મહેસાણાઃ ઉત્તર ગુજરાતના કુખ્યાત ગેંગસ્ટર પર ફાયરિંગ થતાં ચકચાર મચી ગઈ હતી. ગેંગસ્ટર લક્ઝુરીયસ કારમાં બેઠો હતો ત્યારે સ્કોર્પિયોથી ટક્કર મારવામાં આવી હતી.
જાણો શું છે સમગ્ર મામલો અને કોણ છે કુખ્યાત ગેંગસ્ટર
મહેસાણાની નાગલપુર ચોકડી પાસે રવિવારે રાત્રે ફિલ્મી ઢબે હુમલાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. 20થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાતગેંગસ્ટર ભાવેશ બળદેવ દેસાઈ (ઉર્ફે ભાવેશ ઝીલિયા) તેની લકઝુરીયસ કારમાં બેઠો હતો ત્યારે સ્કોર્પિયોથી ટક્કર મારીને ફાયરિંગ કરાયું હતું. આ હુમલામાં ભાવેશ ઝીલિયાને હાથના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી.

ઉત્તર ગુજરાતનો કુખ્યાત ગેંગસ્ટ ભાવેશ ઝીલિયા રવિવારે રાત્રે પોતાના મિત્રો સાથે ફોર્ચ્યુનર કારમાં બેઠો હતો. તે દરમિયાન રોંગ સાઈડમાંથી અચાનક ધસી આવેલી એક સ્કોર્પિયો કારે તેની ફોર્ચ્યુનરને જોરદાર ટક્કરો મારી હતી. અકસ્માત સર્જ્યા બાદ સ્કોર્પિયોમાં સવાર અજાણ્યા શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ઘટનાસ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયા હતા.
ફાયરિંગની માહિતી મળતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. ઘટનાસ્થળેથી પોલીસને એક વપરાયેલું અને એક મિસફાયર થયેલું કારતૂસ મળી આવ્યું હતું. ફાયરિંગ એક તરફથી થયું હતું કે બંને તરફથી સામસામે થયું હતું, તે જાણવા FSLની મદદ લેવામાં આવી રહી છે.

સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર વચ્ચે થયેલા અકસ્માતના દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ફાયરિંગની ઘટના કેમેરામાં કેદ થઈ છે કે નહીં તે માટે આસપાસના અન્ય સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. હાલ પોલીસે હુમલા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ભાવેશ ઝીલિયાની સઘન પૂછપરછ શરૂ કરી છે અને ફરાર હુમલાખોરોને ઝડપી લેવા નાકાબંધી હાથ ધરી છે.
કોણ છે ભાવેશ ઝીલિયા?
ભાવેશ ઝીલિયા ગુનાખોરીની દુનિયામાં જાણીતો ચહેરો છે. એક દાયકા પહેલા ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો હતો. 2016માં પાટણના જાણીતા ડૉક્ટરનું અપહરણ કર્યું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે અમદાવાદમાં 'મસ્તાની ગેંગ' બનાવી હતી અને ખંડણી, વસૂલાત તેમજ ધાક-ધમકી જેવા ગેરકાયદેસર કામો શરૂ કર્યા હતા. તેની સામે ખૂનની કોશિશ, અપહરણ, ખંડણી અને ગુજસીટોક સહિત 20થી વધુ ગુના નોંધાયા છે.

માર્ચ 2026માં તેના મૂળ ગામ ઝીલિયામાં મંદિરના ફાળાને લઈને હિંસક અથડામણ થઈ હતી, જેમાં તેના ઘર અને પોલીસવાન પર પણ હુમલો થયો હતો. આ ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા ગૌચરની જમીન પર ગેરકાયદે બાંધેલા તેના ફાર્મહાઉસ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.