લખનઉ: ઉત્તર પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા કૌશલ કિશોરની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજ્યનું રાજકારણ ગરમાયું છે. તેમની પોસ્ટ બાદ રાજકીય વર્તુળમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. તેમણે કહ્યું હતું કે બોલ જેટલો ઉપર જઇ શકે તેટલો ગયો છે. હવે બોલ સ્પીડથી નીચે આવી રહ્યો છે તેની ગતિ રોકી શકાય તેમ નથી.
સોશિયલ મીડિયા પર બીજી પોસ્ટ પણ કરી
તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેની બાદ મંગળવારે બીજી એક પોસ્ટ આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે કોઈપણ સંગઠન કે ચળવળ તેના સિદ્ધાંતોથી ભટકી જાય છે, ત્યારે તે આખરે જ્યાંથી શરૂ થઈ હતી ત્યાં જ પરત ફરે છે. ઉત્તરપ્રદેશમાં ચૂંટણી યોજાવાની તૈયારી છે. જેના પગલે રાજકારણ ગરમાયું છે.
કૌશલ કિશોર ભાજપના વરિષ્ઠ અને અનુભવી નેતા
કૌશલ કિશોર ભાજપના વરિષ્ઠ અને અનુભવી નેતાઓમાંના એક છે. તેમણે કેન્દ્રીય મંત્રી તરીકે પણ સેવા આપી છે. તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ ઝડપથી વાઇરલ થઈ રહી છે. તેમજ લોકો તેની કોમેન્ટ પણ કરી રહ્યા છે. જોકે કૌશલ કિશોરે પોસ્ટમાં કોઈનું નામ લીધું નથી. તેમના નિવેદનને પાર્ટીના આંતરિક રાજકારણ સાથે જોડી દેવામાં આવ્યું છે.
કૌશલ કિશોરના પત્ની હાલમાં ભાજપના ધારાસભ્ય
કૌશલ કિશોરના પત્ની હાલમાં ભાજપના ધારાસભ્ય છે. તેમ છતાં કૌશલ કિશોરની સતત બે પોસ્ટથી પાર્ટી પ્રત્યે તેમની નારાજગીની ચર્ચા થઇ રહી છે. જોકે કૌશલ કિશોરે હજુ સુધી તેમની ભાવિ યોજનાઓ વિશે ખુલ્લેઆમ વાત નથી કરી.