નવી દિલ્હીઃ ગત સપ્તાહ દરમિયાન સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં ટોચની 10 કંપનીઓ પૈકી સાત કંપનીઓના માર્કેટકેપ અથવા તો માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ. 1.13 લાખ કરોડનું ધોવાણ થયું હતું જેમાં સૌથી વધુ ધોવાણ ભારતી એરટેલ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જોવા મળ્યું હતું, જ્યારે ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બૅન્ક અને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાના માર્કેટકેપમાં વધારો થયો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત સપ્તાહે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 0.35 ટકાનો અથવા તો 276.32 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 0.31 ટકાનો અથવા તો 76.3 ટકાનો ઘટાડો આવ્યો હતો.
એકંદરે વૈશ્વિક વ્યાજદરો, ભૂરાજકીય અનિશ્ચિતતા અને નવા વલણ અને જૂના વલણ પૂરા થતાં પૂર્વેની અનિશ્ચિતતાઓ વચ્ચે ગત સપ્તાહે ભારતીય ઈક્વિટી માર્કેટનો અંત સાવચેતીના અભિગમ સાથે થયો હોવાનું રેલિગેર બ્રોકિંગનાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવતાં ઉમેર્યું હતું કે ગત શુક્રવારે વૈશ્વિક સ્તરે ટૅક્નોલૉજી શૅરોમાં જોવા મળેલા ઉછાળા પાછળ સ્થાનિકમાં પણ આઈટી શૅરોની તેજીને ટેકે ઝડપી ઉછાળો આવ્યો હોવા છતાં સતત ત્રીજા સપ્તાહે બજાર સાપ્તાહિક ધોરણે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
દરમિયાન ગત સપ્તાહે ભારતી એરટેલનું માર્કેટકેપ સૌથી વધુ રૂ. 40,500.85 કરોડના ઘટાડા સાથે રૂ. 11,74,462.30 કરોડની સપાટીએ રહ્યું હતું. ત્યાર બાદ અનુક્રમે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપ રૂ. 40,056.32 કરોડ ઘટીને રૂ. 17,38,119.27 કરોડ, એચડીએફસી બૅન્કનું માર્કેટકેપ રૂ. 11,558.35 કરોડ ઘટીને રૂ. 11,09,600.70 કરોડ, બજાજ ફાઈનાન્સનું માર્કેટકેપ રૂ. 10,086.05 કરોડ ઘટીને રૂ. 6,70,535.57 કરોડ, લાર્સન ઍન્ડ ટૂબ્રોનું માર્કેટકેપ રૂ. 6473.45 કરોડ ઘટીને રૂ. 5,55,987.49 કરોડ, એલઆઈસીનું માર્કેટકેપ રૂ. 3162.5 કરોડ ઘટીને રૂ. 5,32,817.81 કરોડ અને હિન્દુસ્તાન યુનીલિવરનું માર્કેટકેપ રૂ. 1550.73 કરોડ ઘટીને રૂ. 4,72,361.83 કરોડની સપાટીએ રહ્યું હતું.
જોકે, સપ્તાહ દરમિયાન ટીસીએસનું માર્કેટકેપ રૂ. 16,643.2 કરોડ વધીને રૂ. 8,48,079.71 કરોડ, આઈસીઆઈસીઆઈ બૅન્કનું માર્કેટકેપ રૂ. 4475.28 કરોડ વધીને રૂ. 10,22,805.73 કરોડ અને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાનું માર્કેટકેપ રૂ. 599.99 કરોડ વધીને રૂ. 9,65,568.75 કરોડની સપાટીએ રહ્યું હતું.
એકંદરે સપ્તાહ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં માર્કેટકેપમાં ઘટાડો થયો હોવા છતાં કંપનીએ ટોચનું વૅલ્યુએશન ધરાવતી અગ્રણી કંપનીનું સ્થાન જાળવી રાખ્યું હતું. ત્યાર બાદ અનુક્રમે ભારતી એરટેલ, એચડીએફસી બૅન્ક, આઈસીઆઈસીઆઈ બૅન્ક, સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા, ટીસીએસ, બજાજ ફાઈનાન્સ, લાર્સન ઍન્ડ ટૂબ્રો, એલઆઈસી અને હિન્દુસ્તાન યુનીલિવરનો સમાવેશ થતો હતો.