નવી દિલ્હીઃ તાજેતરમાં કૉમૉડિટીના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા તેનાં એસયુવીના પોર્ટફોલિયોમાં ભાવ વધારવાની વિચારણા કરી રહી છે અને આગામી એકાદ-બે સપ્તાહમાં અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા મહિન્દ્રા જૂથનાં ઑટોમેટિવ વિભાગના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર નિલકંઠ ગોલાગુંટાએ જણાવ્યું છે.
કંપનીએ આ વર્ષમાં અત્યાર સુધીમાં જાન્યુઆરી, એપ્રિલ અને જુલાઈ મહિનામાં એમ ત્રણ વખત ભાવવધારો કર્યો છે અને ગત જુલાઈ મહિનામાં સ્પોર્ટસ યુટિલિટી વ્હીકલના ભાવમાં 2.7 ટકાનો વધારો કર્યો હોવાનું તેમણે પીટીઆઈ સાથેની મુલાકાતમાં જણાવતાં ઉમેર્યું હતું કે અમે અત્યાર સુધી ત્રણ વખત ભાવ વધાર્યા હોવાથી પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ અને શક્યતઃ અમે બે સપ્તાહમાં ભાવ વધારવા કે નહીં તે અંગે નિર્ણય લેશું, પરંતુ હું તમને નિશ્ચિતપણે કહી ન શકું પણ એટલું જરૂર કહીશ કે તાજેતરનાં કૉમૉડિટીનાં ભાવતાલ પર અમે ખૂબ ઝીણવટભરી નજર રાખી રહ્યા છીએ.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ઑટો ઉદ્યોગ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ભાવવધારાની ગ્રાહકોની પૂછપરછ અને બુકિંગ પર કોઈ અસર નથી જોવા મળી કેમ કે હજુ વાહનોના ભાવ જીએસટીમાં કરવામાં આવેલા ઘટાડા પૂર્વેનાં ભાવ કરતાં નીચી સપાટીએ છે. વધુમાં મુખ્યત્વે અમુક કારણોસર અમારા વાહનોના ભાવ પણ જીએસટી ઘટાડા પૂર્વેના ભાવ કરતાં નીચા સ્તરે હોવાથી આ સમયે પણ માગ ઘણી મજબૂત અને અકબંધ જળવાઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
જીએસટી પૂર્વેના સ્તર કરતાં નીચા ભાવ અને પોર્ટફોલિયોમાં નવી પ્રોડક્ટનાં ઉમેરાને ધ્યાનમાં લેતા આગામી તહેવારોની મોસમમાં માગ મજબૂત રહેવાની અમે અપેક્ષા રાખી રહ્યા છીએ, એમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે કેટલાક કારણોસર અમારા માટે અને સમગ્ર ઑટો ઉદ્યોગ માટે તહેવારોની મોસમ ખૂબ સારી રહેવી જોઈએ. જોકે, મોંઘવારીનું દબાણ રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ગયા વર્ષે જીએસટીમાં ઘટાડા પશ્ચાત્ છેલ્લાં એક વર્ષમાં કરવામાં આવેલા ભાવવધારા છતાં અમારા ભાવ હજુ પણ જીએસટી ઘટાડા પૂર્વેનાં ભાવ કરતાં નીચા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
હાઈબ્રિડ ટેક્નોલૉજી અંગે ગોલાગુંટાએ જણાવ્યું હતું કે મહિન્દ્રાનું ધ્યાન ઈલેક્ટ્રિક વાહનો પર કેન્દ્રિત છે અને જો નિયમનકારી વાતાવરણ બદલાશે તો કંપની તે મુજબનું અનુકૂલન સાધશે. અમે અમારા ઈલેક્ટ્રિક વાહનોનાં અંતિમ લક્ષ્ય અંગે સ્પષ્ટ છીએ. જે દિશામાં દેશ આગળ ધપી રહ્યો છે અને સરકારે પણ ઉદ્યોગ સમક્ષ આ બાબત સ્પષ્ટ કરી છે.
જો તમે કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિસિયન્સીનાં નિયમો જુઓ તો તમને ઈલેક્ટ્રિક વાહનો સામે હાઈબ્રિડ વચ્ચે મળતા લાભોનો તફાવત સ્પષ્ટપણે જણાશે. આથી અમે અમારું ધ્યાન ઈલેક્ટ્રિક વાહનો પર જ વધુ કેન્દ્રિત કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું. ટેક્નોલૉજી અંગે ગોલાગુંટાએ જણાવ્યું હતું કે મહિન્દ્રાનું ધ્યાન ઈલેક્ટ્રિક વાહનો પર કેન્દ્રિત છે અને જો નિયમનકારી વાતાવરણ બદલાશે તો કંપની તે મુજબનું અનુકૂલન સાધશે.
અમે અમારા ઈલેક્ટ્રિક વાહનોનાં અંતિમ લક્ષ્ય અંગે સ્પષ્ટ છીએ. જે દિશામાં દેશ આગળ ધપી રહ્યો છે અને સરકારે પણ ઉદ્યોગ સમક્ષ આ બાબત સ્પષ્ટ કરી છે. જો તમે કોર્પોરેટ એવરેજ ફ્યુઅલ એફિસિયન્સીનાં નિયમો જુઓ તો તમને ઈલેક્ટ્રિક વાહનો સામે હાઈબ્રિડ વચ્ચે મળતા લાભોનો તફાવત સ્પષ્ટપણે જણાશે. આથી અમે અમારું ધ્યાન ઈલેક્ટ્રિક વાહનો પર જ વધુ કેન્દ્રિત કર્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
વધુમાં ઉત્પાદન ક્ષમતા અંગે તેમણે કહ્યું હતું કે મહિન્દ્રા પાસે હાલમાં માસિક આશરે 60,000 યુનિટની ઈન્ટરનલ કોમ્બ્યુસન એન્જિન (આઈસીઈ)ની ક્ષમતા છે અને કંપની મોટા ભાગે તે સ્તરે ઉત્પાદન અને વિતરણ કરી રહી છે. ક્ષમતામાં વધારાનો આગામી તબક્કો માર્ચના અંતમાં અથવા એપ્રિલની શરૂઆતમાં હાથ ધરવામાં આવશે – જેમાં આઈસીઈ વાહનોની ક્ષમતા 60,000 થી વધીને 70,000 થશે અને ઈલેક્ટ્રિક વાહનોની ક્ષમતા જે 8000 યુનિટની છે તે વધીને 12,000ની થશે. આમ હાલમાં અમારી કુલ ક્ષમતા 68,000 છે અને લગભગ છ મહિનામાં તે વધીને 84,000 સુધી પહોંચી જશે, તેમ તેમણે જણાવ્યું હતું.