Wed Sep 09 2026

Logo

દુષ્કાળના અંદેશા વચ્ચે હેરિટેજ વોક સમા ભુજના સાતમ-આઠમના મેળાની તૈયારીઓ પૂર્ણ: ગુરુવારથી થશે પ્રારંભ

2026-09-02 11:38:00
Author: Mumbai Samachar Team
દુષ્કાળના અંદેશા વચ્ચે હેરિટેજ વોક સમા ભુજના સાતમ-આઠમના મેળાની તૈયારીઓ પૂર્ણ: ગુરુવારથી થશે પ્રારંભ

મેળાના સ્થળે જોવા મળતા ચૂનાના લીટા વયસ્કોને તેમના સુવર્ણ દિવસોની કરાવે છે યાદ 

ભુજ: કચ્છના સૌથી મોટા ગણાતાં ભુજના જન્માષ્ટમી પર્વના બે દિવસના સાતમ-આઠમના મેળાનો આગામી ગુરુવારથી પ્રારંભ થશે. નૈસર્ગિક સૌંદર્ય ધરાવતા મહાદેવ નાકાં બહાર હમીરસર તળાવની આસપાસ યોજાતા આ મેળાની તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. મેળાની તૈયારીના ભાગરૂપે આલ્પનાહ ગઢથી શરૂ કરીને છેક ખેંગારપાર્ક અને ઉમેદનગર સુધીના વિસ્તારમાં બંને તરફ પ્લોટ ફાળવવામાં આવે છે. ચુનાથી પ્લોટને વર્ગીકૃત કરવા નિશાનીના ચાસ પાડવામાં આવે છે અને લોકો આ ચાસ એટલે કે ચૂનાના લીટા જોવા ખાસ હમીરસરના કિનારે પહોંચે છે.વયસ્કો માટે મેળા કરતાં પણ પ્લોટના આ ચાસ જોવાનું વધુ મહત્વ છે. વયસ્કો ચૂનાના રેખાંકિત પ્લોટ જોઈને પોતાના જીવનના સુવર્ણકાળમાં સરકી જાય છે. આવા વયસ્કો જયારે પોતે શાળામાં ભણતા ત્યારે તાસ ગૂચાવીને પ્લોટના ચાસ જોવાની વાત, કોલેજકાળ દરમ્યાન મેળામાં વિના કારણે લટાર મારવાની વાત, સગપણ પછીના પહેલા મેળાની વાતની સ્મૃતિ તાજી થાય છે.

ભુજના બે દિવસના આ સાતમ-આઠમના મેળામાં કચ્છ તો ઠીક પણ સૌરાષ્ટ્ર, ગુજરાત,મુંબઈ તેમજ દુબઇ-મસ્ક્તથી મૂળ ભુજના પરંતુ બહાર સ્થાયી થયેલા પરિવારો ખાસ ભુજ આવી પહોંચશે. ભુજના લોકમેળાનું હવે આધુનિકીકરણ થઇ ચૂક્યું છે તેમ છતાં મેળાનું ગામઠીપણું હજુ આંશિક રીતે સચવાઈ રહ્યું છે. અહીં હવે ચાઈનીઝ રમકડાંને બદલે મેક ઈન ઇન્ડિયાના રમકડાં, કચ્છી માટીકામના રમકડાં, કચ્છી હસ્તકળાની વસ્તુઓ પણ વેચાય છે. તો ગ્રામીણ લોકોના ભાતીગળ પોશાકો પણ જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી મેળામાં મહિલાઓ માટેના વેસ્ટર્ન પોશાકો, ઘરવખરીની ચીજવસ્તુઓના સ્ટોલ પણ જોવા મળે છે.
 
જો હમીરસર તળાવ છલકાયેલું હોય તો મેળાની સુંદરતા અનેકગણી વધી જાય છે પણ આ વખતે હજુ સુધી હમીરસર તળાવ છલકાયું નથી જેનો વસવસો કચ્છને છે. 

