Mon Sep 07 2026

Logo

26 તારીખ અને વિનાશનો કાળયોગ: ભૂકંપ, સુનામીથી લઈને આતંકી હુમલા સુધી, 26મીએ જ કેમ આવી મોટી દુર્ઘટનાઓ?

2026-09-01 20:00:04
Author: Mumbai Samachar Team
26 તારીખ અને વિનાશનો કાળયોગ: ભૂકંપ, સુનામીથી લઈને આતંકી હુમલા સુધી, 26મીએ જ કેમ આવી મોટી દુર્ઘટનાઓ?

નવી દિલ્હીઃ નેપાળમાં 26 ઓગસ્ટે અચાનક આવેલા પૂરમાં મૃતકોની સંખ્યા હવે એક હજારને પાર થઈ ગઈ છે, જ્યાં હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં અનેક લોકોના મૃતદેહ મળી રહ્યા છે. મૃતકથી લઈને જાનમાલના નુકસાનની યાદી ચોંકાવનારી છે, પરંતુ નેપાળ પૂરના માફક ભૂતકાળમાં બનેલી દુર્ઘટનાઓનું 26 તારીખ સાથે જ કનેક્શન છે. અન્ય આફતોની વાત કરીએ તો તેમાં તુર્કીયેમાં 1939નો ભૂકંપ છે, જેમાં હજારો લોકોનાં મોત થયા હતા. આવા જ સંકટો ભૂતકાળમાં 26 તારીખના આવેલા છે તો વિગતે જાણીએ.

26 તારીખે થયેલી કુદરતી આપત્તિઓ

26 ઓગસ્ટ, 2026ના નેપાળમાં ભોટે કોશી નદીમાં અચાનક પાણી અને કાટમાળના પ્રવાહને કારણે નેપાળના રસુવા જિલ્લામાં અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂર આવ્યું. પૂરના કારણે વસાહતો પાણીમાં ગરકાવ થઈ ગઈ, રસ્તાઓ અને પુલો ધોવાઈ ગયા અને જળવિદ્યુત પરિયોજનાઓ તથા અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું. મળતા અહેવાલ મુજબ અધિકારીઓએ આ હોનારતમાં 1,000થી વધુ લોકોનાં મોત અને લગભગ 4,500 લોકો ગુમ થયાની માહિતી આપી હતી.

26 ઓક્ટોબર, 2015ના હિંદુકુશ વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા. ભૂકંપથી મોટા પાયે નુકસાન થયું અને લગભગ 400 લોકોનાં મોત થયાં હોવાનું જણાવાયું હતું. મોટા ભાગનાં મૃત્યુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં થયાં હતાં.

26 મે, 2006ના ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર યોગયાકાર્તા નજીક 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભારે તબાહી સર્જાઈ હતી. હજારો મકાનો અને ઇમારતોને નુકસાન થયું અથવા તે ધરાશાયી થઈ ગઈ હતી અને 5,700થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

મુંબઈ 26 જુલાઈનું મહાપૂર

26 જુલાઈ, 2005ના રોજ મહારાષ્ટ્રમાં ચોમાસાની ભારે વરસાદી અસર જોવા મળી હતી, જેના કારણે ખાસ કરીને મુંબઈમાં ભયાનક પૂર આવ્યું હતું. મુંબઈમાં માત્ર 24 કલાકમાં લગભગ 944 મિમી વરસાદ પડ્યો હતો. રસ્તાઓ, મકાનો અને રેલવે લાઇનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને જનજીવન ઠપ થઈ ગયું હતું. મહારાષ્ટ્રમાં કુલ 1,094 લોકોનાં મોત થયાં હતાં.

2004માં હિંદ મહાસાગરનો મહાભૂકંપ

26 ડિસેમ્બર, 2004માં હિંદ મહાસાગરમાં સુમાત્રાના કિનારે 9.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે વિશાળ સુનામી સર્જાઈ હતી. આ સુનામી હિંદ મહાસાગરના કિનારે આવેલા અનેક દેશોમાં પહોંચી હતી. ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ભારત અને થાઇલેન્ડ સૌથી વધુ અસરગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં લગભગ 2,28,000 લોકોનાં મૃત્યુ થયા અથવા ગુમ થયા અને બાદમાં તેમને મૃત માનવામાં આવ્યા હતા. જોકે, આ દુર્ઘટનામાં નોંધાયેલા ઇતિહાસની સૌથી ઘાતક કુદરતી આપત્તિઓમાંની એક બની હતી.

