ભુજ: પૂર્વ કચ્છના ઔદ્યોગિક પાટનગર ગાંધીધામ શહેરના રેલવે મથકે પ્લેટફોર્મ નંબર એક પરથી શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા બે વિદ્યાર્થીઓને પોલીસે દબોચી લઈ તેમની પાસેથી રૂ. ૨૮,૧૨૫ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
રેલવે પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન શંકાસ્પદ થેલા સાથે ઝડપાયેલા બંને છાત્રો રાજસ્થાનના બાડમેરના રહીશ છે અને તેમના નામ ઓમપ્રકાશ ગોમારામ જાટ તથા મુકેશકુમાર ગોવિંદ જાટ હોવાનું ખુલ્યું હતું. તેમની તલાશી લેતાં બેગમાંથી ગ્રીનલેબલ અને ૮ પી.એમ. બ્રાન્ડના કુલ ૨૨૫ ક્વાર્ટરિયા (કિંમત રૂ. ૨૮,૧૨૫) મળી આવ્યા હતા.
પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનના જોધપુરના વિષ્ણુ પ્રજાપતિએ મોકલાવ્યો હતો અને આ કામ પેટે બંનેને રૂ. ૧૦,૦૦૦ ચૂકવાયા હતા. આ દારૂનો જથ્થો ગાંધીધામના પ્રહલાદ સોઢા નામના શખ્સને પહોંચાડવાનો હતો. રેલવે પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર સામે પણ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ઉત્સવ વૈદ્ય