(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકલ ટ્રેનથી પશ્ચિમ રેલવેમાં મુસાફરી કરનારા લાખો પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર છે. સબર્બન રેલવેમાં આવતીકાલે યાને 1 સપ્ટેમ્બર નવું ‘સબર્બન વર્કિંગ ટાઈમટેબલ-79’ લાગુ કરવામાં આવશે. નવા ટાઈમટેબલમાં મુસાફરોની માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અનેક સેવાઓના સમય, રૂટ અને સ્ટોપેજમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે, કુલ ઉપનગરીય લોકલ સેવાઓની સંખ્યા 1,414 જાળવી રાખવામાં આવશે.
6 નવી લોકલ ટ્રેનની સર્વિસમાં થશે વધારો
નવા સમયપત્રક હેઠળ કુલ છ નવી ઉપનગરી સેવાઓ શરૂ કરવામાં આવશે, જેમાં બે અપ દિશામાં અને ચાર ડાઉન દિશામાં હશે. અપ દિશામાં પ્રથમ નવી સેવા બાંદ્રા–ચર્ચગેટ હશે, જે બાંદ્રાથી સવારે 11.58 કલાકે ઉપડશે અને બપોરે 12.30 કલાકે ચર્ચગેટ પહોંચશે.
બીજી નવી ટ્રેન વિરાર–બોરીવલી હશે, જે વિરારથી રાત્રે 23.51 કલાકે ઉપડશે અને 00.26 કલાકે બોરીવલી પહોંચશે. ડાઉન દિશામાં ટ્રેન ભાયંદર–વિરાર સવારે 07.46 કલાકે ભાયંદરથી ઉપડશે. બોરીવલી–ભાયંદર રાત્રે 22.14 કલાકે, બોરીવલી–વિરાર રાત્રે 22.51 કલાકે અને બોરીવલી–ભાયંદર મધરાતે 00.28 કલાકે બોરીવલીથી ઉપડશે.
હાલની છ સબર્બન લોકલ ટ્રેનસેવા રદ્દ પણ કરાશે
નવું સમયપત્રક લાગુ થયા બાદ છ હાલની ઉપનગરીય સેવાઓને રદ કરવામાં આવશે. તેમાં અપ દિશાની બે સેવાઓનો સમાવેશ થાય છે. બોરીવલીથી 10.50 કલાકે ઉપડતી એસી ટ્રેન અને બોરીવલીથી 14.30 કલાકે ઉપડતી બોરીવલી–ચર્ચગેટ રદ કરવામાં આવી છે, જ્યારે ડાઉન દિશામાં ચર્ચગેટથી 09.56 કલાકે ઉપડતી એસી ચર્ચગેટ–બોરીવલી, 11.00 કલાકે ઉપડતી ચર્ચગેટ–મુંબઈ સેન્ટ્રલ, 13.16 કલાકે ઉપડતી ચર્ચગેટ–બોરીવલી અને 21.01 કલાકે ઉપડતી ચર્ચગેટ–મુંબઈ સેન્ટ્રલ લોકલનો સમાવેશ થાય છે.
દાદર અને દહાણુ રોડ વચ્ચે સીધી લોકલ કનેક્ટિવિટી મળી
નવા સમયપત્રકની સૌથી મહત્વપૂર્ણ વિશેષતાઓમાં દાદર અને દહાણુ રોડ વચ્ચે સીધી લોકલ કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. હાલની દાદર–વિરાર અને વિરાર–દહાણુ રોડને એકીકૃત કરવામાં આવી છે. હવે આ સેવા દાદરથી દહાણુ રોડ સુધી સીધી દોડશે. સુધારેલા ટાઈમટેબલ અનુસાર આ ટ્રેન દાદરથી સાંજે સાંજના 5.22 કલાકે ઉપડશે, જે દહાણુ રાતના 7.30 કલાકે પહોંચશે. આ ફેરફારથી દાદરથી દહાણુ રોડ તરફ મુસાફરી કરતા લોકોને વિરારમાં ટ્રેન બદલવાની જરૂર નહીં રહે.
