અંબાલાઃ હરિયાણાના અંબાલાના ગામ ધુલકોટમાં રવિવાર સાંજે નિર્માણાધીન મકાનનો સ્લેબ પડવાથી મોટી દુર્ઘટના સર્જાઇ છે. દુર્ઘટનામાં ચાર મજૂરોના મોત થયા છે. 30 મજૂરોના દટાયા હોવાની આશંકા છે.
બચાવ કાર્ય ચાલુ
ઘટનાની જાણ થતા જ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ રાહત અને બચાવના સાધનો સાથે સ્થળ પર પહોંચી ગયા છે. જેસીબી અને અન્ય મશીનોની મદદથી કાટમાળ હટાવવાનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે જેથી અંદર ફસાયેલા અન્ય લોકોને સુરક્ષિત બહાર નીકાળી શકાય. અત્યાર સુધી 9 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. સારવાર માટે જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. સ્થળ પર 5 જેસીબી કાટમાળને દૂર કરવામાં લાગી છે. એસડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે.
એસડીએમ સ્થળ પર પહોંચી ગયા છે. 4 મૃતકોની ઓળખ થઇ ચૂકી છે. રાજેન્દ્ર અંબાલાના સોન્ડા ગામનનો જ્યારે કલિયા યૂપીના બારાબંકીનો રહેવાસી હતો. ત્રીજા મૃતકની ઓળખ યુપીના બહેરાઇચના 50 વર્ષીય શાસ્ત્રી તરીકે થઇ છે. ચોથા મૃતકની ઓળખ પંજાબના ગામ ડાંગ ડેરા નિવાસી રુપસિંહ તરીકે થઇ છે.
બચાવ કામગીરી હાથ ધરવા માટે વૈકલ્પિક લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કાટમાળ હટાવવા માટે હાઇડ્રાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ઇમારતમાં કામ કરી રહ્યા હતા 40 થી 50 મજૂરો
ઘટના બાદ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ તત્પરતા દાખવીને રાહત કાર્ય શરૂ કર્યું અને તાત્કાલિક પોલીસ તથા ડાયલ 112 ને જાણ કરી. ઘાયલોએ જણાવ્યું કે ઇમારતમાં ઓછામાં ઓછા 40-50 શ્રમિકો કામ કરી રહ્યા હતા.
10 મજૂરો હોસ્પિટલમાં દાખલ
ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક લોકો અને ડાયલ 112 ની ટીમોએ ઝડપી કાર્યવાહી કરીને કાટમાળમાંથી બહાર કાઢીને અત્યાર સુધીમાં 10 ઘાયલ શ્રમિકોને અંબાલા સિટીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલુ છે.
તંત્ર શું બોલ્યું?
વહીવટી અધિકારીઓનું કહેવું છે કે તેમની પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવાની અને ઘાયલોને ત્વરિત ડૉક્ટરી સહાય પૂરી પાડવાની છે. દુર્ઘટનાના કારણોની તપાસ રાહત કામગીરી પૂરી થયા પછી કરવામાં આવશે.