Tue Oct 06 2026

Logo

કુઆલા લમ્પુરથી આવેલા કર્ણાટકના રહેવાસી પાસેથી 12 કિલો ગાંજો જપ્ત

2026-10-04 17:20:35
Author: Yogesh C. Patel
કુઆલા લમ્પુરથી આવેલા કર્ણાટકના રહેવાસી પાસેથી 12 કિલો ગાંજો જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
કસ્ટમ્સ વિભાગના ઍર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)ના અધિકારીઓએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કુઆલા લમ્પુરથી આવેલા પ્રવાસીની ધરપકડ કરી તેની પાસેથી આશરે 12 કિલો ઉચ્ચ ગુણવત્તાવાળો ગાંજો જપ્ત કર્યો હતો.

એઆઈયુએ પકડી પાડેલા આરોપીની ઓળખ મોહમ્મદ સુહેલ સૈયદ મેહબૂબ અલી (35) તરીકે થઈ હતી. આરોપી કર્ણાટકના કારવારનો વતની હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી બાટિક ઍરની ફ્લાઈટમાં શનિવારની મધરાતે 12.30 વાગ્યે મુંબઈ પહોંચ્યો હતો. ડ્રગ્સની માહિતીને આધારે એઆઈયુના અધિકારીઓએ શકમંદ સુહેલ અલીને ઍરપોર્ટ પર રોક્યો હતો. પર્સનલ સર્ચમાં તેની પાસેથી કંઈ મળ્યું નહોતું. જોકે તેની પાસેની બ્લૅક કલરની ટ્રૉલી બૅગ તપાસવામાં આવતાં ડ્રગ્સ મળી આવ્યું હતું.

અધિકારીના જણાવ્યા મુજબ બૅગમાં પ્લાસ્ટિકનાં 12 પૅકેટ્સ હતાં. ફીલ્ડ ટેસ્ટિંગ કિટની મદદથી તપાસ કરતાં એ પૅકેટ્સમાં હાઈડ્રોપોનિક વીડ હોવાનું જણાયું હતું. અંદાજે 4.12 કરોડ રૂપિયાનો આશરે 12 કિલો ગાંજો આરોપી પાસેથી જપ્ત કરાયો હતો. આરોપીની એનડીપીએસ ઍક્ટ હેઠળ ધરપકડ કરી અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે મોટી રકમનું કમિશન આપવાની લાલચ આરોપીને અપાઈ હતી. ઝટપટ નાણાં કમાવાની લાલચમાં તે ડ્રગ્સની તસ્કરી માટે તૈયાર થયો હતો. જોકે તે મુંબઈમાં ડ્રગ્સ કોના સુધી પહોંચાડવાનો હતો તેની માહિતી તાત્કાલિક મળી શકી નહોતી.