અમુક ટ્રેનની સેવાઓને વિસ્તારિત કરવામાં આવી
ચર્ચગેટ તરફની કનેક્ટિવિટી વધુ સરળ બનાવવા માટે પણ કેટલીક સેવાઓને વિસ્તારિત કરાઈ છે. વિરારથી સવારે 08.23 કલાકે ઉપડતી વિરાર–દાદરને હવે ચર્ચગેટ સુધી લંબાવવામાં આવશે. આ સેવા હવે સવારે 09.48 કલાકે ચર્ચગેટ પહોંચશે. બીજી તરફ, દાદર–વિરારમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન ચર્ચગેટથી સવારે 09.52 કલાકે ઉપડશે અને નાલાસોપારા સુધી દોડશે.
એસી સેવાઓની સંખ્યા 145થી વધારીને 147 કરવામાં આવી
મુસાફરો માટે એસી લોકલ સેવાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સપ્તાહના કામકાજના દિવસોમાં એસી સેવાઓની સંખ્યા 145થી વધારીને 147 કરવામાં આવી છે, જ્યારે શનિવાર અને રવિવારે કુલ 116 એસી સેવાઓનું સંચાલન કરવામાં આવશે.
આ ઉપરાંત બે હાલની નોન-એસી સેવાઓને એસી સેવાઓમાં રૂપાંતરિત કરવામાં આવી છે. ચર્ચગેટથી સાંજે 17.28 કલાકે ઉપડતી હાલની નોન-એસી ચર્ચગેટ–બોરીવલી હવે એસી ટ્રેન તરીકે દોડશે. તેવી જ રીતે, બોરીવલીથી સાંજે 18.24 કલાકે ઉપડતી નોન-એસી ટ્રેન બોરીવલી–ચર્ચગેટ હવે એસી ટ્રેન તરીકે દોડશે. બંને સેવાઓ તેમના હાલના રૂટ અને સમય મુજબ જ સંચાલિત થશે.
સાંજના 6.22 કલાકે ઉપડતી ચર્ચગેટ-વિરાર બોરીવલી 'નો-હોલ્ટ'
કેટલીક લોકલ સેવાઓના સ્ટોપેજમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ચર્ચગેટથી સાંજે 6.22 કલાકે ઉપડતી એસી ચર્ચગેટ–વિરાર ફાસ્ટ હવે બોરીવલી સ્ટેશન પર નહીં અટકે. આ ઉપરાંત, સાંજે 19.05 કલાકે ઉપડતી ટ્રેન પણ બોરીવલી સ્ટેશન પર નહીં અટકે. આ ફેરફારનો હેતુ ઝડપી સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવાનો છે.
ચર્ચગેટ–બોરીવલી એસી સેવાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો
ચર્ચગેટ–બોરીવલી એસી સેવાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ચર્ચગેટથી સવારે 10.24 કલાકે ઉપડતી હાલની ટ્રેન ચર્ચગેટ–બોરીવલી એસી સ્લો સેવા હવે ગોરેગાંવ સુધી જ દોડશે. આ સેવા હવે ટ્રેન ચર્ચગેટ–ગોરેગાંવ એસી સ્લો તરીકે ચલાવાશે, જ્યારે રિટર્નમાં.બોરીવલીથી સવારે 11.35 કલાકે ઉપડતી હાલની ટ્રેન બોરીવલી–ચર્ચગેટ એસી સ્લો સેવા હવે ગોરેગાંવથી શરૂ થશે. આ સેવા ટ્રેન ગોરેગાંવ–ચર્ચગેટ એસી સ્લો તરીકે દોડશે અને ગોરેગાંવથી સવારે 11.39 કલાકે ઉપડશે.
પશ્ચિમ રેલવે દ્વારા કરાયેલા આ ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ મુસાફરોની વધતી સંખ્યા અને તેમની મુસાફરીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઉપનગરીય ટ્રેન સેવાઓને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો છે. નવા ટાઈમટેબલમાં નવી લોકલ સેવાઓ, ડાયરેક્ટ કનેક્ટિવિટી અને વધારાની એસી સેવાઓના કારણે પશ્ચિમ રેલવેના દૈનિક મુસાફરોને વધુ સારા મુસાફરી વિકલ્પો ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. સુધારેલુ ઉપનગરી સમયપત્રક 1 સપ્ટેમ્બર, 2026થી અમલમાં આવશે.