Sun Oct 04 2026

Logo

નેપાળમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસની ધરપકડ પાછળનું અસલી કારણ શું?

Kathmandu   2026-09-27 21:51:22
Author: Mumbai Samachar Team
નેપાળમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટીસની ધરપકડ પાછળનું અસલી કારણ શું?

કાઠમાંડુઃ નેપાળની સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ ચોલેન્દ્ર શમશેર જંગ બહાદુર રાણાની પોલીસે ધરપકડ કરી છે. કાઠમાંડુ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે આજે સવારે મહારાજગંજ સ્થિત તેમના નિવાસસ્થાનેથી તેમની અટકાયત કરી હતી.

ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રાણા વિરુદ્ધ કાઠમાંડુ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. જો કે પોલીસે હજુ સુધી ફરિયાદ અને આરોપોની વિગતો જાહેર કરી નથી. ધરપકડ પાછળનું કારણ પણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

પોલીસે ભૂતપૂર્વ ન્યાયાધીશ રાણાને જરૂરી તપાસ માટે લઇ જવામાં આવ્યા હોવાનું જણાવતા આ મામલે વધુ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, એમ જણાવ્યું હતું. ૨ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ નેપાળની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બનેલા રાણા ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ મહાભિયોગ પ્રક્રિયા શરૂ થયા પછી બંધારણીય જોગવાઇઓ હેઠળ સ્વતઃ સસ્પેન્ડ થયા હતા.

સુપ્રીમમાં તેમની સામે લાંબો સમય સુધી કેસ ચાલ્યો હતો. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તેમની સામેની મહાભિયોગ પ્રક્રિયા પૂર્ણ થઇ ન હોવાના લીધે પેન્શન અને નિવૃતિ પછી મળનાર તમામ પ્રકારની રકમ રિલીઝ કરવાનો આદેશ આપ્યો હતો.

તત્કાલીન વડા પ્રધાન કેપી શર્મા ઓલીના સંસદ ભંગ કરવાના નિર્ણયને ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રાણાની આગેવાની હેઠળની ખંડપીઠે ફગાવી દીધો હતો. તે જ સમયે ઓલી વિરુદ્ધ રચાયેલા નેપાળી કોંગ્રેસ અને માઓવાદી ગઠબંધનના નેતા શેરબહાદુર દેઉવાને વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વધુ જુઓ...