Sun Sep 13 2026

Logo

મોજતબા ખામેનેઇનું ખાડીના દેશોને આહ્વાન, કહ્યું તમારા સાચા દુશ્મનોને ઓળખો

Tehran   2026-08-30 22:40:36
Author: Chandrakant Kanoja
મોજતબા ખામેનેઇનું ખાડીના દેશોને આહ્વાન, કહ્યું તમારા સાચા દુશ્મનોને ઓળખો

તેહરાનઃ ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઇએ રવિવારે એક લેખિત સંદેશ જાહેર કરીને ખાડીના દેશોને અમેરિકા અને ઇઝરાયલ સામે સંગઠિત થવા હાકલ કરી હતી. આ સંદેશ મધ્ય પૂર્વમાં યુદ્ધ શરૂ થયાના છ મહિના પૂર્ણ થયા બાદ સામે આવ્યો છે.

ઇસ્લામિક દેશો સામેના પડકારોનો ઉકેલ 'મિત્રતા' અને 'સહયોગ'માં

મોજતબાએ ખાડીના દેશોને કહ્યું કે તમારા સાચા દુશ્મનોને ઓળખો, તેની યોજનાઓ સમજો અને તેનો સામનો કરો. આ દરમિયાન તેમણે અમેરિકા અને ઇઝરાયલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ઇસ્લામિક દેશો સામેના પડકારોનો ઉકેલ 'મિત્રતા' અને 'સહયોગ'માં છે.

મુસ્લિમોમાં તિરાડ પાડવાના પ્રયાસ 

શિયા મુસ્લિમો દ્વારા પયગંબર મોહમ્મદના જન્મદિવસની ઉજવણીના દિવસે મોજતબાએ તેમના સંદેશમાં કહ્યું કે જેઓ મુસ્લિમો વચ્ચે સંઘર્ષ પેદા કરે છે, તે દુશ્મનોના ઉદ્દેશ્યોને પૂરા કરે છે. મોજતબા ખામેનેઇની સત્તાવાર વેબસાઇટ અનુસાર તેમણે વધુમાં જણાવ્યું કે કોઇપણ વ્યક્તિ, તે ગમે તે હોદ્દા પર હોઇ, જો તે એવું પગલું ભરે છે કે જેથી મુસ્લિમોમાં તિરાડ પડે છે કે સંઘર્ષની સ્થિતિ પેદા થાય છે. તે પછી ભલે જાણતા હોઇ કે અજાણતા, તે માત્ર ઇસ્લામના દુશ્મનોના ઉદ્દેશ્યને પૂરા કરી રહ્યા છે.

સમયાંતરે લેખિત નિવેદનો જાહેર

અત્રે નોંધનીય છે કે ૨૮ ફેબ્રુઆરીના રોજ યુદ્ધની શરૂઆતમાં પિતા અલી ખામેનેઇની હત્યા પછી તરત જ સત્તા સંભાળનારા મોજતબા ખામેનેઇ તેમની નિમણૂંક પછી હજુ સુધી જાહેરમાં દેખાયા નથી. જો કે તેઓ સમયાંતરે લેખિત નિવેદનો જાહેર કરતા રહે છે. જેને ઇરાનના સરકારી ટીવી પર પ્રસારિત કરવામાં આવ્યા છે.