Mon Sep 07 2026

Logo

ઓગસ્ટ પૂરો છતાં ગુજરાતના 33 ટકા જિલ્લાઓમાં 50 ટકા વરસાદની ઘટ, દેવભૂમિ દ્વારકા દેશમાં બીજા ક્રમે

2026-08-31 09:10:00
Author: Mayur Patel
ઓગસ્ટ પૂરો છતાં ગુજરાતના 33 ટકા જિલ્લાઓમાં 50 ટકા વરસાદની ઘટ, દેવભૂમિ દ્વારકા દેશમાં બીજા ક્રમે

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ હતી. જોકે ઓગસ્ટ મહિનો કોરો રહેવા પામ્યો હતો. રાજ્યના 33 ટકા જિલ્લાઓમાં 50 ટકા વરસાદની ખાધ જોવા મળી હતી. રાજ્યના 34 જિલ્લાઓમાંથી 11 જિલ્લાઓમાં વાર્ષિક સરેરાશ વરસાદની 50 ટકા સુધીની ઘટ નોંધાઈ હતી.

IMDની  અનુસાર, 87 ટકાની ઘટ સાથે દેવભૂમિ દ્વારકા સૌથી વધુ પ્રભાવિત જિલ્લો છે. તે દેશના સૌથી વધુ વરસાદની ખાધ ધરાવતા જિલ્લાઓમાં સામેલ થઈ ગયો છે, જે માત્ર અરુણાચલ પ્રદેશના અંજાવ ની 89 ટકા ઘટ જેવા જિલ્લાઓથી જ પાછળ છે. ડેટાના વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત અને છેલ્લા 10 વર્ષમાં ત્રીજી વખત એવું બન્યું છે કે ગુજરાત તેની મોસમનો 100% વરસાદ મેળવી શક્યું નથી. નિષ્ણાતો જણાવે છે કે ઓગસ્ટના અંત સુધીમાં સરેરાશ વરસાદ 75 ટકા હોવો જોઈએ, પરંતુ આ આંકડો વાસ્તવિકતા છુપાવે છે.

એક હવામાનશાસ્ત્રીએ જણાવ્યું કે, લાંબા સમય પછી કચ્છ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ખાધ જોવા મળી રહી છે. પરંપરાગત રીતે સૂકા અને પાણીની અછતવાળા ગણાતા આ બંને વિસ્તારોમાં છેલ્લા દાયકામાં પાણીની સારી ઉપલબ્ધતા સાથે સ્થિતિ સુધરી હતી. આ વર્ષે કચ્છમાં અત્યાર સુધીમાં તેની વાર્ષિક સરેરાશનો માત્ર 29 ટકા વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 56 ટકા વરસાદ પડ્યો છે. હવે સારા વરસાદની શક્યતાઓ ઓછી છે, પરંતુ નહિવત નથી

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર, ગાંધીનગર અનુસાર, અત્યાર સુધીમાં સૌથી ઓછો વરસાદ નોંધાયેલા મુખ્ય જિલ્લાઓમાં દેવભૂમિ દ્વારકા 6 ટકા, 
પોરબંદર 18 ટકા, કચ્છ 19 ટકા, જામનગર 28 ટકા, ગીર સોમનાથ 46 ટકા, સાબરકાંઠા 46 ટકા, અરવલ્લી 46 ટકા, રાજકોટ 47 ટકા અને છોટા ઉદેપુર 50 ટકાનો સમાવેશ થાય છે.

આ વર્ષના અસમાન વરસાદમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાર્ષિક સરેરાશના 100% કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. અગાઉના એક વિશ્લેષણ મુજબ, ગુજરાતમાં અત્યાર સુધીનો લગભગ 60% વરસાદ માત્ર 15 દિવસના ગાળામાં જ પડી ગયો હતો, જે છૂટાછવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદનું વલણ દર્શાવે છે.

વર્ષ 2019, 2020 અને 2024માં ચોમાસાના ચાર મહિના પૈકી ઓગસ્ટમાં સૌથી વધુ (400 મિમીથી વધુ) વરસાદ નોંધાયો હતો. તેની સરખામણીએ આ વર્ષે ઓગસ્ટમાં માત્ર 96.5 મિમી વરસાદ પડ્યો છે. SEOCના ડેટા મુજબ, ઓગસ્ટ મહિનાના વરસાદની દ્રષ્ટિએ આ 2023 (25.5 મિમી) અને 2021 (65.3 મિમી) પછીનો ત્રીજો સૌથી ઓછો વરસાદ છે.

છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યમાં સરેરાશ માત્ર 2.3 મિમી વરસાદ નોંધાયો છે. વરસાદની આ ઘટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાજેતરમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાને 'સૌની યોજના' મારફતે પાણી પૂરું પાડવાની જાહેરાત કરી હતી.