મુંબઈઃ નેપાળ પૂરનો મૃત્યુઆંક 903 પર પહોંચ્યો છે, જ્યારે અનેક લોકો હજુ પણ ગુમ છે. આ દરમિયાન કેટલાક લોકોની ભાળ મળ્યા બાદ સહી સલામત વતન વાપસી પણ થઈ છે. જેમાંની એક મૂળ ગુજરાતી અને નેશનલ ફિલ્મ એવોર્ડ વિજેતા એક્ટ્રેસ માનસી પારેખ પણ છે. ઈશા ફાઉન્ડેશન સાથે કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયેલા 93 લોકો આજે મુંબઈ પરત ફર્યા હતા. લાંબી રાહ જોયા બાદ પરિવારને મળતાં જ લોકોની આંખોમાંથી આંસુ છલકાઈ ગયાં હતા. કોઈ માતા પોતાના પુત્રને ભેટીને રડતી જોવા મળ્યા હતા, તો ક્યાંક ભાઈ-બહેને એરપોર્ટ પર જ રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. માનસી પારેખે એરપોર્ટ પર મીડિયા સાથે તેનો અનુભવ શેર કર્યો હતો. આ દરમિયાન તે ભાવુક થઈ ગઈ હતી.
માનસી પારેખે અનુભવ કર્યો શેર
આ યાત્રીઓમાં અભિનેત્રી માનસી પારેખ પણ સામેલ હતી, જે ઈશા ફાઉન્ડેશન સાથે કૈલાશ માનસરોવર યાત્રાએ ગઈ હતી. યાત્રા દરમિયાન શરૂઆતમાં તે ગુમ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જોકે, ઘટનાના થોડા કલાકો બાદ તેણે પોસ્ટ કરીને સહી સલામત હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું, આ સફર ખૂબ જ લાંબી અને કઠિન રહી. તિબેટ અને નેપાળ વચ્ચે જે સરહદ છે, ત્યાં ખૂબ મોટી ઇમિગ્રેશન બિલ્ડિંગ છે અને 7 દિવસ પહેલાં જ તે ઇમિગ્રેશન બિલ્ડિંગમાંથી અમે ચીનમાં પ્રવેશ કર્યો હતો. અમારી કૈલાશ યાત્રા પૂરી થયા પછી અમે ચીનમાંથી બહાર નીકળવાના જ હતા, પરંતુ બરાબર 24 કલાક પહેલાં જ આ દુર્ઘટના ઘટી. અમે જ્યારે વીડિયો જોયા અને અમને આ અંગે જાણ થઈ ત્યારે અમારી પાસે કોઈ શબ્દો જ નહોતા કે હવે અમે શું કરીએ. એટલી મોટી બિલ્ડિંગ હતી અને તે તણાઈ ગઈ, આખું ગામ વહી ગયું. 24 કલાકમાં આખું ગામ ગાયબ થઈ ગયું હતું. ખૂબ જ ખરાબ અનુભવ હતો. અમને સમજાયું કે જીવનમાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. જિંદગી ખૂબ અનિશ્ચિત છે.
આ ઉપરાતં તેણે કહ્યું, એ આખોય વિસ્તાર કાદવ-માટીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, જેમાં લોકોનું મળવું ખૂબ મુશ્કેલ છે. આ ખૂબ જ દુઃખદ છે. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે લોકો 300 કિલોમીટર દૂર સુધી તણાઈ ગયા. આ કુદરતનો પ્રકોપ છે, જેને કોઈ રોકી શકતું નથી. આ એક એવી દુર્ઘટના હતી જે કોઈના હાથમાં નહોતી. તેને કોઈ રોકી શક્યું ન હોત. કોઈએ વિચાર્યું પણ નહોતું કે આવું કંઈક થશે. આ એક એવો અનુભવ હતો, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. આ ખૂબ જ દુઃખદ છે.
માહિતી મુજબ, કપોળ સોશિયલ ગ્રૂપ સાથે કુલ 93 લોકો કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતા. આ ઉપરાંત નેપાળ ફરવા ગયેલા અન્ય ઘણા લોકો પણ આજે મુંબઈ પરત ફર્યા હતા. મુંબઈ એરપોર્ટની બહાર મુસાફરોના પરિવારજનો આતુરતાથી પોતાના સભ્યોની રાહ જોઈ રહ્યા હતા. યાત્રીઓ જેવા એરપોર્ટની બહાર આવ્યા, પરિવારને મળતાં જ ઘણા લોકો ભાવુક થઈ ગયા. લાંબા સમય પછી પોતાના સ્વજનોને જોઈને ઘણા યાત્રીઓ અને પરિવારજનો પણ ભાવુક થઈ ગયા હતા.
