મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર દિશા સાલિયાનના રહસ્યમય મોતનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. એવામાં હવે બોમ્બે હાઈકોર્ટે આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવાનો નિર્દેશ આપ્યો છે.
અદાલતનો આ આદેશ મૃતકના પિતા સતીશ સાલિયાન દ્વારા દાખલ કરવામાં આવેલી તે અરજી પર આવ્યો છે, જેમાં તેમણે પોતાની પુત્રીના મોતના સંજોગો પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
કોર્ટના આદેશમાં શું હતું?
આ કેસની સુનાવણી દરમિયાન અદાલતના ન્યાયમૂર્તિ સારંગ કોટવાલ અને ન્યાયમૂર્તિ રંજીતસિંહ રાજા ભોસલેની બેન્ચે જણાવ્યું હતું કે સીબીઆઈ (CBI) આ મામલામાં તાત્કાલિક એફઆઈઆર (FIR) નોંધશે અને મૃતકના પિતા સતીશ સાલિયાનનું નિવેદન નોંધશે.
આ દરમિયાન હાઈકોર્ટે મુંબઈ પોલીસને આદેશ આપ્યો છે કે તેઓ કેસ સાથે જોડાયેલા તમામ કાગળો અને દસ્તાવેજો તુરંત સીબીઆઈને સોંપી દે. અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તપાસ દરમિયાન જ્યાં સુધી કોઈના વિરુદ્ધ પાક્કા પુરાવા કે સામગ્રી હાથ ન લાગે, ત્યાં સુધી કોઈપણ વ્યક્તિને આરોપી માનવામાં આવશે નહીં.
સીબીઆઈ અદાલતમાં રિપોર્ટ રજૂ કરશે
આ ઉપરાંત કોર્ટના આદેશમાં ધ્યાનમાં રાખવા જેવી બાબત એ પણ છે કે જો તપાસમાં કોઈ કેસ બનતો નથી, તો સીબીઆઈ સંબંધિત અદાલતમાં પોતાનો સમરી રિપોર્ટ રજૂ કરશે, જેને પડકારવાની સ્વતંત્રતા સતીશ સાલિયાન પાસે રહેશે.
શું છે આખો મામલો?
ઉલ્લેખનીય છે કે દિશા સાલિયાનનું મોત 8 જૂન 2020ના રોજ મુંબઈના મલાડ વિસ્તારમાં એક રહેણાંક ઇમારતના 14મા માળથી પડી જવાથી થયું હતું. તે સમયે મુંબઈ પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધીને પોતાની પ્રારંભિક તપાસમાં તેને આત્મહત્યા ગણાવી હતી. દિશાના મોતના એક સપ્તાહ બાદ 14, જૂન 2020નો રોજ સુશાંતસિંહ રાજપૂતનું પણ મોત થયું હતું.
જોકે, આ ઘટના પછીથી જ વિવાદોનો દોર શરૂ થઈ ગયો હતો. ગત વર્ષે મૃતકના પિતા સતીશ સાલિયાને હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. તેમના વકીલ નિલેશ ઓઝા દ્વારા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમની પુત્રીનું મોત કોઈ આત્મહત્યા નહોતી.