Mon Sep 07 2026

Logo

NPSમાં મોટો ફેરફાર! 5 કેટેગરીમાં વહેંચાશે સ્કીમ્સ, નવા એકાઉન્ટ પર આપવો પડશે ₹200 ચાર્જ, નવો નિયમ 1 ઓક્ટોબરથી થયો લાગૂ

2026-09-02 13:37:00
Author: Mumbai Samachar Team
NPSમાં મોટો ફેરફાર! 5 કેટેગરીમાં વહેંચાશે સ્કીમ્સ, નવા એકાઉન્ટ પર આપવો પડશે ₹200 ચાર્જ, નવો નિયમ 1 ઓક્ટોબરથી થયો લાગૂ

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં ઇન્વેસ્ટ કરનારા માટે સ્કીમ પસંદ કરવી હવે પહેલા કરતા સરળ થઇ શકે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ NPSની અલગ-અલગ સ્કીમને કેટેગરાઇઝ કરવા અને તેની સાથે સંકળાયેલી જાણકારી બતાવવા માટે નવું માળખુ લાગુ કર્યું છે. 

આ અંતર્ગત રોકાણકારોને કોઈપણ સ્કીમમાં ઇક્વિટી એટલે કે શેરોમાં રોકાણનો હિસ્સો, જોખમ, રિટર્ન, ફી અને બેન્ચમાર્ક જેવી માહિતી એક સમાન રીતે બતાવવામાં આવશે. આ ઉપરાંત, 1 ઓક્ટોબર 2026 થી પોઇન્ટ ઓફ પ્રેઝન્સ (PoP) દ્વારા નવું NPS ખાતું ખોલાવવા પર દરેક પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર (PRAN) દીઠ 200 રૂપિયાની વન-ટાઇમ રજીસ્ટ્રેશન ફી લાગશે.

આ રકમ ખાતામાંથી એકસાથે કાપવામાં નહીં આવે. સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સીઓ (CRA) દર ત્રિમાસિક ગાળામાં 50 રૂપિયાના હિસાબે યુનિટ રદ કરીને આ ફીની વસૂલાત કરશે. ખાતું ખુલવાની પ્રક્રિયા પૂરી થનારા ત્રિમાસિક ગાળાના આગામી મહિનામાં આ રકમ PoP ને આપવામાં આવશે.

5 કેટેગરીમાં વહેંચાશે સ્કીમ્સ

PFRDAએ 28 ઓગસ્ટ 2026ના રોજ જારી સર્ક્યુલરમાં NPS સ્કીમની નવી કેટેગરી નક્કી કરી છે. નવી વ્યવસ્થામાં મુખ્યત્વે શેરોમાં રોકાણની હિસ્સેદારીના આધારે સ્કીમને પાંચ કેટેગરીમાં રાખવામાં આવશે.
 

  1. કેટેગરી A: 80-100% ઇક્વિટી, વેરી હાઇ રિસ્ક
  2. કેટેગરી B: 60-80% ઇક્વિટી, હાઇ રિસ્ક
  3. કેટેગરી C: 35-60% ઇક્વિટી, મીડિયમ રિસ્ક
  4. કેટેગરી D: 10-35% ઇક્વિટી, રિલેટિવલી લો રિસ્ક
  5. કેટેગરી E: 0-10% ઇક્વિટી, ડેટ-ફંડેડ ઇન્વેસ્ટમેન્ટ

આનાથી ઇન્વેસ્ટર્સને સ્કીમ પસંદ કરવામાં પહેલા એ સમજવામાં સરળતા રહેશે કે તેમના પૈસા શેર માર્કેટમાં કેટલા લગાવી શકાય છે અને તેમાં કેટલું રિસ્ક છે. 

એક સ્કીમ ફક્ત એક જ કેટેગરીમાં હશે

નવી વ્યવસ્થામાં કોઇ સ્કીમને બે કેટેગરીની વચ્ચે નહીં રાખી શકાય. ઉદાહરણ તરીકે, કોઇ સ્કીમ એકસાથે કેટેગરી B અને કેટેગરી Cમાં સામેલ નહીં થઇ શકે. તેને ચોક્કસ કેટેગરીમાંથી કોઇ એકમાં જ રાખવામાં આવશે. આનાથી અલગ-અલગ NPS સ્કીમની તુલના કરવી સરળ રહેશે.