Mon Oct 05 2026

Logo

મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યાં 3 ઉમેદવારઃ પુણે-નાગપુરની બેઠકો પર હવે જામશે જંગ

2026-10-04 17:26:44
Author: Mumbai Samachar Team
મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યાં 3 ઉમેદવારઃ પુણે-નાગપુરની બેઠકો પર હવે જામશે જંગ

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની દ્વિવાર્ષિક ચૂંટણી માટે ભાજપે ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય મુખ્યાલય તરફથી જાહેર કરવામાં આવેલી યાદી મુજબ પુણે વિભાગ સ્નાતક મતદાર સંઘમાંથી ડૉ. સ્મિતા યોગેશ જાધવ, નાગપુર વિભાગ સ્નાતક મતદાર સંઘમાંથી સુધાકર વિઠ્ઠલરાવ કોહળે અને પુણે વિભાગ શિક્ષક મતદાર સંઘમાંથી કૌસ્તુભ મુરલીધર ગાવડેને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ભાજપે આ ત્રણેય બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારીને મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં પોતાની મજબૂત હાજરી નોંધાવવાની તૈયારી કરી છે. બીજી તરફ, અન્ય વિપક્ષી પક્ષો પણ ધીમે ધીમે પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે. તેથી આ વખાણી જંગ ખરાખરીની બની રહેશે તેવા પણ એંધાણ છે. 

મહારાષ્ટ્ર વિધાન પરિષદની સ્નાતક અને શિક્ષક મતદાર સંઘની પાંચ બેઠકો માટે 23 ઓક્ટોબરે દ્વિવાર્ષિક ચૂંટણી યોજાશે. તેમાં ઔરંગાબાદ વિભાગ સ્નાતક, પુણે વિભાગ સ્નાતક, નાગપુર વિભાગ સ્નાતક, અમરાવતી વિભાગ શિક્ષક અને પુણે વિભાગ શિક્ષક મતદાર સંઘનો સમાવેશ થાય છે. વર્તમાન સભ્યોનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂર્ણ થવાનો હોવાથી આ ચૂંટણી યોજાઈ રહી છે.

ચૂંટણી પંચના આયોજન મુજબ 23 ઓક્ટોબરે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે 27 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા 31 ઓક્ટોબર પહેલાં પૂર્ણ કરવામાં આવશે. ભાજપે હાલમાં ત્રણ બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે, ત્યારે બાકીની બેઠકો માટેની ચૂંટણીમાં રાજકીય પક્ષોની ઉમેદવારી પર પણ નજર રહેશે.