Mon Oct 05 2026

Logo

શંકરસિંહ વાઘેલાના નિવેદન પર કયા પાટીદાર નેતાએ કર્યો જોરદાર પ્રહાર, બ્રહ્મ સમાજે પણ કરી આ માંગ

2026-10-03 14:50:00
Author: Mayur Patel
શંકરસિંહ વાઘેલાના નિવેદન પર કયા પાટીદાર નેતાએ કર્યો જોરદાર પ્રહાર, બ્રહ્મ સમાજે પણ કરી આ માંગ


અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નર્મદા જિલ્લાના સાગબારા ખાતેના કાર્યક્રમમાં બ્રાહ્મણ, પાટીદાર અને વાણિયા સમાજ અંગે કરેલી ટિપ્પણીને લઈને વિવાદ વકર્યો છે. તેમના નિવેદન પર પાટીદાર અગ્રણી પરષોત્તમ પીપળીએ જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, પાટીદાર અનામત આંદોલન કોઈ સમાજનો હક છીનવવા માટે નહોતું. દરેક સમાજને પોતાના હક માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે.

 પરષોત્તમ પીપળીયાએ શંકરસિંહ વાઘેલાના નિવેદન અંગે કહ્યું હતું કે, શંકરસિંહ વાઘેલા છેલ્લા ઘણા સમયથી આઇસોલેટેડ છે અને સત્તાની બહાર છે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે વાઘેલા કોંગ્રેસમાં પ્રવેશની ચર્ચા વચ્ચે ફરી હાઇલાઇટ થવા માટે આ પ્રકારનું નિવેદન આપી રહ્યા હોવાનું તેમનું અનુમાન છે. પાટીદાર અનામત આંદોલન એસસી, એસટી કે ઓબીસી સમાજનો હક છીનવવા માટે કરવામાં આવ્યું ન હતું. તેમના જણાવ્યા મુજબ, પાટીદાર સમાજે ક્યારેય એવી માગ કરી નથી કે અન્ય કોઈ સમાજનો હક છીનવીને પાટીદાર સમાજને આપવામાં આવે. તેમણે કહ્યું કે દરેક સમાજને પોતાના હક માટે અવાજ ઉઠાવવાનો અધિકાર છે અને પાટીદાર સમાજે પણ પોતાના પ્રશ્નો તથા હકોને લઈને આંદોલન કર્યું હતું.

પરષોત્તમ પીપળીયાએ કહ્યું હતું કે પાટીદાર સમાજે ક્યારેય અન્ય કોઈ જ્ઞાતિ સાથે ભેદભાવ કર્યો નથી. આજે પણ પાટીદાર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા અઢારે વર્ણના લોકોને સેવા આપવામાં આવે છે. બાપુ ખૂબ જ પરિપક્વ છે, તેમ છતાં તેમના દ્વારા નિમ્ન કક્ષાનું નિવેદન આપવામાં આવ્યું છે.

બ્રાહ્મણોએ પણ કર્યો  વિરોધ

વાઘેલાના નિવેદન સામે રાજકોટ સહિત ગુજરાતના બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. હિરેન જોશીએ વાઘેલાના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, નિવેદન પરથી માનસિકતા સ્પષ્ટ થાય છે. તેમણે આ નિવેદનને લઈને વાઘેલા તાત્કાલિક પોતાનું નિવેદન પરત ખેંચે અને સમાજની માફી માંગે તેવી માંગ કરી હતી. 

હિરેન જોશીના જણાવ્યા મુજબ, બ્રાહ્મણ સમાજ સહિત પાટીદાર અને વાણિયા સમાજ અંગે કરવામાં આવેલી આવી ટિપ્પણી સ્વીકાર્ય નથી. તેમણે કહ્યું કે શંકરસિંહ વાઘેલા જેવા પીઢ રાજકીય નેતા દ્વારા સમાજ અંગે નિવેદન આપતી વખતે વધુ જવાબદારીપૂર્વક ભાષાનો ઉપયોગ થવો જોઈએ.