દુબઈઃ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પુરુષોની જેમ મહિલાઓ માટે પણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ શરૂ કરવાની થોડા સમય પહેલાં ખૂબ ઉત્સાહપૂર્વક જાહેરાત કરી હતી અને શ્રીલંકાને 2027માં યોજાનારી સૌપ્રથમ વિમેન્સ ચૅમ્પિયન્સ ટ્રોફી (CHAMPIONS TROPHY)ના યજમાન તરીકે જાહેર કર્યું હતું, પરંતુ એમાં મોટો વળાંક આવ્યો છે.
આઇસીસીએ શ્રીલંકા પાસેથી એ ટૂર્નામેન્ટનું યજમાનપદ પાછું લઈ લીધું છે અને નવા યજમાનની જાહેરાત આઇસીસીની આગામી બોર્ડ મીટિંગમાં કરવામાં આવશે એવું કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું.
આઇસીસી શ્રીલંકન ક્રિકેટ બોર્ડના વહીવટ બાબતમાં ચિંતિત છે અને આ વહીવટમાં શ્રીલંકાની સરકાર દ્વારા નિયુક્ત વચગાળાની સમિતિ દ્વારા દખલગીરી થઈ રહી હોવા વિશે આઇસીસી ક્રોધિત હોવાનું પણ જાણવા મળ્યું હતું.
અહેવાલમાં જણાવાયું છે કે પોતાની સાથે સંકળાયેલા ક્રિકેટ બોર્ડના કારભારમાં જે તે દેશની સરકાર દખલગીરી કરે એ આઇસીસીને પસંદ નથી હોતું. હાલમાં શ્રીલંકાના ક્રિકેટ બોર્ડના વહીવટમાં જે સમિતિ દરમ્યાનગીરી કરી રહી છે એ સમિતિ શ્રીલંકાની સરકાર દ્વારા નીમવામાં આવી છે. પરિણામે, શ્રીલંકન ક્રિકેટ બોર્ડના પ્રતિનિધિઓને આઇસીસીની બોર્ડ મીટિંગમાં હાજરી આપવા સામે અટકાવવામાં આવી રહ્યા છે. પરિણામે, આઇસીસીએ નક્કી કર્યું છે કે આ પરિસ્થિતિમાં શ્રીલંકાને કોઈ ટૂર્નામેન્ટનું યજમાનપદ આપી ન શકાય.