Thu Nov 19 2026

Logo

પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવર નીચેની ઉપેક્ષિત જગ્યાનો કાયાપલટ

2026-11-03 20:50:45
Author: Sapna Desai
પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવર નીચેની ઉપેક્ષિત જગ્યાનો કાયાપલટ

બ્યુટિફિકેશન બાદ લોકાર્પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)


મુંબઈ: મુંબઈના પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવર (શામલદાસ ગાંધી માર્ગ) નીચેના  ઉપેક્ષિત અને ભીડભાડવાળા વિસ્તારનો કાયાપલટ કરી દેવામાં આવ્યો છે, જેમાં નવી ફૂટપાથ, લેન્ડસ્કેપ બગીચો અને વાઇબ્રન્ટ થ્રી-ડી આર્ટવર્કનો સમાવેશ થાય છે.

અત્યાર સુધી ફ્લાયઓવર નીચે ઈ રોડ અને એચ રોડ સેકશનમાં રાહદારીઓ માટે  કોઈ સમર્પિત ફૂટપાથ નહોતી અને તેમને રસ્તા પર ચાલવાની ફરજ પાડવામાં આવતી હતી, જેના કારણે નાગરિકોની સુરક્ષા સામે જોખમો ઊભા થતા હતા અને રાહદારીઓ રસ્તા પર ચાલતા હતા અને તેને કારણે ટ્રાફિકમાં પણ ખલેલ પહોંચતી હતી. 

ઈ રોડ પર આ સમસ્યા ખાસ કરીને વધુ હતી, જે માંડ ચાર મીટર પહોળો છે. જાહેર શૌચાલય, મ્યુનિસિપલ બેંક અને ઘન કચરા વ્યવસ્થાપન સુવિધા ઉપલબ્ધ જગ્યાને વધુ મર્યાદિત કરતી હતી, જેના કારણે રાહદારીઓની અવરજવર માટે બહુ ઓછી જગ્યા રહી હતી. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાને ઉકેલવા માટે પાલિકાએ આ વિસ્તારને અવરોધતા માળખાઓને સ્થાનાંતરિત કર્યા અને સમર્પિત ચાલવાના માર્ગો, હરિયાળી અને સુધારેલી જાહેર સુવિધાઓ પૂરી પાડવા માટે ઉપલબ્ધ જગ્યાનો વ્યવસ્થિત રીતે પુન:વિકાસ કર્યો હતો.

પ્રોજેક્ટના ભાગ રૂપે ઈ રોડ પર ૧૫૦-મીટર લાંબી ફૂટપાથ બનાવવામાં આવી  છે, જ્યારે એચ રોડ પર ૧૦૦-મીટર લાંબો વળાંકવાળો રાહદારી માર્ગ વિકસાવવામાં આવ્યો છે. આ પરિવર્તનમાં એક કલાત્મક સ્પર્શ ઉમેરીને ઈ રોડની બાઉન્ડ્રી વૉલ પર લગભગ ૪૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલું એક આકર્ષક થ્રી ડી ભીંતચિત્ર બનાવવામાં આવ્યું છે.

ફ્લાયઓવરની નીચેનો સમગ્ર ૨૫૦ મીટરનો વિસ્તાર બગીચાઓ અને હરિયાળીથી શણગારવામાં આવ્યો છે. ઓછા પ્રકાશની સ્થિતિમાં ખીલી શકે તેવા છોડ પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે આસપાસના વાતાવરણને વધારવા માટે સુશોભન સ્ટ્રીટ લાઇટ બેસાડવામાં  આવી છે. હરિયાળી જગ્યાઓની નિયમિત જાળવણી સુનિશ્ર્ચિત કરવા માટે એક ઓટોમેટિક ડ્રીપ ઈરિગેશન (સિંચાઈ) સિસ્ટમ પણ બેસાડવામાં આવી છે. બગીચાની જાળવણી અને સુરક્ષાને ટેકો આપવા માટે ૪૫ ચોરસ મીટરનું મલ્ટિપર્પસ  માળખું બનાવવામાં આવ્યું છે. તેમાં એક કેરટેકર રૂમ, સ્ટોરેજ સુવિધા અને સુરક્ષા કેબિન હશે.