ભુજઃ પૂર્વ કચ્છ પોલીસના 'નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ કેમ્પેઇન' અંતર્ગત સામખિયાળી પોલીસે હાઈવે પર આવેલી હોટેલની આડમાં ચાલતા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરી રાજસ્થાનના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.
સરહદી રેન્જ આઈ.જી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારના નિર્દેશથી સામખિયાળી પી આઈ જે.એમ. ઝાલા સહિતના સ્ટાફે મોરબી-સામખિયાળી હાઈવે પર આવેલી 'હરિ શિવ કૃપા રાજસ્થાની હોટેલ' પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે મૂળ રાજસ્થાનના રાજેશકુમાર રઘુનાથારામ બિશ્નોઈ (ઉં.વ. ૨૭), રઘુનાથારામ જાલારામ બિશ્નોઈ (ઉં.વ. ૬૧) અને જગદિશ સોગારામ બિશ્નોઈ (ઉં.વ. ૧૯) ને દબોચી લીધા હતા.
હોટેલમાં હાથ ધરાયેલી સઘન તલાશી દરમિયાન ૧૮ ગ્રામ બ્રાઉન એમડી ડ્રગ્સ, ૨૫ ગ્રામ સફેદ એમડી ડ્રગ્સ અને ૩.૧૧૧ કિલોગ્રામ પોષડોડા પાઉડર મળી આવ્યો હતો. પોલીસે રોકડ રકમ, છ સ્માર્ટફોન સહિત કુલ રૂ. ૨,૫૦,૧૧૫નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજી તરફ, સામખિયાળી-મોરબી હાઈવે પર આવેલી ૪૦થી વધુ ઢાબા સ્ટાઈલ હોટેલોમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાયદાકીય કડકાઈ અને 'ગુજસીટોક' જેવી આકરી કાર્યવાહી કરવાની લોકમાગણી ઉઠી રહી છે.
(ઉત્સવ વૈદ્ય)