Tue Oct 06 2026

Logo

દક્ષિણ આફ્રિકામાં ફરી અંધાધૂંધ ફાયરિંગ: બે શહેરમાં 27 લોકોના મોતથી ખળભળાટ

Johannesburg   2026-09-27 13:51:45
Author: Vimal Prajapati
દક્ષિણ આફ્રિકામાં ફરી અંધાધૂંધ ફાયરિંગ: બે શહેરમાં 27 લોકોના મોતથી ખળભળાટ

જોહાન્સબર્ગ: દક્ષિણ આફ્રિકામાં ફરી એકવાર અંધાધૂંધ ગોળીબારની બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે. જોહાનિસબર્ગ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વેડેલા (Wedela) ટાઉનશિપના એક નાઇટ બારમાં રાત્રિના સમયે હથિયારધારી બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ લોહીયાળ હુમલામાં 17 લોકોના ઘટનાસ્થળે જ ભયાનક મોત નિપજ્યા છે, જ્યારે 15 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે બીજી ઘટના કેપ ટાઉન નજીક લ્વાન્ડલે બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 

AK-47 રાઇફલો સાથે ત્રાટક્યા 8 હુમલાખોરો

પોલીસ અને સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે આશરે 8 જેટલા અજ્ઞાત બંદૂકધારીઓ AK-47 રાઇફલ અને પિસ્તોલ જેવા આધુનિક હથિયારો સાથે બારમાં ઘૂસી આવ્યા હતા. તેમણે બારમાં હાજર લોકો પર કોઈ પણ કારણ વગર સીધું ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તીવ્ર ગોળીબારના અવાજથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો હતો. ગોળીબાર કર્યા બાદ હુમલાખોરોએ બારમાં હાજર લોકોના મોબાઈલ ફોન અને કિંમતી સામાન લૂંટી લીધો હતો. આટલું જ નહીં, ઘટનાસ્થળેથી ભાગતી વખતે તેમણે બહાર ઊભેલા બે વાહનોને પણ આગ ચાંપી દીધી હતી અને અન્ય કારમાં બેસીને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

હુમલા અંગે દક્ષિણ આફ્રિકન પોલીસે તપાસ શરૂ કરી

આ ઘાતક હુમલામાં 13 પુરુષો અને 4 મહિલાઓનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. દક્ષિણ આફ્રિકન પોલીસે જણાવ્યું કે, હુમલા પાછળનો હેતુ હજુ સુધી સ્પષ્ટ થયો નથી. તપાસ એજન્સીઓ અને ડિટેક્ટિવોની વિશેષ ટીમ બનાવીને આરોપીઓની શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

દક્ષિણ આફ્રિકામાં ગોળીબારની અનેક ઘટનાઓ બની

અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ આફ્રિકામાં ગેરકાયદેસર હથિયારો અને ગેંગવોરના કારણે ગોળીબારની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. આ ઘટના ઉપરાંત કેપટાઉન નજીકના વિસ્તારમાં પણ શૂટિંગની અલગ ઘટનામાં અન્ય 10 લોકોના મોત થયાનું સામે આવ્યું છે, જેનાથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો છે.  ગયા અઠવાડિયે ડરબન શહેરમાં એક ઘરમાં બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો ત્યારે ગર્ભવતી મહિલા સહિત 11 લોકો માર્યા ગયા હતા. જૂન મહિનામાં જોહાનિસબર્ગના ઉપનગરમાં આવેલા એક રહેણાંક વિસ્તારમાં ગોળીબારની ઘટનામાં 12 લોકોના મોત થયા હતા. તે પછી ફરી એકવાર થયેલા ગોળીબારમાં 17 લોકોના મોત થયાં છે.

કેપ ટાઉન નજીક લ્વાન્ડલેમાં થયો ગોળીબાર

ગોળીબારની બીજી એક ઘટનાની વાત કરવામાં આવે તો, આજે રવિવારે આસરે 1 વાગ્યની આસપાસ કેપ ટાઉન નજીક લ્વાન્ડલે (Lwandle) ખાતે આવેલી એક દુકાનમાં ગોળીબારની ઘટના બની હતી. ગોળીબારની આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને તબીબી ટીમો રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલી છે. પોલીસને જણાવ્યાં પ્રમાણે આ બંને ઘટનામાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આરોપીઓને શોધવા માટે પોલીસ તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.