Fri Sep 04 2026

Logo

ઉદમાલ બનશે મહારાષ્ટ્રનું પ્રથમ 'ડાર્ક સ્કાય' ગામ: એસ્ટ્રો-ટુરિઝમનું નવું કેન્દ્ર

2026-09-02 13:41:00
Author: Kshitij Nayak
ઉદમાલ બનશે મહારાષ્ટ્રનું પ્રથમ 'ડાર્ક સ્કાય' ગામ: એસ્ટ્રો-ટુરિઝમનું નવું કેન્દ્ર

નાશિકઃ મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં આવેલું ઉદમાલ ગામ રાજ્યનું પ્રથમ 'ડાર્ક સ્કાય કોમ્યુનિટી' બનવાની દિશામાં ઐતિહાસિક પગલું ભરી રહ્યું છે. નાશિક જિલ્લાનું ઉદમાલ નામનું અંતરિયાળ ગામ રાત્રિના આકાશનું જતન કરવા અને પ્રકાશ પ્રદૂષણ અટકાવવા માટે મહારાષ્ટ્રનું પ્રથમ 'ડાર્ક સ્કાય કોમ્યુનિટી' (અંધકારમય આકાશ ધરાવતું) ગામ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જેનાથી આ સ્થળ ખગોળશાસ્ત્રના શોખીનો માટે આદર્શ બની રહેશે.

આ પહેલનો યશ ગામના 22 વર્ષીય વિધાર્થી વિપુલ ખરાડીને જાય છે, જે પોતે આકાશ દર્શનનો શોખીન છે. ખિરાડીએ આદિવાસી-બહુલ ગામને વિશ્વના એસ્ટ્રો-ટુરિઝમ (ખગોળ-પર્યટન)તરીકે વિકસાવવા માટે એક અભિયાનને જન્મ આપ્યો છે.

થોડાં વર્ષો પહેલાં ખિરાડીએ એકલા રાત્રિના આકાશ દર્શક તરીકે શરૂઆત કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ તેઓ ઘરે-ઘરે જઈને શંકાશીલ ગ્રામજનોને સમજાવવા લાગ્યા કે તેમના નિર્મળ આકાશનું રક્ષણ કરવાથી ગૌરવ અને તક બંને મળી શકે છે. તેમની  સતત મથામણે ગ્રામજનોની માનસિકતાને બદલી નાખી અને એક એવા પ્રોજેક્ટનો પાયો નાખ્યો જેને હવે જિલ્લા વહીવટીતંત્રનું સમર્થન પ્રાપ્ત છે.

ઉદમાલ હવે 'ડાર્ક સ્કાય કોમ્યુનિટી' ગામ બનવાના માર્ગ પર છે, જેને ડાર્કસ્કાય ઇન્ટરનેશનલ દ્વારા પ્રમાણિત કરવામાં આવશે, જે એક યુએસ સ્થિત નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે રાત્રિના વાતાવરણને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરે છે. 

ખિરાડીના પ્રયાસોએ ઉદમાલના રાત્રિ આકાશને સામુદાયિક ગૌરવ અને વૈજ્ઞાનિક શક્યતાના પ્રતીકમાં ફેરવી નાખ્યું છે. વિદ્યાર્થીઓ માટે, ગામનું કુદરતી રીતે સ્વચ્છ અને કાળું આકાશ ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરવા, અવકાશ સંશોધન વિશે જાણવા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા માટે આદર્શ વાતાવરણ પૂરું પાડે છે.

કાસ પઠાર, લોણાર સરોવર અને તોરણમાળ જેવા સ્થળોની સાથે, ઉદમાલ એ રાજ્ય સરકાર દ્વારા સંભવિત 'ઇન્ટરનેશનલ ડાર્ક સ્કાય' માટે ચિહ્નિત કરાયેલા ૧૧ સ્થળોમાંનું એક છે. 'ડાર્ક સ્કાય કોમ્યુનિટી' એ કાયદેસર રીતે સંગઠિત નગર, શહેર કે નગરપાલિકા છે જે પ્રકાશ પ્રદૂષણથી રાત્રિ આકાશનું રક્ષણ કરે છે.