Mon Oct 05 2026

Logo

ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા મહેસાણાના ત્રણ જણનું ઈથોપિયામાં અપહરણ

2026-09-29 21:15:19
Author: Pooja Shah
ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા મહેસાણાના ત્રણ જણનું ઈથોપિયામાં અપહરણ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ત્રણ જણ મુશ્કેલીમાં મુકાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહેસાણા અને ગાંધીનગરથી ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા 3 જણનું રસ્તામાં જ કથિત અપહરણ થઈ જતા પરિવાર ચિંતામાં મૂકાઈ ગયો છે. એક જ કુટુંબના ત્રણેય લોકોના અપહરણ થયાને ચાર દિવસ વિતી ચૂક્યા છે ત્યારે ત્રણેયને મોકલનાર એજન્ટ પણ ઓળખાઈ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

મળતી વિગતો અનુસાર ત્રણેયનું અપહરણ થયા બાદ એજન્ટને રૂ. એક કરોડની માગણીનો પોન આવ્યો હતો. એજન્ટના જણાવ્યા અનુસાર તેણે અગાઉ રૂ. 60 લાખ અપહરણકારોને ચૂકવી દીધા છે. આ મામલે મમતા ચાવડા નામની અપહ્યત યુવતીનાં પિતાએ મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરાતા પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણાના વડસ્મા ગામનો યુવક ઋત્વિક જનસારી, ગોઝારિયાની યુવતી મમતા ચાવડા તથા ગાંધીનગરની મયુરી કૌટુંબિક સગાં પણ થાય છે અને ત્રણેય કડીના ડાંગરવા ગામના સ્થાનિક એજન્ટ અલ્પેશની મદદથી અમેરિકા જવા નીકળ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. 

તેઓ જયપુરથી અબુધાબી અને ત્યાંથી ઈથોપિયામાં એડીસમાં એક કેમ્પમાં રોકાયા હોવાનું જાણવા મળ્યું હતું. આ સમયમાં પરિવારજનો પાસે સ્થાનિક એજન્ટે ટુકડે ટુકડે 70 લાખ મેળવી લઈ ત્રણેય કેનેડા પહોંચી ગયા હોવાનું જણાવ્યું હતું. જોકે કેનેડા ગયા બાદ ત્રણેયનો પરિવાર સાથે કોઈ સંપર્ક રહ્યો ન હતો. જ્યારે હવે તેમને છોડાવવા પરિવાર પાસેથી રૂ. એક કરોડની માગણી કરવામા આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પરિવાર ખૂબ જ ચિંતા અને હતાશામાં ડૂબી ગયો છે અને સંતાનો પાછા લાવવા સરકારને વિનંતી કરી છે. આ અંગે પરિવારજનો સાથે સીધો સંપર્ક થઈ શક્યો ન હતો.