એરપોર્ટ પર રક્ષાબંધન ઉજવાઈ
એરપોર્ટ પર યાત્રીઓના પરિવારજનો માટે આ ક્ષણ અત્યંત ભાવુક કરનારી હતી. પરિવારને મળતાં જ લોકોએ એકબીજાને ગળે લગાવ્યા અને યાત્રા દરમિયાનના અનુભવો જણાવ્યા. તેવામાં એક ભાઈ-બહેને એરપોર્ટ પર જ રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો. બહેને પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી ત્યારે બંને ભાવુક જોવા મળ્યા હતા.
‘હર હર મહાદેવ’ના નારાથી એરપોર્ટ ગૂંજી ઊઠ્યું
કૈલાશ માનસરોવર યાત્રાથી પરત ફરેલા યાત્રીઓએ ભગવાન શિવનું સ્મરણ કર્યું. મુંબઈ એરપોર્ટ પર યાત્રીઓ અને તેમના પરિવારજનોએ ‘હર હર મહાદેવ’ના જોરદાર જયઘોષ લગાવ્યા. આ દરમિયાન મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો. યાત્રાથી પરત ફરેલા લોકોના ચહેરા પર થાકની સાથે-સાથે સુરક્ષિત ઘરે પહોંચવાનો આનંદ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. એરપોર્ટનું વાતાવરણ થોડા સમય માટે આધ્યાત્મિક અને ભાવુક બની ગયું હતું.
કોણ છે માનસી પારેખ
માનસી પારેખનો જન્મ અમદાવાદમાં થયો છે. તેના પિતાનું નામ મહેશ પારેખ અને માતાનું નામ મનીષા પારેખ છે. તેણે ઝેવિયર્સ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે.
માનસી પારેખ એક્ટ્રેસ હોવાની સાથે-સાથે સિંગર, નિર્માતા અને કન્ટેન્ટ ક્રિએટર પણ છે. તેણે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ 2004માં ટેલિવિઝન ધારાવાહિક 'કિતની મસ્ત હૈ જિંદગી'થી કરી હતી. જોકે, તેને ખરી ઓળખ 2005ના લોકપ્રિય શો 'ઇન્ડિયા કૉલિંગ'થી મળી. ત્યારબાદ તેણે સ્ટાર પ્લસના શો 'જિંદગી કા હર રંગ... ગુલાલ' અને સુપરહિટ કોમેડી શૉ 'સુમિત સંભાલ લેગા'માં માયાના પાત્રથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું.
નાના પડદા પર અપાર સફળતા મેળવ્યા બાદ માનસીએ પ્રાદેશિક અને હિન્દી સિનેમામાં પણ ઝંપલાવ્યું. તેણે 2012માં તમિલ ફિલ્મ 'લીલાઈ' અને હિન્દી ફિલ્મ 'યે કૈસી લાઈફ'થી ફિલ્મી સફર શરૂ કરી હતી. ત્યારબાદ તેણે નિર્માણ ક્ષેત્રે પ્રવેશ કરીને ગુજરાતી વેબ સિરીઝ 'ડૂ નોટ ડિસ્ટર્બ' બનાવી અને સુપરહિટ ફિલ્મ 'ગોળકેરી' દ્વારા ગુજરાતી સિનેમામાં મુખ્ય અભિનેત્રી તરીકે ઓળખ બનાવી હતી. વર્ષ 2024 માનસીની કારકિર્દીનું સૌથી યાદગાર વર્ષ સાબિત થયું, જ્યારે તેને ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ'માં 'મોંઘી'ના સશક્ત પાત્ર માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો.
માનસી પારેખે 2008માં મ્યુઝિશિયન પાર્થિવ ગોહિલ સાથે લગ્ન કર્યા હતા. એક્ટ્રેસ મીડિયામાં તેની પર્સનલ લાઈફ વિશે વધુ વાત કરતી નથી. તે પોતાના જીવનને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે.