Thu Oct 01 2026

Logo

શિવસેનાના નેતા પ્રદીપ પુર્ણેકરની હત્યાની તપાસ માટે એસઆઈટી

2026-10-01 21:39:44
Author: Yogesh C. Patel
શિવસેનાના નેતા પ્રદીપ પુર્ણેકરની હત્યાની તપાસ માટે એસઆઈટી

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે:
થાણેમાં શિવસેના (યુબીટી)ના માનપાડા વિભાગ પ્રમુખ પ્રદીપ પુર્ણેકરની ગોળી મારીને હત્યા કરવાના કેસની તપાસ માટે થાણે પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એસઆઈટી) નીમી હતી. 

વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ પુર્ણેકર હત્યા કેસની તપાસ માટે ગુરુવારે બપોરે એસઆઈટી નીમવામાં આવી હતી. ડેપ્યુટી પોલીસ કમિશનર અમરસિંહ જાધવના વડપણ હેઠળની આ એસઆઈટીમાં બે આસિસ્ટન્ટ કમિશનર, ત્રણ સિનિયર ઈન્સ્પેક્ટર, છ એપીઆઈ, ત્રણ સબ-ઈન્સ્પેક્ટર, એક આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર અને આઠ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે.

ગુરુવારે સાંજે સાડાચાર વાગ્યાની આસપાસ એસઆઈટીની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી મહત્ત્વના પુરાવા ભેગા કરવામાં આવ્યા હતા. અધિકારીઓની 10 ટીમ રાજ્યમાં અને બાકીની રાજ્ય બહાર આરોપીની શોધમાં મોકલવામાં આવી હતી. બાકીના આરોપીને વહેલીતકે પકડી પાડવામાં આવશે, એવું ડીસીપી જાધવે જણાવ્યું હતું.

પુર્ણેકરની હત્યા મામલે હજુ સુધી માત્ર પપ્પા શિંદેની જ ધરપકડ કરાઈ છે, જ્યારે બાકીના ત્રણ આરોપીની ઓળખ થઈ હોવાથી પોલીસ તેમની શોધમાં લાગી છે. હત્યામાં કથિત રીતે સંડોવાયેલા ફરાર આરોપી સંતોષ કનોજિયા ઉર્ફે ટલ્લીના કુટુંબની ચાર વ્યક્તિને પોલીસે પૂછપરછ માટે તાબામાં લીધી હતી. ચારેયને મીરા રોડ પરિસરમાંથી તાબામાં લેવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે હત્યા બાદ આરોપીઓ બાઈક પર ફરાર થયા હતા. કાંદિવલીના સમતાનગર પરિસરમાં બાઈક છોડી આરોપી કારમાં દહિસરની દિશામાં ગયા હતા. પોલીસે ગુનામાં વપરાયેલી બે બાઈક જપ્ત કરી હતી. આ બાઈક કાપૂરબાવડી પોલીસ સ્ટેશને લાવવામાં આવી હતી. પોલીસ બાઈકના માલિકની વિગતો મેળવી રહી છે.