મુંબઈ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ આજે મુંબઈમાં સંયુક્ત વિરોધ મોરચો કાઢ્યો. ‘વિરાટ ગર્જના મોરચા’ હેઠળ યોજાયેલા આ પ્રદર્શનમાં કોંગ્રેસ અને શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ પણ ભાગ લીધો હતો. મોરચો મેટ્રો સિનેમાથી શરૂ થઈ દક્ષિણ મુંબઈમાં બૃહન્મુંબઈ મહાનગરપાલિકા મુખ્યાલય તરફ આગળ વધ્યો હતો.
છ મહિનામાં 40 લાખ મતદાર કઈ રીતે વધ્યા
રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં છ મહિનામાં ૪૦ લાખ મતદારો વધ્યાનો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું કે આટલી મોટી સંખ્યામાં મતદારો કેવી રીતે વધ્યા. રાજ ઠાકરેએ મતચોરી વિરુદ્ધ પગલાં લેવાની માંગ સાથે મહારાષ્ટ્રમાં ચાલી રહેલી વિશેષ સઘન મતદાર યાદી સુધારણા પ્રક્રિયા એટલે કે એસઆઈઆરને રદ કરવાની માંગ કરી હતી. તેમણે આગામી ચૂંટણી બેલેટ પેપરથી યોજવાની પણ માંગ કરી હતી.
‘મેક ઈન ઈન્ડિયા’ના નામે દેશમાં તાનાશાહી ઊભી કરી
મોરચા દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ પણ કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જો ‘મેક ઈન ઈન્ડિયા’ના નામે દેશમાં તાનાશાહી ઊભી કરવામાં આવી રહી હોય તો તેનો વિરોધ કરવામાં આવશે. બીજી તરફ, મોરચામાં સામેલ લોકો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની સાથે સાથે તેમના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી.
અનિયમિતતાઓને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો
આ મોરચામાં રાજકીય પક્ષોના ઝંડા અને પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો અને કાર્યકરો તથા સમર્થકોને માત્ર રાષ્ટ્રધ્વજ તિરંગો લઈને આવવા કહેવામાં આવ્યું હતું. ચૂંટણી યાદીના વિશેષ સઘન સુધારણામાં કથિત અનિયમિતતાઓને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રદર્શન મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ‘કોકરોચ જનતા પાર્ટી’ દ્વારા મુંબઈના શિવાજી પાર્કમાં યોજાયેલા ‘જેલ ભરો આંદોલન’ના બે દિવસ બાદ યોજાયું હતું.