નવી દિલ્હી: ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા દેશના 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ (CEO) ને એક મહત્વપૂર્ણ નિર્દેશ જારી કરવામાં આવ્યો છે. જે રાજ્યોમાં મતદાર યાદીની 'સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન' (SIR) ની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, ત્યાં કોઈપણ પાત્ર નાગરિક વોટ આપવાના અધિકારથી વંચિત ન રહી જાય તે માટે વિશેષ ઝુંબેશ (Special Drive) ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ આદેશ અંતર્ગત મતદાર યાદીમાંથી જેમના નામ ભૂલથી કે અન્ય કારણોસર નીકળી ગયા છે અને જે નવયુવાનો પ્રથમ વખત વોટ આપવા પાત્ર બન્યા છે, તેમના નામ ફોર્મ-6 ભરાવીને પુનઃ ઉમેરવામાં આવશે. પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી કમિશનરે પણ X પર પોસ્ટ કરતા કહ્યું કે, દરેક જિલ્લા ચૂંટણી અધિકારીઓ (DEO) અને ઈલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર્સ (ERO) દ્વારા આ અંગેની કામગીરી ઝડપથી શરૂ કરાશે.
SIR પ્રક્રિયા અને નામોની બાદબાકી બાદ નિર્ણય
SIR ની કામગીરી દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) દ્વારા ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા કે ડુપ્લિકેટ (ASDD) મતદારોની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ યાદી પંચાયત ભવન, નગરપાલિકા, BDO કચેરી અને CEO ની વેબસાઈટ પર જાહેર કરાઈ હતી. તદ્ઉપરાંત, દાવા અને વાંધા અરજીઓ બાદ આખરી (Final) મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જોકે, આખરી યાદીમાં SIR પૂર્વેની યાદીની સરખામણીએ અનેક પાત્ર નાગરિકોના નામ બાદ થઈ ગયા હોવાનું ધ્યાને આવતા ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદાર બનવું એ સતત ચાલતી પ્રક્રિયા છે. આથી સુધારણા અર્થે આ સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.
BLO માટે ઘર-ઘર ચકાસણી (H2H) ના કડક નિયમો
ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ની જવાબદારીઓ નક્કી કરતી માર્ગદર્શિકા જાહેર કરી છે. જેની વિગતે વાત કરવામાં આવે તો, BLO એ SIR પૂર્વેની મતદાર યાદી (Pre-SIR Roll) અને વર્તમાન ફાઈનલ યાદી (Current Roll) નો ક્રોસ-વેરિફિકેશન કરી કટાઈ ગયેલા નામોની અલગ યાદી બનાવવાની રહેશે. જે નાગરિકોના નામ બાદ થયા છે પરંતુ તેઓ તે જ સરનામે વસવાટ કરે છે અને વોટ આપવા પાત્ર છે, તેમની પાસે સ્થળ પર જ ફોર્મ-6 ભરાવવાનું રહેશે. દરેક BLO એ સપ્તાહમાં ઓછામાં ઓછા 20 થી 25 મતદારોના ઘરોની મુલાકાત લેવાની રહેશે, જેથી 1 મહિનાની અંદર સમગ્ર ડ્રાઈવ પૂર્ણ થઈ શકે.
BLO એ તૈયાર કરેલી યાદી રાજકીય પક્ષોના BLA સાથે શેર કરાશે
આ સાથે સાથે ઘર-ઘર સરવે દરમિયાન 18 વર્ષ કે તેથી વધુ વયના નવા/પ્રથમ વારના મતદારો મળી આવશે તો તેમના પણ ફોર્મ-6 ભરીને નામ નોંધવામાં આવશે. BLO દ્વારા તૈયાર કરાયેલી યાદી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ્સ (BLA) સાથે શેર કરવામાં આવશે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને મતદાર નોંધણી નિયમો 1960 અનુસાર નામ ઉમેરવાનો આખરી નિર્ણય ERO નો રહેશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું છે.
આદેશ પ્રમાણે વાત કરવામાં આવે તો, નાગરિકો સરળતાથી ફોર્મ જમા કરાવી શકે તે માટે વિશેષ બૂથ કેમ્પ યોજાશે. નાઈટ શેલ્ટર, મજૂર વસાહતો, બેઘર અને વંચિત લોકો માટે વિશેષ નોંધણી કેમ્પ યોજવામાં આવશે. એટલું જ નહીં પરંતુ સાથે શાળાઓ, કોલેજો, પ્રેસ બ્રીફિંગ અને SVEEP કાર્યક્રમો દ્વારા મતદાર જાગૃતિ ફેલાવવામાં આવશે. આ તમામ પ્રક્રિયા અંગે CEO, DEO અને ERO સ્તરે આ ઝુંબેશની રોજિંદી પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.