મધ્ય પૂર્વમાં ઊર્જા પુરવઠામાં વિક્ષેપો પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે અને તેના ઉકેલ માટે સતત શાંતિના પક્ષમાં છે. હોર્મુઝની આસપાસ નાકાબંધી અને લશ્કરી હુમલાઓ ભારતની સ્થાનિક સ્થિરતા માટે પણ ખતરો છે.