Thu Oct 01 2026

Logo

પિકનિકની મજા માતમમાં ફેરવાઇ: રાયગડના દરિયામાં ડૂબી જવાથી આઠ વિદ્યાર્થીનાં મોત

2026-10-01 20:44:28
Author: Yogesh D. Patel
પિકનિકની મજા માતમમાં ફેરવાઇ:  રાયગડના દરિયામાં ડૂબી જવાથી આઠ વિદ્યાર્થીનાં મોત

પુણેના ખાનગી કોચિંગ ક્લાસના 42 વિદ્યાર્થીઓ પિકનિક પર આવ્યા હતા

મુંબઈ: પુણેના આળંદીથી પિકનિક પર રાયગડ જિલ્લાના દિવેઆગર બીચ ખાતે આવેલા ખાનગી કોચિંગ ક્લાસના 42 વિદ્યાર્થીમાંથી આઠ વિદ્યાર્થી માટે પિકનિકની મજા માતમમાં ફેરવાઇ ગઇ હતી અને તેમનો આ પ્રવાસ તેમના જીવનની અંતિમ સફર બની હતી. પાણીમાં ગયેલા આઠ વિદ્યાર્થીનાં ડૂબી જવાથી મોત થતાં અન્ય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો હતી. આઠેય વિદ્યાર્થીનાં મૃતદેહ બાદમાં બાદમાં પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

પુણેના આળંદી ખાતે વિનર્સ એકેડમી નામના ખાનગી કોચિંગ ક્લાસના 11 અને 12મા ધોરણના  25 વિદ્યાર્થી અને 17 વિદ્યાર્થિનીનું ગ્રૂપ તેમના છ શિક્ષક સાથે ગુરુવારે દિઘી કોસ્ટલ પોલીસ સ્ટેશનની હદમાં દિવેઆગર બીચ પર પિકનિક માટે આવ્યું હતું.

કેટલાક વિદ્યાર્થી પાણીમાં ગયા હતા, પણ ઊંડાણનો ખ્યાલ ન રહેતા આઠ વિદ્યાર્થી ડૂબવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓને ડૂબતા જોઇને અન્ય વિદ્યાર્થીઓએ મદદ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. દરમિયાન બનાવની જાણ થતાં બીચ હાજર સ્થાનિકો, મહાકાલી વોટર સ્પોર્ટસના કર્મચારીઓ તેમ જ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આઠેય વિદ્યાર્થીને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને છાતિ અને પેટ દબાવીને તેમના શરીરમાંથી પાણી કાઢવાના અને તેમને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. જોકે કમનસીબે આઠેય વિદ્યાર્થીનાં મોત થયાં હતાં.

મૃતકોની ઓળખ તન્મય દત્તાત્રય વહીલે, સુમિત ભરત અહિરે, પ્રણવ રામદા બનસોડે, કૈવલ્ય સતીશ વાસનકર, રાજવીર યુવરાજ વહીલે, યશ કિરણ બનસોડે, સોહન તુકારામ ભંડવલકર અને કૌસ્તુભ સંદીપ દૌંડ તરીકે થઇ હતી. તમામ મૃતકો 16 વર્ષની વયના હતા અને પુણેના આળંદીના રહેવાસી હતા. તેમના મૃતદેહને બાદમાં બોર્લી પંચતન ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.