Sat Oct 03 2026

Logo

આવતીકાલે રહેશે લોકલ ટ્રેનોના ધાંધિયા, મુસાફરી કરતાં પહેલાં આ સમાચાર વાંચી લો...

2026-10-03 16:00:00
Author: Mumbai Samachar Team
આવતીકાલે રહેશે લોકલ ટ્રેનોના ધાંધિયા, મુસાફરી કરતાં પહેલાં આ સમાચાર વાંચી લો...

મુંબઈઃ મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેનમાં રવિવારે મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો આ મહત્વપૂર્ણ સમાચાર તમારા માટે છે. મધ્ય રેલવે દ્વારા રેલવે ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ વાયરના સમારકામ તેમજ એન્જિનિયરિંગ મેઈન્ટેનન્સના કામકાજ માટે રવિવાર, ચોથી ઓક્ટોબર, 2026ના રોજ મેગા બ્લોક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ મેગા બ્લોકને કારણે સેન્ટ્રલ રેલવેની મેઈન લાઇન, હાર્બર લાઇન અને ટ્રાન્સ-હાર્બર લાઇન પર ઉપનગરીય લોકલ સેવાઓ પ્રભાવિત થશે. ઘણી ટ્રેનો સંપૂર્ણપણે રદ રહેશે, જ્યારે કેટલીક ટ્રેનોને ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે.

મધ્ય રેલવે પર સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી સીએસએમટીથી વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. બ્લોકના સમયગાળા દરમિયાન સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન લાઈન પર દોડાવવામાં આવશે. આ ટ્રેનો ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશને સ્ટોપ કરશે અને ત્યારબાદ ફરી સ્લો ટ્રેક પર દોડશે. પરિણામે ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતાં ૧૫ થી ૨૦ મિનિટ મોડી ચાલી શકે છે.

હાર્બર લાઈન પર પનવેલ-વાશી વચ્ચે આવી અપ અને ડાઉન લાઈન પર સવારે 11થી સાંજે 4 વાગ્યે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પનવેલથી સીએસએમટી અને પનવેલથી સીએસએમટી વચ્ચે ટ્રેનવ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. હાર્બર લાઈન પર બ્લોક સમયગાળા દરમિયાન સીએસએમટી અને વાશી વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.

ટ્રાન્સ-હાર્બર લાઈન પર પનવેલ-થાણે વચ્ચે સવારે 11થી સાંજે 4 વાગ્યા વચ્ચે મેગા બ્લોક રહેશે. આ બ્લોકના સમયગાળા પનવેલથી થાણે વચ્ચે અપ-ડાઉન લાઈન પર ટ્રેનવ્યવહાર બંધ રહેશે. જોકે, આ દરમિયાન થાણેથી વાશી, નેરૂલ વચ્ચે ટ્રેનવ્યવહાર નિર્ધારિત રીતે દોડાવવામાં આવશે. 

પશ્ચિમ રેલવે પર બોલીવલી- રામ મંદિર સ્ટેશન વચ્ચે અપ ફાસ્ટ લાઈન અને પાંચમી લાઈન પર સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન બોરીવલી-અંધેરી વચ્ચે અપ ફાસ્ટ લોકલ ટ્રેન અપ સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. તેમ પાંચમા લાઈનની ફાસ્ટ લોકલ ટ્રેનો ડાઉન સ્લો લાઈન પર દોડાવવામાં આવશે. 

રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે રવિવારે સ્ટેશન તરફ નીકળતાં પહેલાં સુધારેલું સમયપત્રક તપાસીને જ ઘરની બહાર નીકળવું જેથી મુશ્કેલીથી બચી શકાય.