Mon Sep 07 2026

Logo

કાશ્મીરમાં ડેમનું 'કામ' નહીં રોકાય: સિંધુ જળ વિવાદ મુદ્દે ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટનો ચુકાદો ફગાવ્યો, કોર્ટને ગણાવી 'ગેરકાયદે'

2026-08-31 20:52:42
Author: Devayat Khatana
કાશ્મીરમાં ડેમનું 'કામ' નહીં રોકાય: સિંધુ જળ વિવાદ મુદ્દે ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટનો ચુકાદો ફગાવ્યો, કોર્ટને ગણાવી 'ગેરકાયદે'

નવી દિલ્હી: ભારતે સિંધુ જળ સંધિ મુદ્દે હેગ સ્થિત 'પર્મેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન' (PCA) ના ચુકાદાને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ મધ્યસ્થી કોર્ટને જ "ગેરકાયદે રીતે રચાયેલી" ગણાવીને સ્પષ્ટ કર્યું છે કે આ ચુકાદાથી ભારતનાં સાર્વભૌમ કાર્યો કે જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા હાઇડ્રોપાવર પ્લાન્ટ પર કોઈ જ અસર પડશે નહીં. વિદેશ મંત્રાલયે એ સ્પષ્ટ કરી દીધું છે કે સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાનો ભારતનો નિર્ણય આગળ પણ યથાવત્ જ રહેશે.

હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતે પોતાના ચુકાદામાં ભારતને પાકિસ્તાન સાથેની પાણી વહેંચણીની સંધિનું પાલન કરવા અને કાશ્મીર વિસ્તારમાં બની રહેલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ પરનું કામને મર્યાદિત કરવા જણાવ્યું હતું. 

કોર્ટે કહ્યું કે ભારત પાસે આ કરાર ખતમ કરવા કે રોકવાનું કોઈ વાજબી કારણ ન હોવાથી સંધિ સંપૂર્ણપણે લાગુ છે. કોર્ટના જણાવ્યા અનુસાર, વર્લ્ડ બેંક દ્વારા નિયુક્ત એક નિષ્પક્ષ નિષ્ણાત જુલાઈ 2027 સુધીમાં એ નક્કી કરશે કે હિમાલયી વિસ્તારમાં પ્લાન્ટનું નિર્માણ સંધિ મુજબ છે કે નહીં. ત્યાં સુધી પાકિસ્તાનની માંગ મુજબ ભારતને રતલે હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્લાન્ટમાં નિર્ધારિત સ્તરથી ઉપર ડેમની દીવાલ બનાવવાની મંજૂરી મળશે નહીં.

વર્લ્ડ બેંકની આગેવાની હેઠળ આ સુનાવણી  થઈ હોવા છતા ભારતે તેને ફગાવી દીધી છે અને ભારત સરકારે આકરા શબ્દોમાં કહ્યું હતું કે આ કથિત 'કોર્ટ ઓફ આર્બિટ્રેશન' પાસે ભારતના સાર્વભૌમ નિર્ણયો પર ચુકાદો આપવાનો કોઈ અધિકાર જ નથી. 

ભારતે ક્યારેય આ ગેરકાયદે રીતે રચાયેલી કોર્ટને કાયદેસરની માન્યતા આપી નથી અને તેનું ગઠન જ સિંધુ જળ સંધિનું ગંભીર ઉલ્લંઘન માને છે. આ જ કારણસર ભારત ક્યારેય આ સંસ્થા સમક્ષ હાજર રહ્યું નથી અને તેના અગાઉના કે ભવિષ્યના કોઈ ચુકાદાઓને સ્વીકારશે નહીં.

ભારતે સ્પષ્ટ કર્યું છે કે પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સરકારે લીધેલો સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય આગામી ભવિષ્યમાં પણ મક્કમતાથી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે, પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં કડક વલણ અપનાવીને આ ઐતિહાસિક સંધિને અટકાવી દીધી હતી. આ સિંધુ જળ સંધિ પાકિસ્તાન માટે અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તેનાથી પાકિસ્તાનના ૮૦ ટકા જેટલા ખેતરોને સિંચાઈ માટે પાણીનો પુરવઠો મળે છે.