Mon Oct 05 2026

Logo

સાબરમતીથી લઈને સેવાગ્રામ સુધી: મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલી સાત ધરોહર; જ્યાં આજે પણ ગૂંજે છે સત્ય અને અહિંસાનો સુર

2026-10-02 14:32:00
Author: Darshana Visaria
સાબરમતીથી લઈને સેવાગ્રામ સુધી: મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલી સાત ધરોહર; જ્યાં આજે પણ ગૂંજે છે સત્ય અને અહિંસાનો સુર

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)નું જીવન અને તેમના વિચારો માત્ર ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ પૂરતા સીમિત નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે સત્ય, અહિંસા અને સાદગીનો દીવાદાંડી સમાન સંદેશ આપે છે. ભારતના ખૂણે-ખૂણે બાપુના જીવન સાથે જોડાયેલી એવી ઘણી ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે, જ્યાં તેમણે વર્ષો સુધી નિવાસ કર્યો, ઐતિહાસિક સત્યાગ્રહોની યોજના બનાવી અને દેશને આઝાદીની નવી રાહ બતાવી હતી.

ગાંધી જયંતીના પાવન અવસરે બાપુના પદચિહ્નો અને તેમના કાર્યો સાથે જોડાયેલા ભારતના આવા સાત ખૂબ જ મહત્વપૂર્ણ અને પવિત્ર ઐતિહાસિક સ્થળો વિશે વિગતવાર જાણીએ, જ્યાં આજે પણ ગાંધીજીના આદર્શોનો અહેસાસ થાય છે. ચાલો જોઈએ કયા છે આ સ્થળો અને એમાંથી તમે કેટલા સ્થળોની મુલાકાત લીધી છે. 

કીર્તિ મંદિર (પોરબંદર, ગુજરાત):
ગુજરાતના દરિયાકાંઠે આવેલા પોરબંદરમાં બીજી ઓક્ટોબર, 1869ના રોજ મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ થયો હતો. બાપુનું પૈતૃક નિવાસસ્થાન આજે 'કીર્તિ મંદિર' તરીકે ઓળખાય છે. અહીં રાષ્ટ્રપિતા ગાંધીજીના બાળપણ સાથે જોડાયેલી સ્મૃતિઓ, ફોટો ગેલેરી અને પુસ્તકાલય સચવાયેલાં છે.

સાબરમતી આશ્રમ (અમદાવાદ, ગુજરાત):
વર્ષ 1917થી 1930 સુધી ગાંધીજી અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા આ આશ્રમમાં રહ્યા હતા. અહીંથી જ તેમણે દેશવ્યાપી આંદોલનોનું સંચાલન કર્યું હતું. વર્ષ 1930માં મીઠાના કાયદા સામેની વિશ્વપ્રસિદ્ધ 'દાંડી યાત્રા'ની શરૂઆત બાપુએ અહીંથી જ 78 સાથીઓ સાથે કરી હતી. આશ્રમમાં આવેલું 'હૃદય કુંજ' આજે પણ લાખો મુલાકાતીઓ માટે પ્રેરણાસ્થાન છે.

સેવાગ્રામ આશ્રમ (વર્ધા, મહારાષ્ટ્ર) - ગ્રામીણ સ્વાવલંબનનું કેન્દ્ર:
દાંડી કૂચ બાદ ગાંધીજીએ પ્રતિજ્ઞા લીધી હતી કે દેશ આઝાદ ન થાય ત્યાં સુધી તેઓ સાબરમતી પરત નહીં ફરે. આથી ૧૯૩૬માં તેમણે મહારાષ્ટ્રના વર્ધા નજીક સેવાગ્રામ આશ્રમની સ્થાપના કરી. ભારત છોડો આંદોલનની મોટાભાગની રણનીતિ અહીં જ ઘડાઈ હતી. ગ્રામ્ય વિકાસ, ખાદી અને પાયાના શિક્ષણ માટે બાપુએ અહીંથી મહત્વના નિર્ણયો લીધા હતા.

ચંપારણ (બિહાર):
દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા બાદ ગાંધીજીએ 1917માં બિહારના ચંપારણમાં ગળી (ઈન્ડિગો)ની ખેતી કરતા ખેડૂતો પર અંગ્રેજો દ્વારા કરવામાં આવતા અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો. ભારતમાં મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળનો આ પહેલો સફળ સત્યાગ્રહ હતો, જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું.

આગા ખાન પેલેસ (પુણે, મહારાષ્ટ્ર):
1942ના 'ભારત છોડો આંદોલન' (Quit India Movement) દરમિયાન બ્રિટિશ સરકારે ગાંધીજી, તેમની પત્ની કસ્તૂરબા અને મહાદેવભાઈ દેસાઈને અહીં નજરકેદ રાખ્યા હતા. આ ઐતિહાસિક મહેલમાં જ કસ્તૂરબા (બા) અને મહાદેવભાઈ દેસાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. અહીં તેમની સમાધિઓ સ્થાપિત છે.

ગાંધી સ્મૃતિ / બિરલા હાઉસ (નવી દિલ્હી):
નવી દિલ્હીમાં આવેલું આ સ્થળ અગાઉ બિરલા હાઉસ તરીકે ઓળખાતું હતું, જ્યાં ગાંધીજીએ તેમના જીવનના છેલ્લા 144 દિવસ વિતાવ્યા હતા. 30મી જાન્યુઆરી, 1948ના રોજ સાંજે પ્રાર્થના સભા તરફ જતી વખતે અહીં જ તેમની હત્યા કરવામાં આવી હતી. આ સ્થળને હવે 'ગાંધી સ્મૃતિ' મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવ્યું છે.

રાજઘાટ (નવી દિલ્હી):
વાત કરીએ આ સ્થાનના ઐતિહાસિક મહત્ત્વની તો યમુના નદીના કિનારે આવેલું રાજઘાટ એ એક એવું સ્થળ છે જ્યાં મહાત્મા ગાંધીના પાર્થિવ દેહ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કાળા આરસપહાણથી બનેલા આ સ્મારક પર ગાંધીજીના અંતિમ શબ્દો "હે રામ" અંકિત છે અને ત્યાં સતત એક અખંડ જ્યોત પ્રજ્વલિત રહે છે.