Mon Oct 05 2026

Logo

ગુજરાતમાં ESIC યોજનાનો 31 જિલ્લાઓમાં  અમલ થશે, 1.20 કરોડ નાગરિકોને મળશે સુરક્ષા કવચ

2026-09-29 21:22:25
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં ESIC યોજનાનો 31 જિલ્લાઓમાં  અમલ થશે, 1.20 કરોડ નાગરિકોને મળશે સુરક્ષા કવચ

ગાંધીનગર: ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રી  કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તા. 25 સપ્ટેમ્બર, 2026 ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે મુજબ, સામાજિક સુરક્ષા સંહિતા, 2020 હેઠળ તા. 1 ઓક્ટોબર, 2026 થી ગુજરાતના 16 આંશિક અમલીકૃત અને 15 બિનઅમલીકૃત મળી કુલ 31  જિલ્લાઓમાં ESIC યોજનાનો પૂર્ણ અમલ કરવામાં આવશે.

સામાજિક સુરક્ષાની સેવાઓ પ્રાપ્ત થશે

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ESIC ના આ વ્યાપક વિસ્તરણના પરિણામે રાજ્યના અંદાજે 8 થી 10 લાખ નવા શ્રમિકો અને તેમના પરિવારો સામાજિક સુરક્ષા કવચ હેઠળ આવરી લેવાશે. આ યોજના અંતર્ગત પાત્ર શ્રમિકોને કેશલેસ સારવાર, માંદગી દરમિયાન રોકડ સહાય, પ્રસૂતિ લાભ તેમજ અપંગતા સહાય જેવી વિવિધ આરોગ્યલક્ષી અને સામાજિક સુરક્ષાની સેવાઓ પ્રાપ્ત થશે.

વધુમાં મંત્રી  કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે શ્રમિક કલ્યાણ અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે આ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ નિર્ણય હેઠળ ESIC ના સંપૂર્ણ અમલીકૃત ૧૫ જિલ્લાઓમાં અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, મહિસાગર, નર્મદા, પાટણ, તાપી અને વાવ-થરાદનો સમાવેશ થાય છે. જ્યારે આંશિક અમલીકૃત 16 જિલ્લાઓમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ખેડા, મહેસાણા, મોરબી, નવસારી, પંચમહાલ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગરના નિર્ધારિત વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે.

આરોગ્ય સુવિધાઓ અંગે વધુ વિગતો આપતા મંત્રી  કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, "હાલમાં રાજ્યમાં 103  ESIS ડિસ્પેન્સરીઓ અને 11  ESIC/ESIS હોસ્પિટલો કાર્યરત છે. આ ઉપરાંત શ્રમિકોને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે 234  CHC અને PHC ને એમ્પેનલ કરવામાં આવ્યા છે.

નવી ESIC હોસ્પિટલો શરૂ કરવા  પ્રસ્તાવ મોકલાશે 

તેમણે ઉમેર્યું હતું કે, સાણંદ ખાતે 350 બેડ અને કલોલ-ગાંધીનગર ખાતે 150 બેડની ક્ષમતા ધરાવતી ESIC હોસ્પિટલનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. જ્યારે હાલોલ -પંચમહાલ અને સાવલી -વડોદરા ખાતે 100- 100  બેડની હોસ્પિટલો માટે જમીન ફાળવણીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ સાથે મહેસાણા, ગાંધીધામ અને મોરબી ખાતે નવી ESIC હોસ્પિટલો શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ મોકલવામાં આવશે. 

સુરત ખાતે નવી કોલેજની પ્રક્રિયા ચાલુ 

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, અમદાવાદ ખાતે ESIC મેડિકલ કોલેજ કાર્યરત કરી દેવામાં આવી છે અને  સુરત ખાતે નવી કોલેજની પ્રક્રિયા ચાલુ છે. શ્રમિકોને ઘરની નજીક ઉત્તમ તબીબી સેવાઓ મળે તે હેતુથી છેલ્લા બે મહિનામાં 13  સરકારી અને ૫૫ ખાનગી મળી કુલ 68  પ્રતિષ્ઠિત હોસ્પિટલોને ESIC ની પેનલમાં જોડવામાં આવી છે. આ ઉપરાંત PM-JAY હેઠળની 900 ખાનગી અને 1127  સરકારી હોસ્પિટલો મારફતે પણ પાત્ર શ્રમિકોને સીધી કેશલેસ સારવારનો લાભ મળશે. 


રાજકોટ ખાતે નવી ESIC પેટા પ્રાદેશિક કાર્યાલયને મંજૂરી 

વહીવટી વ્યવસ્થા અંગે વધુ માહિતી આપતા મંત્રી  કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોના શ્રમિકોને સ્થાનિક સ્તરે જ સુવિધાઓ મળી રહે તે હેતુથી રાજકોટ ખાતે નવી ESIC પેટા પ્રાદેશિક કાર્યાલય -Sub-Regional Office- SROને મંજૂરી આપવામાં આવી છે. આ નવી કચેરી શરૂ થવાથી સૌરાષ્ટ્રના 12  જિલ્લાઓના વહીવટી કામકાજ, યોગદાન અને કલેઈમ સંબંધિત તમામ કામગીરી વધુ ઝડપી અને સુચારુ રીતે હાથ ધરી શકાશે.

કુલ આશરે 84  લાખ લાભાર્થીઓ આરોગ્ય તથા સામાજિક સુરક્ષાનો લાભ 

રાજ્યમાં હાલમાં અંદાજે 21.68  લાખ ESIC હેઠળ નોંધાયેલા કામદારો છે જેમાં તેમના પરિવારજનો મળીને કુલ આશરે 84  લાખ લાભાર્થીઓ આરોગ્ય તથા સામાજિક સુરક્ષાનો લાભ મેળવી રહ્યા છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા સમગ્ર ગુજરાતમાં આ યોજના પૂર્ણપણે લાગુ કરવામાં આવ્યા બાદ વધુ 8 થી 10  લાખ નવા કામદારો નોંધાશે. આ વ્યાપક વિસ્તરણના પરિણામે રાજ્યમાં નોંધાયેલા શ્રમિકોની સંખ્યા વધીને અંદાજે 32 લાખ સુધી પહોંચશે, જેનાથી શ્રમિકો અને તેમના પરિવારજનો સહિત રાજ્યના કુલ 1.20  કરોડ  નાગરિકોને ESIC યોજના હેઠળ કેશલેસ સારવાર અને સામાજિક સુરક્ષાનું મજબૂત કવચ પ્રાપ્ત થશે.