હાલના સમયમાં વકરી રહેલા સ્વાઈન ફ્લુના હાઉ વચ્ચે પણ ખાણી-પીણીની હાથ લારીઓ ધરાવતા ફેરિયાઓને 'તડાકો 'થવા પામશે. ભુજ સ્થિત ખોરાક નિયમનના અધિકારીઓ મહારાષ્ટ્રના ઝાંબાઝ ફૂડ વિભાગના કમિશનર તુકારામ મુંઢેની કાર્યપ્રણાલી પરથી શીખ લઈને, આ ભાતીગળ મેળા દરમ્યાન આડેધડ વહેંચાતી ખાણીપીણીનું ચેકીંગ, ચટપટી વાનગી બનાવતા ફેરિયાઓને હેન્ડ ગ્લોવ્ઝ અને કેપ પહેરાવાની ઝુંબેશ તેમજ લારી-ગલ્લાંની આસપાસની ગંદકી અને પીવા માટે રખાયેલા પાણીની ચકાસણી કરે છે કે નહિ તે જોવાનું રહ્યું.

આ વખતે સાતમ-આઠમ ખાણીપીણીની સામગ્રી વહેંચતા ફેરિયાઓ માટે જાણે 'કાલસર્પ' યોગ સમાન થઇ છે. તંત્રની પ્રશંસનીય કામગીરીને કારણે, એકબાજુ આવા ફેરિયાઓને પોતાની દબાણ કરેલી જગ્યાઓ પરથી ખસી જવું પડ્યું છે,જયારે બીજી તરફ, ખાણીપીણીની હાથલારીઓ, હોટેલ-રેસ્ટોરન્ટ માટે વેતાળ સાબિત થયેલા તુકારામ મુંઢે પાસેથી પ્રેરણા લઈને ઠેર-ઠેર ખોરાક નિયમનના અધિકારીઓએ તેમની ચેકિંગની કાર્યવાહીને વધુ કડક બનાવી છે તેથી આ વખતે જન્માષ્ટમીનો મેળો આવા ફેરિયાઓ માટે પાઠ શીખવાડનારો બની રહેશે. જો કે સારી બાબત એ છે કે, ઠંડા પીણાં અને આઈસ્ક્રીમ-ગોલા, અને ચટપટી રેંકડીછાપ વાનગીઓને બદલે લોકો હવે લીલાં નાળિયેર, ચકોતરાં, મકાઈના ભુટ્ટા તરફ વધુ આકર્ષાયા છે.

ઉલ્લેખનીય છે કે, શહેરના નાકાં બહાર, રાજાશાહી જમાનાના આલમપનાહ ગઢથી શરૂ થઈને આ મેળો હવે દક્ષિણમાં નૂતન સ્વામિનારાયણ મંદિર, પૂર્વમાં ઉમેદનગર સોસાયટી અને પશ્ચિમમાં છેક ખેંગાર બાગ સુધી વિસ્તર્યો છે.

આ સમગ્ર વિસ્તારમાં આલમપનાહ ગઢ ઉપરાંત હેરિટેજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, કચ્છ મ્યુઝિયમ, સેલોર વાવ અને રાજાશાહી જમાનાના કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત ખાકચોક હનુમાન મંદિર, ધીંગેશ્વર મહાદેવ મંદિર, નઝર બાગ, સત્યનારાયણ મંદિર, વિજયરાજજી લાયબ્રેરી, લખોટા બાગ જેવા વિસ્તારો આવી જાય છે અને આ મેળાની મધ્યમાં ભુજનું હમીરસર તળાવ આવે છે જે જોતાં આ મેળો એક 'હેરિટેજ વોક' સમાન છે. ભુજનો સાતમ-આઠમનો મેળો ચાર સેશનનો હોય છે એટલે કે, સાતમની સવાર સાંજ અને આઠમની સવાર સાંજ.
 
કચ્છ માટે આ મેળો મહત્વનો છે અને કચ્છ બહાર સ્થાઈ થયેલા કચ્છવાસીઓ સાતમ-આઠમનો આ મેળો માણવા દૂર-સુદૂર કે વિદેશથી ભુજ આવી પહોંચે છે. 
મેળાના વર્તુળાકાર માર્ગ પર ફરતા ફરતા અનેક જુના મિત્રો મેળા વચ્ચે મળે છે એ પણ એક મેળાની સંવેન્દનશીલ મહત્તા છે. મેળાની પૂર્વ સંધ્યાએ બુધવારથી જ સ્ટોલ ધારકો પોત પોતાના સ્ટોલ ગોઠવવા શરૂ કરી દેશે.

ઉત્સવ વૈદ્ય