ઈરાનમાં 2003માં વિનાશક ભૂકંપ

26 ડિસેમ્બર, 2003માં ઈરાનના બામ શહેરમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના કારણે આ ઐતિહાસિક શહેર અને આસપાસની વસાહતોનો મોટો ભાગ નાશ પામ્યો હતો. હજારો ઇમારતો ધરાશાયી થઈ હતી અને મૃત્યુઆંક અંગે અલગ-અલગ અંદાજ સામે આવ્યા હતા. તેમાં લગભગ 31,000 લોકોનાં મોત થયાનો આંકડો સૌથી વધુ ચર્ચામાં રહ્યો હતો.

25-26 માર્ચ, 2002ની રાત્રે ઉત્તર અફઘાનિસ્તાનમાં અનેક ભૂકંપ આવ્યા હતા, જેના કારણે બઘલાન પ્રાંતના કેટલાક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. માટી અને ઈંટોથી બનેલા મકાનો ધરાશાયી થઈ ગયા હતા અને હજારો લોકો બેઘર બન્યા હતા. શરૂઆતના અંદાજમાં મૃત્યુઆંક 1,800 સુધી જણાવાયો હતો, જોકે બાદમાં બચાવ અને રાહત કામગીરી દરમિયાન આ આંકડામાં ઘણો ફેરફાર જોવા મળ્યો હતો.

26 જાન્યુઆરી, 2001ના ગુજરાતમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. રાજ્યના મોટા ભાગમાં, ખાસ કરીને કચ્છ વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ હતી. આ ભૂકંપમાં 1.66 લાખથી વધુ લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે હજારો લોકોનાં મોત થયાં હતાં.

માનવસર્જિત દુર્ઘટનાઓ

26 સપ્ટેમ્બર, 2023ના મોસુલ નજીક કારાકોશમાં એક વેડિંગ હોલમાં આગ લાગી હતી. અંદર ફટાકડાંના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ભીડભાડવાળા વિસ્તારમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં 100થી વધુ લોકોનાં મોત થયાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.

કાબૂલમાં આત્મઘાતી હુમલો

26 ઓગસ્ટ, 2021ના કાબૂલમાં હામિદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ઇસ્લામિક સ્ટેટ-ખુરાસાન પ્રાંતના આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટ કર્યો હતો. તે સમયે અમેરિકાના નેતૃત્વ હેઠળ અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી અને એરપોર્ટ પર હજારો લોકો એકઠા થયા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 183 લોકોનાં મોત થયાં હતાં, જેમાં 170 અફઘાન નાગરિકો અને 13 અમેરિકન સૈનિકો સામેલ હતા.

મુંબઈ પર આતંકવાદી હુમલો

26 નવેમ્બર, 2008ની રાત્રે મુંબઈમાં આતંકવાદી હુમલાઓની શ્રેણી શરૂ થઈ હતી. લશ્કર-એ-તૈયબાના 10 આતંકવાદીએ અનેક સ્થળોએ એકસાથે હુમલા કર્યા હતા. તેમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને તાજ હોટેલ જેવી જગ્યાઓનો સમાવેશ થતો હતો. આતંકવાદીઓને પકડવા માટે ત્રણ દિવસ સુધી સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી હતી. આ ઘટનામાં કુલ 166 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 9 હુમલાખોરો પણ માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.

યુક્રેનમાં અણુ ઊર્જા પ્લાન્ટમાં વિસ્ફોટ

26 એપ્રિલ, 1986ના તત્કાલીન સોવિયેત યુક્રેનમાં આવેલા ચેરનોબિલ પરમાણુ ઊર્જા પ્લાન્ટના રિએક્ટર નંબર 4માં સુરક્ષા પરીક્ષણ દરમિયાન વિસ્ફોટ થયો હતો. તેના કારણે મોટી માત્રામાં રેડિયોએક્ટિવ પદાર્થ બહાર નીકળ્યો હતો, જેમાં મૃત્યુઆંક 31 હતો. આ ઘટનાના કારણે યુરોપના અનેક ભાગોમાં રેડિયેશન ફેલાયું હતું. રેડિયેશનના કારણે લાંબા ગાળે થયેલા મૃત્યુની સંખ્યા સીધી રીતે ગણવામાં આવતી નથી, પરંતુ લાંબા ગાળા સુધી તેનું સંકટ રહે છે.