Thu Oct 01 2026

Logo

સક્સેસ સ્ટોરીઃ ગામડાના યુવાને ચાર વખત પાસ કરી યુપીએસસીની પરીક્ષા, પછી એવું કંઈક કર્યું કે દુનિયા યાદ કરે છે...

2026-09-27 21:27:08
Author: Devayat Khatana
સક્સેસ સ્ટોરીઃ ગામડાના યુવાને ચાર વખત પાસ કરી યુપીએસસીની પરીક્ષા, પછી એવું કંઈક કર્યું કે દુનિયા યાદ કરે છે...

નવી દિલ્હી: સરકારી નોકરી માટેની પરીક્ષાની વાત થતી હોય ત્યારે સંઘ લોક સેવા આયોગ એટલે કે UPSCનું નામ સૌથી મોખરે હોય. આ પરીક્ષા પાસ કરવી એટલે લોઢાંના ચણા ચાવવા જેવી વાત છે, કારણ કે આ પરીક્ષાની ગણતરી ખૂબ જ અઘરી પરીક્ષાઓમાં થાય છે. પણ રાજસ્થાનના એક ગામડાના યુવાન માટે આ પરીક્ષા પાસ કરવી એટલે જાણે ડાબા હાથનો ખેલ. આપણે વાત કરી રહ્યા છીએ સુનિલ કુમાર ધનવંતાની કે જેમણે સતત ચાર વખત UPSCની પરીક્ષા પાસ કરી છે અને તે પણ હિન્દી માધ્યમથી. ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી સુનીલ ધનવંતા તાજેતરમાં કોર્ટના અવમાનના કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા સમન્સ પાઠવ્યા બાદ સમાચારના કેન્દ્રમાં આવ્યા છે.

સુનિલ કુમાર ધનવંતાએ પહેલી વાર વર્ષ 2018 માં UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી અને ભારતીય રેલ્વે એકાઉન્ટ્સ સર્વિસમાં અધિકારી બન્યા હતા. ત્યારબાદ 2019 માં તેઓ મણિપુર કેડરના IPS અધિકારી તરીકે પસંદગી પામ્યા હતા. સુનીલ કુમારને તેમના ત્રીજા પ્રયાસમાં IPS સેવા માટે પણ પસંદગી પામ્યા અને અંતે વર્ષ 2021 ની UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં તેમણે સમગ્ર ભારતમાં 22મો રેન્ક મેળવ્યો અને ઉત્તર પ્રદેશ કેડરમાં IAS અધિકારી બન્યા હતા. 

સુનીલ કુમારનો જન્મ 31 જુલાઈ, 1996 ના રોજ જયપુર જિલ્લાના જયસિંહપુરા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ જગદીશ પ્રસાદ અને માતાનું નામ સંજય દેવી છે. સુનિલ કુમારે તેમનું પ્રાથમિક શિક્ષણ જયસિંહપુરાની શિવ નિકેતન સ્કૂલમાં મેળવ્યું. ત્યારબાદ તેમણે કોટપુટલીમાં 11 મું અને 12 મું ધોરણ પૂર્ણ કર્યું. તેમણે IIT દિલ્હીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં B.Tech ડિગ્રી મેળવી.  ત્યારબાદ તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી ભૂગોળમાં માસ્ટર ડિગ્રી મેળવી. ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તેમણે UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી અને સતત સફળતા પ્રાપ્ત કરી. ફેબ્રુઆરી 2022 માં સુનિલ કુમાર ભારતીય વિદેશ સેવા અધિકારી નિશા ધવલ સાથે લગ્નના તાંતણે બંધાયા છે, નિશા ધવલ હરિયાણાની રાજધાની ચંદીગઢની રહેવાસી છે અને તેમણે ત્રીજા પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી હતી. 

શા માટે ચર્ચામાં?
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે આંગણવાડી કાર્યકર પસંદગી પ્રક્રિયા અંગે હાઈકોર્ટના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ રહેવા બદલ મુખ્ય વિકાસ અધિકારી અને IAS અધિકારી સુનિલ કુમાર ધનવંતાને અવમાનના નોટિસ ફટકારી છે. કોર્ટે તેમને 29 ઓક્ટોબર, 2026 ના રોજ સમન્સ પાઠવ્યા છે. ન્યાયાધીશ સૌરભ લાવાણિયાની સિંગલ બેન્ચે અવમાનના અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. આ કેસમાં કારકુનની ભૂલને કારણે એક મહિલા ઉમેદવારના આવક પ્રમાણપત્ર નંબરમાં એક અંક ખોટો દાખલ કરવામાં આવ્યો હતો. આ આધારે તેમની ઉમેદવારી રદ કરવામાં આવી હતી.

આ અંગે હાઇકોર્ટમાં અરજી થઈ હતી અને કોર્ટે બે આદેશો જારી કર્યા હતા, જેમાં આવક પ્રમાણપત્રની ચકાસણી અને ભૂલો સુધાર્યા બાદ નિયમો અનુસાર પસંદગી પ્રક્રિયા પર વિચારણા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. 11 ઓગસ્ટના રોજ, અરજદારની રજૂઆતો પર, CMO એ જિલ્લા કાર્યક્રમ અધિકારીને સાત દિવસમાં ફાઇલ સબમિટ કરવા અને નિમણૂક પત્ર જારી કરવાનો નિર્દેશ આપ્યો હતો. આમ છતાં, નિયત સમયગાળામાં નિમણૂક પત્ર જારી કરવામાં આવ્યો ન હતો, ન તો તેમને ચાર્જ સંભાળવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ અરજદારે તિરસ્કારની અરજી દાખલ કરી હતી.